Revised Common Lectionary (Semicontinuous)
કુંભાર અને માટી
18 યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે કે, 2 “તું એકદમ કુંભારને ઘેર જા અને ત્યાં હું તને મારે જે કહેવાનું છે તે કહીશ.”
3 પછી હું કુંભારને ઘેર ગયો. અને જોયું તો તે ચાક પર કામ કરતો હતો. 4 પરંતુ તે જે વાસણ ઘડતો હતો તે તેની ઇચ્છા મુજબ તૈયાર થયું નહિ, તેથી તેણે તેને તોડીને ફરીથી માટીનો પિંડ પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું બનાવ્યું અને બીજીવાર વાસણ બનાવવાની શરૂઆત કરી.
5 પછી યહોવાની વાણી મને સંભળાઇ: 6 “હે ઇસ્રાએલ, આ કુંભારે જેમ માટીના પિંડનું જે કર્યું તેવું શું હું તમારી સાથે ન કરી શકું? જેમ માટીનો પિંડ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો. 7 કોઇ વાર હું કોઇ પ્રજાને કે રાજયને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે ખેદાનમેદાન કરી નાખવાની ધમકી આપું, 8 અને તે પ્રજા જો દુષ્ટ માર્ગેથી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું; 9 અથવા કોઇવાર હું કોઇ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું. 10 પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ.
11 “હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માર્ગેથી પાછો વળે, પોતાનાં આચરણ અને કર્મો સુધારે.’
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે;
અને તમે મારા વિષે બધું જાણો છો.
2 મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો;
મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.
3 તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું.
હું જે બધું કરું છું તે તમે જાણો છો.
4 હું બોલું તે અગાઉ તમે જાણો છો,
કે હું શું કહેવા ઇચ્છુ છું.
5 તમે મને આગળને પાછળ ઘેરી લીધો છે;
અને તમે તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો અતિ ભવ્ય અને અદૃભૂત છે;
તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
13 મારું અંત:કરણ તમે ઘડ્યુઁ છે,
અને મારી માતાના ઉદરમાં મારી રચના તમે કરી છે.
14 ભય તથા નવાઇ પમાડે તે રીતે મારી રચના થઇ;
માટે હું તમારી આભાર સ્તુતિ ગાઇશ;
હું સારી રીતે જાણું છું કે તમારાં કાર્યો ખરેખર અદૃભૂત છે!
15 જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇને[a] મારી રચના થતી હતી
ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા
અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
16 તમારી આંખોએ મારું બીજાંકુર તે સમયે જોયુ હતુ
જ્યારે મારા શરીરના એકેય અવયવે આકાર લીધો ન હતો.
પછી તમે મારા શરીરના અંગોને વધતા જોયા,
તમે તેને તમારા પુસ્તકમાં દરરોજ એ જેમ જેમ આકાર લેતા ગયા તેમ નોંધ્યા.
અને તેમાનાં એકેય ગુમ થયેલ નથી!
17 હે દેવ, તારા વિચારો મારા માટે કેટલાં કિંમતી છે!
દેવ તમે ઘણું બધું જાણો છો!
18 જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય,
અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
1 અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનને ઉદ્દેશીને આ પત્ર છે.
આપણી બહેન આફિયા, અમારા એક સહ-કાર્યકર આર્ખિપસ, અને તારા ઘરમાંની એકત્રીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ. 2 ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા આપણો ભાઈ તિમોથી.
3 દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ.
ફિલેમોનનો પ્રેમ અને વિશ્વાસ
4 મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. અને તારા માટે હું હંમેશા મારા દેવની આભારસ્તુતિ કરું છું. 5 દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઈસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું. 6 મારી પ્રાર્થના છે કે જે વિશ્વાસમાં તું સહભાગી થયો છે તેને લીધે ખ્રિસ્તની દરેક સારી બાબત આપણામાં છે તે આપણને ખ્રિસ્ત તરફ દોરી જાય છે તે સારી બાબત તું સમજી શકીશ. 7 મારા ભાઈ, તેં દેવના લોકો પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. તેં તેઓને સુખી કર્યા છે. આથી મારા મનને ખૂબ જ આનંદ તથા દિલાસો મળ્યો છે.
એક ભાઈની જેમ ઓનેસિમસનો સ્વીકાર કરજે
8 એક બાબત છે કે જે તારે કરવાની છે અને ખ્રિસ્તમાં તારા પ્રેમને કારણે તને તે કરવાની આજ્ઞા આપવાની મને છૂટ છે. 9 પણ હું તને આજ્ઞા કરતો નથી; હું તો તને તે કામ કરવા જણાવું છું. હું પાઉલ છું, હવે હું વૃદ્ધ થયો છું, અને ખ્રિસ્ત ઈસુના કારણે હું કેદી થયો છું. 10 મારા પુત્ર સમાન ઓનેસિમસ વિષે હું તને કહું છું. હું જ્યારે કેદમાં હતો ત્યારે તે મારો ધર્મપુત્ર થયો છે. 11 ભૂતકાળમાં તો તે તારાં માટે નકામો જ હતો. પરંતુ તે હવે આપણા બંને માટે ઉપયોગી બન્યો છે.
12 હું તારી પાસે તેને પાછો મોકલું છું. મારું પોતાનું હૈયું હું તેની સાથે મોકલું છું. 13 સુવાર્તાને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરુંપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે. 14 પરંતુ એ માટે તને અગાઉથી પૂછયા વિના કઈ પણ કરવું મને ન ગમે. તારી પર દબાણ કરીને કામ સોંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સારું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છું છું.
15 ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે. 16 દાસ તરીકે નહિ, પરંતુ દાસ કરતાં કંઈક વધારે સારો, વહાલા ભાઈ તરીકે હું તેને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ તું એને વધારે પ્રેમ કરીશ. કેવળ એક મનુષ્યના રૂપે અને પ્રભુમાં સ્થિર એક ખ્રિસ્તી ભાઈ તરીકે પ્રેમ કરજે.
17 જો તારા મિત્ર તરીકે તું મને સ્વીકારતો હોય તો, તું ઓનેસિમસને ફરી પાછો અપનાવી લેજે. મારું સ્વાગત કરે તેમ તું એને આવકારજે. 18 ઓનેસિમસે જો તારા માટે કઈક ખોટું કર્યુ હોય અથવા જો તેણે તારું દેવું કર્યુ હોય, તો તે મારા ખાતે ઉધારજે. 19 હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો. 20 તેથી, મારા ભાઈ, પ્રભુમાં તું મારી માટે કઈક કરી બતાવ. ખ્રિસ્તમાં મારા હ્રદયને તું શાંત કર. 21 હું તને આ પત્ર લખું છું કારણ મને ખાતરી છે કે હું જે ઇચ્છું છું તે કામ તું કરીશ જ. હું જાણું છું કે હું જે કહું છું તે કરતાં પણ કઈક વધારે કરીશ.
તારે પ્રથમ આયોજન કરવું જોઈએ
(માથ. 10:37-38)
25 ઈસુ સાથે ઘણા લોકો જતા હતા. ઈસુએ લોકોને કહ્યું, 26 “જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ! 27 જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ.
28 “જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. 29 જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે. 30 તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’
31 “જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ? 32 જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે.
33 “તે જ રીતે તમારે બધાએ પહેલા યોજના કરવી જોઈએ, તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ના કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International