Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.
1 દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
હું તમને ખવડાવીશ.
11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”
યહોવા સાથેના કરારનું સ્મરણ
11 ફરીથી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, 2 “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ. 3 તેમને કહે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તેના પર શાપ ઊતરશે!’ 4 જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.
5 “તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”
પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”
6 ત્યારબાદ યહોવાએ કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં આ સંદેશો જાહેર કરો. તમારા પિતૃઓએ દેવ સાથે કરેલા આ કરારને યાદ કરો. તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન દેવને આપ્યું હતું તે બધું તમે કરો. 7 આ કરારની શરતો ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, કારણ, હું જ્યારે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને સખત ચેતવણી આપી હતી અને આજ સુધી આપતો રહ્યો છું કે, મારું કહ્યું સાંભળો, 8 પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.”
9 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરી અને કહ્યું, “યહૂદિયાના અને યરૂશાલેમના લોકોએ મારી વિરુદ્ધ કરેલું કાવત્રું મેં શોધી કાઢયું છે. 10 તેઓ પાછા પોતાના પિતૃઓના પાપ કરવા લાગ્યા છે અને તેમની જેમ મારું કહ્યું સાંભળવાની ના પાડે છે, તેઓ બીજા દેવોને માને છે અને તેમની પૂજા કરે છે. ઇસ્રાએલે અને યહૂદિયાએ મેં એમના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”
11 તેથી યહોવા કહે છે, “હું તેઓ પર વિપત્તિઓ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ, તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓની વિનંતીઓ સાંભળીશ નહિ. 12 એટલે યહૂદિયાના ગામોના અને યરૂશાલેમના વતનીઓ જઇને જે મૂર્તિઓને તેઓ ધૂપ બાળે છે તેમને મદદ માટે ઘા નાખશે, પણ આફતને વખતે તે દેવો તેમને કોઇ પણ રસ્તે ઉગારવાના નથી.
13 “હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે.
14 “તેથી, હે યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમના તરફથી કોઇ વિનંતી કે આજીજી કરીશ નહિ, કારણ કે સંકટના સમયે તે લોકો ઘા નાખશે તે હું સાંભળવાનો નથી.”
15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા,
તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે.
તને અહીં શો અધિકાર છે?
તું શું સમજે છે?
પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન
તથા આનંદ આપી શકશે?”
16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી
જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો,
પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું
અને ડાળીઓને ભાંગી નાખું છું.
17 બઆલની આગળ ધૂપ બાળીને તથા
બલિદાનો ચઢાવીને ઇસ્રાએલે તથા યહૂદિયાએ દુષ્ટતા કરી છે
અને તેથી સૈન્યોનો દેવ યહોવાએ પોતે રોપેલા આ વૃક્ષનો વિનાશ કરવાનો હુકમ કર્યો છે.
સત્કર્મ કરવાને કારણે પડતું દુ:ખ
8 તેથી તમારે બધાએ ઐક્ય ભાવથી રહેવું જોઈએ. અને એક બીજાને સમજવાનો અને ભાઈની જેમ અકબીજાને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દયાળુ અને વિનમ્ર બનો. 9 એક વ્યક્તિ કે જેણે તમારું ભૂંડું કર્યુ હોય તો તેનો બદલો વાળવા તમે ભૂંડુ ન કરો. તમારા માટે નિંદા કરનારની સામે બદલો વાળવા તમે નિંદા ન કરો. પરંતુ દેવ પાસે તેને માટે આશીર્વાદ માગો. આમ કરો કારણ કે તમને જ આવું કરવા દેવે બોલાવ્યા છે. તેથી જ તમે દેવના આશીર્વાદને પાત્ર બન્યા છો. 10 પવિત્રશાસ્ત્ર કહે છે કે,
“જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે
અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે
તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ,
અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ.
11 તે વ્યક્તિએ દુષ્ટ કાર્ય કરવાં ન જોઈએ અને સત્કર્મ કરવાં જોઈએ;
તેણે શાંતિની શોધ કરવી જોઈએ અને તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
12 પ્રભુની નજર સારા લોકો પર હોય છે,
અને દેવ તેઓની પ્રાથૅનાઓ સાંભળે છે;
પરંતુ દેવ દુષ્ટતા કરનારની વિરૂદ્ધ છે.” (A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International