Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.
1 ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
2 ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
3 દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
5 ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
છતાંય તેનો સાદ સંભળાતો નથી.
6 હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
7 સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
8 તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.
10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
15 ત્યાં હું મને મનગમતાં રાજકર્તાઓ તમને આપીશ; ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે. 16 જો તમારો દેશ ફરી એક વખત લોકોથી ભરપૂર થશે.
“તો ભૂતકાળમાં યહોવાનો કરારકોશ તમારી પાસે હતો તે સમયના ‘સારા દિવસોની’ તમે ઇચ્છા નહિ કરો. તમે કયારેય એવું નહિં વિચારો કે આ દિવસો ભૂતકાળના દિવસો જેટલા સારાં નથી. કરારકોશ ફરીથી બનાવાશે નહિ; 17 તે વખતે યરૂશાલેમ ‘યહોવાનું રાજસિંહાસન’ કહેવાશે. અને ત્યાં સર્વ પ્રજાઓ યહોવાની પાસે આવશે અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને આધીન થવાની હઠ કદી કરશે નહિ, 18 તે વખતે યહૂદિયાના લોકો ઇસ્રાએલના લોકો સાથે જોડાઇ જશે, અને તે બંને ભેગા મળીને ઉત્તરનાં દેશમાંથી નીકળી જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના તરીકે આપી હતી તેમાં પાછા આવશે.”
19 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, ‘મેં વિચાર્યું કે હું તને મારા પુત્ર જેવો ગણું
અને તને એક રળિયામણી ભૂમિ,
આખી દુનિયામાં સુંદરમાં સુંદર ભૂમિ વારસામાં આપું.’
મેં એમ માન્યું હતું કે, તું મને ‘પિતા’ કહીને બોલાવશે
અને મારાથી કદી વિમુખ નહિ થાય.
20 પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે.
તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો.
અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો.
વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.”
આ યહોવાના વચન છે.
21 “હું ઊંચા પર્વતો પર રૂંદન
અને દયા યાચનાનો અવાજ સાંભળું છું.
યહોવા દેવથી દૂર ભટકી ગયેલા ઇસ્રાએલી
લોકોનો તે અવાજ છે.”
22 યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો!
હું તમારી બેવફાઇ દૂર કરીશ.”
અને લોકો જવાબ આપે છે,
“હે યહોવા, આ રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ,
કારણ, તમે જ અમારા યહોવા દેવ છો.
23 અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર
અને પર્વતો પર જૂઠાં દેવોની કોલાહલ પૂર્વક પૂજા કરવી વ્યર્થ છે,
માત્ર અમારા યહોવા દેવ પાસેથી જ ઇસ્રાએલને મદદ મળી શકે છે
અને ઇસ્રાએલનું તારણ ફકત અમારા યહોવા દેવ તરફથી જ શક્ય છે.
24 અમે અમારા બાળપણથી જોયું છે.
અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં,
ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું.
ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે.
25 અમે લજ્જિત થયા છીએ
અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ,
કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ
અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે;
અને અમે તેમને આધીન થયા નથી,
અને અમે તેના હુકમોને માન્યાં નથી.”
મોટા ભોજન સમારંભ વિષે વાર્તા
(માથ. 22:1-10)
15 ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!”
16 ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં. 17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’ 18 પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું, ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’ 19 બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’ 20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’
21 “તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’
22 “તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’ 23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય. 24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International