Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 71:1-6

હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
    મને શરમિંદો કરશો નહિ.
મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
    મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
    તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
હે મારા દેવ, તમે મને દુષ્ટોના
    ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
    મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
    મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
    હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.

યર્મિયા 6:1-19

યરૂશાલેમ પર આક્રમણનો ભય

“હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો,
    યરૂશાલેમમાંથી નીકળી જાઓ,
તકોઆમાં રણશિંગડું વગાડો
    અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો,
સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી
    સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે.
તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે,
    પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું.
ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે.
    એની ફરતે તંબુઓ નાંખે છે,
દરેક જણ પોતાને ગમે
    તે જગ્યાએ ચરશે.”

તેઓ કહે છે: “તેની સામે યુદ્ધે ચડવા માટે તૈયાર થાઓ;
    ચાલો, આપણે ભરબપોરે તેના પર હુમલો કરીએ.
હાય રે! દિવસ તો ઢળી ગયો,
    સંધ્યાની છાયા લંબાતી જાય છે!
તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને
    તેના મહેલોનો નાશ કરીએ.”

આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે,
    “તેણીના વૃક્ષો કાપી નાખો
    અને યરૂશાલેમ પર આક્રમણ કરવા મોરચાઓ ઊભા કરો.
આ નગર તો દંડને પાત્ર છે
    કારણ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.
જેમ ઝરો પાણીથી ઊભરાય છે
    તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે.
નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી,
    માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી.
માટે યરૂશાલેમ, આ ચેતવણી પર
    તું ધ્યાન આપ.
નહિ તો ધૃણાથી હું તારો ત્યાગ કરીશ.
    તને વસ્તી વગરનું વેરાન બનાવી દઇશ.”

સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું,
“તમારા પર એક પછી એક આફત આવી પડશે
    અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે.
દ્રાક્ષા તોડનાર વેલા પર ચૂંટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે,
    તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.”
10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું?
    કોને ચેતવવા?
    કોણ સાંભળશે?
તેમના કાન તમારા વિષે કંઇ
    સાંભળવા માંગતા નથી.
હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે,
    તેઓને તે ગમતા નથી.
11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું,
    હું એને અંદર સમાવી શકતો નથી.”
ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં
    રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર
ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં
    બધા જ એનો ભોગ બનશે.
12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે
    અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ લઇ લેશે.
કારણ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ.”
    આ યહોવાના વચન છે.

13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી
    સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે,
    અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે!
14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય
    ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે,
તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’
    પણ લગારે બરાબર નથી.
15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ?
    એમને વળી લાજશરમ કેવી?
તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે.
    તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે,
હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.”
    આ યહોવાના વચન છે.

16 હજુ પણ યહોવા તમને સમજાવે છે:
“જુઓ, ભૂતકાળના વર્ષોમાં
    તમે દેવના માર્ગોમાં ચાલતા હતા.
તો જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તે માર્ગે ચાલો.
    ત્યાં તમારા આત્માને શાંતિ મળશે.
પણ તમે પ્રત્યુત્તર આપો છો,
    ‘ના, અમારે એવા રસ્તા પર ચાલવું નથી!’
17 તમને ચેતવણી આપવા મેં તમારા પર ચોકીદારો નીમ્યા.
    ‘રણશિંગડાનો અવાજ સાંભળજો, વિપત્તિ આવતી હશે, ત્યારે તે તમને ચેતવી દેશે.’
    પરંતુ તમે કહ્યું, ‘ના, અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.’”
18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો,
    અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.
19 હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો,
    કે તે લોકો પર હું આફત ઉતારનાર છું.
    એ એમના કાવાદાવાનું ફળ છે.
તેમણે મારા શબ્દો કાને ધર્યા નથી;
    અને તેમણે મારા નિયમશાસ્ત્ર નો અસ્વીકાર કર્યો છે.”

હિબ્રૂઓ 12:3-17

ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો.

દેવ પિતા તૂલ્ય

પાપની વિરૂદ્ધ તમારે એટલું બધું ઝઝૂમવું પડ્યું નથી, અને એવી કોઈ આવશ્યકતા ન હતી કે તમારે તમારું લોહી વહાવવું પડે. વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો:

“મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા,
    અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર.
દેવ જેને ચાહે છે તે દરેકને શિક્ષા કરે છે,
    અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેક માણસને તે શિક્ષા કરે છે.” (A)

દેવ પિતાની શિક્ષા સમજી દરેક પીડાઓ સહન કરો. દરેક પુત્રોને તેમના પિતા શિક્ષા કરે છે એ રીતે દેવ તમને પિતાની માફક શિક્ષા કરે છે. જો તમને શિક્ષા થએલ નથી (દરેક પુત્રને શિક્ષા થશે), તો તમે દાસી પુત્રો છો અને ખરા પુત્રો નથી. આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ. 10 પૃથ્વી પરના આપણા પિતાએ જે સૌથી ઉત્તમ વિચાર્યુ અને આપણને આપણા સારા માટે થોડા સમય માટે શિક્ષા કરી. પરંતુ દેવ આપણને આપણા ભલા માટે શિક્ષા કરે છે. જેથી આપણે તેના જેવા પવિત્ર બનીએ. 11 જ્યારે આપણને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તે આનંદકારક લાગતી નથી. તેના બદલે આપણે પીડા ભોગવીએ છીએ. પણ પાછળથી તે શાંતિમય અને પ્રામાણિક જીવનનો રસ્તો આપણને આપે છે. આપણને શિક્ષા દ્ધારા તાલીમ અપાય છે.

કેવી રીતે જીવવું તે વિશે સાવધ રહો

12 તમે અશક્ત બની ગયા છો માટે તમારી જાતને ફરીથી વધુ બળવાન બનાવો. 13 સત્યના માર્ગે ચાલો તો તમે બચી જશો તેમાં તમારે કાંઇજ ગુમાવવાનું નથી.

14 બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ. 15 સાવધ રહો, તમારામાંથી કોઈ દેવની કૃપા મેળવવામાં નિષ્ફળ ન જાય, કોઈ તમારામાં કડવાશના બી ના ઉગાડે. કારણ કે તેવા માણસો ઘણા લોકોના જીવન બરબાદ કરી શકે છે. 16 તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. એક ભોજનના બદલામાં મોટો પુત્ર હોવાને લીધે જયેષ્ટ હકનો સોદો કરનાર એસાવની જેમ તમારામાંથી તમે કોઈ સાંસારિક મનવાળો ન બને. 17 યાદ રાખો, પાછળથી એસાવે આશીર્વાદ મેળવવા ભારે રુંદન સહિત પસ્તાવો કર્યો પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું અને પિતાએ આશીર્વાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ એસાવે જે કઈ કર્યુ છે તેમાંથી તે પાછો ફરી શકે તેમ નહોતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International