Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.
1 ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
2 ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
3 દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
4 તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
5 ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
છતાંય તેનો સાદ સંભળાતો નથી.
6 હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
7 સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
8 તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
9 તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.
10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.
23 “તું કેવી રીતે કહી શકે કે,
‘મેં મારી જાતને ષ્ટ નથી કરી અને, હું બઆલ દેવની પાછળ નથી દોડી?’
પેલા કોતરમાં તું શી રીતે વર્તી હતી તે યાદ કર,
અને તેં જે કર્યું તે કબૂલ કર.
તું તો ઋતુમાં આવેલી સાંઢણી જેવો છે,
જે ગાંડી થઇને ગમે તેમ દોડે છે.
24 તું રાનમાં ઊછરેલી જંગલી ગધેડી છે,
જે કામાવેશમાં છીંકારા કરતી રણમાં દોડી જાય છે,
વેતરે આવી હોય ત્યારે કોણ એને રોકી શકે?
કોઇ નરે તેની પાછળ કાલાવાલા કરવાની જરૂર નથી.
વેતરે આવતાં એ જાતે આવીને ઊભી રહેશે.
25 જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય,
જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે!
પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું
મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે
અને મારે તેમની પાછળ જ જવું છે.’
26 “જેમ ચોર પકડાય ને ફજેત થાય,
તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો,
તમે બધા જ તમારા રાજાઓ,
આગેવાનો, યાજકો અને પ્રબોધકો,
27 તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો,
‘તમે અમારાં માબાપ છો.’
તમે મારી તરફ પીઠ ફેરવી છે,
‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’
પણ આફત આવે છે
ત્યારે મને હાંક મારો છો,
‘યહોવા આવો, અમને બચાવો!’
28 તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી?
જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે.
હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે
તેટલાં દેવોની મૂર્તિઓ છે.”
29 યહોવા કહે છે, “મારી વિરુદ્ધ તમે શા માટે ફરિયાદ કરો છો?
મારી સામે તો તમારા માંના બધાએ બળવો કર્યો છે.
30 મેં તમારા બાળકોને માર્યા કે તમને સજા થાય
પણ તે વ્યર્થ ગયું.
તમારામાં કોઇ સુધારો થયો નથી.
તમારી જ તરવાર ભૂખ્યા સિંહની જેમ
તમારા પ્રબોધકોને ભરખી ગઇ.”
31 હે મારા લોકો, તમે તે કેવા છો?
મારી વાત ધ્યાનથી સાંભળો!
“શું હું તમારા માટે વેરાન વગડા જેવો
કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો!
મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ;
હવે અમે તેમની સાથે
કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’
32 શું કોઇ કન્યા કદી પોતાનાં ઘરેણાં ભૂલે?
કોઇ નવવધૂ પોતાના કમરપટા ભૂલે?
તેમ છતાં હે મારી પ્રજા,
ગણ્યા ગણાય નહિ એટલા દિવસોથી તું મને ભૂલી ગઇ છે.
33 “પ્રેમીઓની પાછળ અભિસારે શી રીતે જવું એ તને બરાબર આવડે છે.
તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું શીખવી શકે તેમ છે!
34 તારા વસ્ત્રોનો પાલવ લોહીથી ખરડાયેલો છે, નિર્દોષ ગરીબોના લોહીથી!
તે કંઇ એ લોકોને તારા ઘરમાં ખાતર પાડતાં પકડ્યા નહોતા.
35 ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી.
મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’
તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’,
માટે હું તને આકરી શિક્ષા કરીશ.
36 તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે?
જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે
તેમ મિસર પણ તમને નીચા પાડશે.
37 તેથી તું પણ મિસરની બહાર તારો હાથ
તારે માથે મુકીને આવીશ કારણ કે
મેં તેઓનો અસ્વીકાર કર્યો છે જેના પર
તે વિશ્વાસ મૂક્યો હતો.
તેથી, તેઓ તારું ભલું નહીં કરી શકે.”
7 તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો. 8 ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે. 9 તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી.
10 અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી. 11 યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા. 12 આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો. 13 આપણે પણ શહેરની બહાર એટલે કે છાવણીની બહાર તેની પાસે જવું જોઈએ. અને તેની સાથે તેણે જે દુ:ખ તથા અપમાન સહન કર્યા છે તે આપણે સ્વીકારીએ. 14 આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ. 15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 16 બીજાના માટે ભલું કરવાનું ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.
17 તમારા આગેવાનોની આજ્ઞા માનો અને તેમની સત્તાને આધીન થાઓ. તેઓ હિસાબ રાખનારાઓની જેમ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કરે. પણ શોકથી નહિ, કારણ કે એથી તમને ગેરલાભ થશે.
18 અમારા માટે પ્રાર્થના કરો, કેમ કે અમે જે કરીએ છીએ, તે અમને ન્યાયી લાગે છે. કારણ કે અમારો ધ્યેય હંમેશા જે સૌથી ઉત્તમ છે તે કરવાનો છે. 19 હું તમને વિનંતી કરું છું, આના માટે ખાસ પ્રાર્થના કરો અને તમે મારા માટે પ્રાર્થના કરો જેથી હું તમારી પાસે જલદી પાછો આવી શકું. બીજી કોઈ વસ્તુ નહિ પણ મારે આજ જોઈએ છે.
20-21 હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે. તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો.
તે શાંતિનો દેવ છે. તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International