Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
13 જુઓ, તોફાની પવનની જેમ લશ્કર
અમારા પર ચઢી આવશે.
તેના રથો વાવાઝોડાની જેમ ઘસતા આવે છે,
તેના ઘોડા ગરૂડ કરતાં પણ વેગીલા છે.
ઓહ! ખરેખર અમે ખલાસ થઇ ગયા.
14 હે યરૂશાલેમ,
તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે,
તો કદાચ તું બચી જાય,
તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?
15 કારણકે દાનથી અને એફ્રાઇમના પર્વતો પરથી
તમારા માટેના ચુકાદાની જાહેરાત થઇ ચૂકી છે.
16 “અન્ય લોકોને જાણ કરો,
યરૂશાલેમમાં દાંડી પિટાવો.
યહૂદિયાના નગરો સામે યુદ્ધનાદો કરતા
દૂરના દેશથી દુશ્મનો આવે છે.
17 જંગલી પ્રાણીની આસપાસ ભરવાડો ફરી વળે
તે પ્રમાણે તેઓ યરૂશાલેમને ઘેરી લે છે;
કારણ કે તેના લોકોએ
યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.”
યહોવા આ વચનો કહે છે.
18 “હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે,
તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
માટે આ બધું તારા પર વિત્યું છે.
આ તારી સજા છે!
કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!”
યર્મિયાનું રૂદન
19 અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે!
મારી છાતી કેવી ધડકે છે!
હું શાંત રહી શકતો નથી,
કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.
20 સંકટ પર સંકટ આવે છે,
દેશ આખો ખેદાન મેદાન થઇ ગયો છે,
મારા તંબુઓ એકાએક ઢળી પડ્યા છે.
તેના પડદાઓના લીરા ઊડે છે.
21 મારે ક્યાં સુધી રણધ્વજ જોવો
અને રણશિંગડાનો નાદ સાંભળવો?
29 ઘોડેસવાર અને બાણાવળીનું નામ સાંભળતાં
જ સમગ્ર દેશ નાસભાગ કરે છે.
કેટલાક ઝાડીમાં ભરાઇ જાય છે,
કેટલાક ડુંગરો પર ચઢી જાય છે.
એકેએક શહેર સૂનું થઇ જાય છે,
કોઇ ત્યાં રહેતું નથી.
30 તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો
અને ઘરેણાં પહેર્યાં છે?
અને શા માટે આંખોમાં કાજળ લગાવીને
આંખોને તેજસ્વી કરી છે?
તેનાથી તને લાભ થવાનો નથી.
તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે
અને તારો વિનાશ કરવાનું ઈરછે છે.
31 હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું.
પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે.
એ તો મારા લોકોનો અવાજ છે.
તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે
અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ,
અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”
11 “હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંઓ માટે તેનું જીવન આપે છે. 12 જે ચાકરને ઘેટાં રાખવા પૈસા ચુકવાય છે તે ઘેટાંપાળકથી જુદો છે. પગારદાર ચાકર એ ઘેટાંનો ધણી નથી. તેથી ચાકર જ્યારે વરુંને આવતું જુએ છે ત્યારે તે ઘેટાંને એકલા મૂકીને નાસી જાય છે. પછી તે વરું ઘેટાં પર હુમલો કરીને તેઓને વિખેરી નાખે છે. 13 તે માણસ નાસી જાય છે કારણ કે તે એક માત્ર પગારદાર ચાકર છે. ખરેખર તે ઘેટાંની ચિંતા કરતો નથી.
14-15 “હું એક ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારા ઘેટાંને જાણું છું અને મારા ઘેટાં મને ઓળખે છે, જેમ પિતા મને ઓળખે છે તેમ હું મારા ઘેટાંને ઓળખું છું. હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું. 16 મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે. 17 પિતા મને પ્રેમ કરે છે કારણ કે હું મારું જીવન આપું છું. હું મારું જીવન આપું છું તેથી હું તે પાછું મેળવું છું. 18 કોઈ વ્યક્તિ મારી પાસેથી મારું જીવન લઈ શક્તું નથી. પણ હું મારું પોતાનું જીવન મુક્ત રીતે આપું છું. મને મારું જીવન આપવાનો અધિકાર છે. અને મને તે પાછું મેળવવાનો પણ અધિકાર છે. મને મારા પિતાએ આ કહ્યું છે.”
19 ફરીથી યહૂદિઓ એકબીજા સાથે સંમત થયા નહિ કારણ કે ઈસુએ આ બાબતો કહીં. 20 આ યહૂદિઓમાંના ઘણાએ કહ્યું, “એક શેતાન તેનામાં પ્રવેશ્યો છે અને તેને ગાંડો બનાવ્યો છે, તેનું શા માટે સાંભળો છો?”
21 પણ બીજા યહૂદિઓએ કહ્યું, “એક માણસ જે શેતાન ઘેલો છે તે આના જેવી વાતો કહી શકે નહિ. શેતાન આંધળા લોકોની આંખો સાજી કરી શકે? ના!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International