Revised Common Lectionary (Semicontinuous)
યર્મિયાને દેવ તરફથી હાકલ
4 યહોવાએ મને કહ્યું:
5 “તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં
મેં તને પસંદ કર્યો હતો;
તું જન્મ્યો તે પહેલાં
મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો,
આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”
6 મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”
7 પરંતુ યહોવાએ કહ્યું,
“હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’
કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે,
અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.
8 તે લોકોથી બીશ નહિ, કારણ,
હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”
આ યહોવાના વચન છે.
9 પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,
“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું,
તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે,
વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે,
બાંધવાનું અને રોપવાનું છે.”
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા. 19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવર પહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.”(A) એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા. 21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”(B)
22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે.
25 સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું? 26 સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો, તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી, હવે તેણે વચન આપ્યું છે. “ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ.” 27 આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે.
28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવું અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય. 29 કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.
ઈસુનું વિશ્રામવારે એક સ્ત્રીને સાજા કરવું
10 ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો. 11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ. 12 જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે! 13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.
14 સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”
15 પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ! 16 આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!” 17 જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International