Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 58

નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.

ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
    શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
    તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
    ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
    તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
    છતાંય તેનો સાદ સંભળાતો નથી.

હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
    હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
    સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
    અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
    પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
    પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.

10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
    તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
    જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
    સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.

યર્મિયા 3:1-14

યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય
    અને બીજા માણસને પરણે,
    તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો?
ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી?
    હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે!
    અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?
જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો,
    એવી કોઇ જગ્યા છે જ્યાં
તું વેશ્યાની માફક ન વર્તી હોય?
    ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ
તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે,
    અને તેં તારા અધમ વ્યભિચારથી
    અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.
આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે
    અને ત્યાં પાછલો વરસાદ
પણ વરસ્યો નથી;
    પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે.
હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી,
    ‘પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો,
    તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો?’
શુ તમે મારા પર
    સદાય રોષમાં રહેશો?

“તેં મને આમ કહ્યું હતું,
    પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.”

બે દુષ્ટ બહેનો ઇસ્રાએલ અને યહૂદિયા

યોશિયા રાજા હતો ત્યારે યહોવા તરફથી મારી પાસે આ સંદેશો આવ્યો, “પેલી બેવફા ઇસ્રાએલી પ્રજાએ શું કર્યું છે, તે તેં જોયું? તે એકેએક ટેકરી પર અને એકેએક ઘટાદાર વૃક્ષ નીચે ગઇ અને ત્યાં તે વેશ્યાની જેમ વર્તી. મેં ધાર્યું હતું કે, ‘એક દિવસ તે મારી પાસે આવશે અને મારી થઇને રહેશે,’ પણ તે પાછી આવી નહિ, તેની બેવફા બહેન યહૂદિયાએ ઇસ્રાએલનું બંડ સતત નિહાળ્યું છે. તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો. અને તેના કારણે તે એટલી નફફટ થઇ ગઇ છે વ્યભિચારમાં કે પથ્થર અને લાકડાના ટુકડાની પૂજા કરી તેણે ભૂમિને અશુદ્ધ કરી છે. 10 આ બધું છતા, ઇસ્રાએલની બહેન યહૂદિયા સાચા હૃદયથી મારી પાસે આવી નથી. એ માત્ર આવવાનો ઢોંગ કરે છે.” આ યહોવાના વચન છે.

11 વળી યહોવાએ મને કહ્યું કે, “બેવફા યહૂદિયાની તુલનામાં બેવફા ઇસ્રાએલ તો ઓછી દોષપાત્ર લાગે છે. 12 તેથી જા અને ઉત્તર દિશામાં, આ શબ્દો જાહેર કરીને કહે,

‘અવિશ્વાસુ ઇસ્રાએલને મારી પાસે પાછા આવવા માટે કહે.’
    એવું યહોવા કહે છે.
‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ,
    કેમકે હું દયાળુ છું’
એવું યહોવા કહે છે.
‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં.
13 ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં,
    તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે,
    પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે
પારકા દેવોની મૂર્તિઓની
    તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે.
તેં મારો સાદ સાંભળ્યો નથી.’
    આ યહોવાના વચન છે.

14 “પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ, “હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ.

તિતસ 1:1-9

દેવના દાસ તથા ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકોના વિશ્વાસને મદદરૂપ થઈ શકાય તે માટે અને એ લોકો સત્યને જાણી શકે તે માટે સહાય કરવા મને મોકલ્યો છે. અને તે સત્ય લોકોને બતાવે છે કે કેવી રીતે દેવની સેવા કરવી. અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી. યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને એ વાત જણાવી. એ કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી એ બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.

હવે હું તિતસને આ લખું છું કે જે વિશ્વાસના આપણે સહભાગી છીએ, તેમાં તું મારા સગા પુત્ર સમાન છે.

દેવ જે પિતા તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

ક્રીત ટાપુમાં તિતસનું કાર્ય

તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે. વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ. દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય. વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ. આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International