Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
અયોગ્ય ઉપાસના-વ્યર્થ પૂજા
7 પછી યહોવાએ યર્મિયાને કહ્યું, 2 “યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર; 3 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કર્મો સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ. 4 પરંતુ તે લોકોનો વિશ્વાસ કરતાં નહિ, જેઓ જૂઠું બોલતા એમ કહેતા રહે છે, “યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર અહીયાં જ છે.” 5 કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કર્મો સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો, 6 અને જો તમે વિદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો, અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ દોડી તમારો પોતાનો જ વિનાશ ન નોતરો; 7 તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે.
8 “‘જરા જો કે તું શું કરી રહ્યો છે? શું તું હજી એ છેતરામણા શબ્દોમાં માને છે જે તને કોઇ રીતે મદદ ન કરી શકે? 9 તમે ચોરી કરો છો, ખૂન કરો છો, વ્યભિચાર કરો છો. ખોટા સોગંદ ખાઓ છો. બઆલદેવને ભોગ ચઢાવો છો. અને અજાણ્યા જ બીજા દેવોની પાછળ પડો છો. 10 અને પછી અહીં આવી મારા મંદિરમાં મારી સમક્ષ ઊભા રહીને કહો છો, “અમે સુરક્ષિત છીએ,” આ બધા અધમ કાર્યો કરવાને અમને છૂટ છે! 11 તમે શું એમ માનો છો કે આ મારું મંદિર એ ચોરલૂંટારાનો અડ્ડો છે? યાદ રાખજો, મેં જાતે આ બધું જોયું છે.’” આ હું યહોવા બોલું છું.
12 “મારું સ્થાન એક વખત ‘શીલોહમાં હતું ત્યાં જાઓ, જ્યાં મારું પ્રથમ નિવાસસ્થાન હતું. અને જોઇ આવો કે મારા લોકો ઇસ્રાએલીઓની દુષ્ટતાને કારણે મેં તેના શા હાલ કર્યા છે! 13 અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો. 14 તેથી તમે મદદ માટે મંદિર પર ભરોસો રાખો છો, પણ મેં જેમ “શીલોહ”માં કર્યું તેમ મારા નામથી ઓળખાતા આ મંદિરનો અને તમારા પિતૃઓનો પ્રદેશ તથા તમને મેં આપેલા આ સ્થળનો હું નાશ કરીશ. 15 તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.’”
આપણે દેવને અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ
7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ:
“જો તમે આજે દેવની વાણી સાંભળો તો,
8 ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ,
અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.
9 મેં જે કઈ કર્યું તે તમારા લોકોએ વરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.
10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો.
અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે.
તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’
11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી:
‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.’” (A)
12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે:
“જો આજે તમે દેવની વાણી સાંભળો,
તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” (B)
16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.
4 દેવે તૈયાર કરેલ વિશ્રાંતિનું વચન હજી મોજૂદ રહ્યું છતાં આપણામાંથી કોઈક ત્યાં પ્રવેશ મેળવવા નિષ્ફળ ન જાય માટે આપણે સાવચેત રહેવું જોઈએ. 2 કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ. 3 અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે,
“મેં મારા ક્રોધમાં સમ ખાધા કે:
‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’” (C)
દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું. 4 શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમા(D) દિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” 5 ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”
6 તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. 7 પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો:
“આજે જો તમે દેવની વાણી સાંભળો,
તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” (E)
8 આપણે જાણીએ છીએ કે યહોશુઆ લોકોને વિસામા તરફ દોરી ગયો હોત તો દેવે બીજા એક દિવસની વાત કરી ન હોત. 9 આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે. 10 દેવે પોતાનાં કામો કર્યા પછી વિશ્રાંતિ પ્રાપ્ત કરી. તે પ્રમાણે જો કોઈ દેવના વિશ્રામમાં પ્રવેશ મેળવે છે તે એનાં પોતાનાં કામો દ્ધારા વિશ્રામ મેળવી શકે છે. 11 તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International