Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
4 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો
તું મારી પાસે જ પાછો આવ,
તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે
અને ફરીથી ખોટે માર્ગે જતો નહિ
2 અને જો તું સત્યથી,
ન્યાયથી તથા નીતિથી,
‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ;
તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે,
તથા તેનામાં અભિમાન કરશે.”
3 યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે,
“તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો,
તમારાં બીજ કાંટા ઝાંખરા
વચ્ચે વાવશો નહિ;
4 યહોવાનું શરણું સ્વીકારો,
તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો,
રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે
અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.”
ઉત્તર દિશામાં વિનાશ
5 “યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે,
આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો.
‘તમારા જીવ બચાવવાને દોડો!
કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’
6 સંકેત ધ્વજ ઊંચો કરો, સિયોનને ‘હમણાં જ ભાગી જાઓ.
વિલંબ કરશો નહિ!’
કારણ કે હું યહોવા ઉત્તર તરફથી તમારા પર
ભયંકર વિનાશ લાવું છું.”
7 “સિંહ” પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે;
તે તો પ્રજાઓનો વિનાશક છે;
તારા દેશને ઉજ્જડ કરવા માટે
તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે;
તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે,
તેઓમાં કોઇ રહેવાસી જોવામાં આવશે નહિ,
8 માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, છાતી કૂટો અને વિલાપ કરો,
કારણ, યહોવાનો ઉગ્ર ક્રોધ હજુ શાંત પડ્યો નથી.
9 યહોવાએ કહ્યું, “તે દિવસે રાજાઓ
અને સરદારો ભયને લીધે કાંપશે,
યાજકોને તથા પ્રબોધકોને ભયને
કારણે ભારે આઘાત લાગશે.”
10 ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”
જૂઠાં ઉપદેશકો
2 ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે. 2 ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે. 3 આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.
4 જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.
5 જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.
6 દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું. 7 પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો. 8 લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.
9 હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે. 10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે.
આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International