Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 81:1

નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.

દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
    યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.

ગીતશાસ્ત્ર 81:10-16

10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
    હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
    હું તમને ખવડાવીશ.

11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
    ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
    અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
    ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
    અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
    પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
    અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”

યર્મિયા 2:1-3

ઇસ્રાએલે કરેલો યહોવાનો નકાર

ફરીથી યહોવાએ મારી સાથે વાત કરીને આ પ્રમાણે કહ્યુ: “જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર:

“‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે,
    જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી!
નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી!
    તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.
એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમર્પિત હતી,
    જાણે ફસલની પહેલી ઊપજ.
જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી,
    તેને માથે આફત ઊતરતી.’”
આ હું યહોવા બોલું છું.

યર્મિયા 2:14-22

14 “ઇસ્રાએલ શા માટે ગુલામોની પ્રજા બની છે?
    શા માટે તેને બંદીવાન બનાવી
    દૂર દેશમાં લઇ જવામાં આવી છે?
15 તરૂણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે,
    તેઓ ઘુરઘુરાટ કેમ કરે છે?
એની ભૂમિ વેરાન કેમ થઇ ગઇ છે?
    એનાં શહેરો બળીને ખાક કેમ થઇ ગયા છે, ઉજ્જડ કેમ છે?
16 અને હજી મેમ્ફિસના અને તાહપન્હેસના મિસરી સૈન્યે તારી ખોપરી તોડી નાખી.
    તારું માથું વાઢી નાંખશે.
17 શુ આ સાચું નથી?
    કે તું જ આ દશા તારી પર લાવ્યો છે?
    તેં આવું તારા યહોવા દેવને છોડી દઇને કયુઁ છે,
જયારે તે તને માર્ગમાં દોરી રહ્યો હતો.
18     અને હવે નીલ નદીનાં પાણી પીવા મિસર જવાનો શો અર્થ છે?
    અને ફ્રાંત નદીનાં પાણી પીવા આશ્શૂર જવાનો શો અર્થ છે?
19 તારા પોતાનાંજ દુષ્કૃત્યોના
    પરિણામ તું ભોગવશે,
તારા પોતાના જ ધર્મથી વિમુખ
    થવાની સજા તું ભોગવી રહ્યો છે,
તારી જાતે જો અને જાણ કે મારાથી,
    તારા યહોવા દેવથી મોઢું ફેરવી લેવું
અને મારો ભય રાખ્યા વગર જીવવું એ કેટલું અનિષ્ટ
    અને નુકશાનકારક છે.”
    આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

20 “હા! ઘણા સમય પહેલા તેં તારી ઝૂંસરી ભાંગી નાખી.
    અને દોરડાં જેણે તને તેની સાથે બાંધ્યો હતો તે તોડી નાખ્યા
    અને મને કહ્યું કે, ‘હું તારો ગુલામ નહિ થાઉં.’
અને દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે
    તે વારાંગનાની જેમ વર્તન કર્યું છે.
21 મેં તો તને ઉત્તમ દ્રાક્ષલત્તા માની,
    જાતવાન રોપો માની રોપી હતી,
પણ તું તો ષ્ટ માણસોની આવી
    દુષ્ટ પેઢી જેવી કેવી રીતે બની?
22 સાબુ તથા ખારો મોટા પ્રમાણમાં વપરાય તોપણ
    તે તમને શુદ્ધ કરી શકશે નહિ,”
યહોવા દેવ કહે છે કે,
    તારા અપરાધોના ડાઘ સદા મારી આંખો સમક્ષ છે.

માથ્થી 20:20-28

માતાની ખાસ માંગણી

(માર્ક 10:35-45)

20 પછી ઝબદીની પત્ની પોતાના દીકરાઓને સાથે રાખીને ઈસુની પાસે આવી. તેણે પગે પડીને ઈસુની પાસે માંગણી કરી.

21 ઈસુએ પૂછયું, “તારે શું જોઈએ છે?”

તેણે ઉત્તર આપ્યો, “મને વચન આપ કે તારા રાજ્યમાં મારા બે દીકરાઓમાંથી એક દીકરો તારી જમણી બાજુ અને બીજો દીકરો તારી ડાબી બાજુએ બેસે.”

22 ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”

તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!”

23 ઈસુએ તેઓને કહ્યું, “અલબત્ત હું જે કંઈ પીઉ તે તમે પી શકશો તો ખરા. પણ મારી જમણી કે ડાબી બાજુ કોને સ્થાન આપવું, તે મારા હાથની વાત નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલ વ્યક્તિઓ માટે છે.”

24 જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા. 25 પછી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે યહૂદી રાજ્ય કર્તાઓ પોતાની પ્રજા પર સત્તાનો પૂર્ણ અમલ કરે છે અને તેમના મોટા માણસો તેમના અધિકારનું લોકોને ભાન કરાવવા ચાહે છે. 26 પણ તમારી સાથે આ રીતે થવું ન જોઈએ. તમારામાં જે આગેવાન થવા ઈચ્છે તે તમારો સેવક હોવો જોઈએ. 27 અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ. 28 તમારે માણસના દીકરા જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહિ પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International