Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 74

આસાફનું માસ્કીલ.

હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
    તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
    તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
    તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!

તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
    તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
તેઓ જંગલનાં વૃક્ષો પર
    કુહાડા ઉગામનારાઓના જેવા છે.
તેઓ તેનું તમામ નકશીદાર કામ
    કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
    તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
    તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
    નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
    કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
    શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
    શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
    હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
    તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
    વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
    અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
    નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
    અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
    ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
    મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
    આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
    તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
    આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
    દરિદ્રીઓ અને લાચારોને
    તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
    મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
    અને બરાડાઓને તમે ના વિસરશો.

યશાયા 5:8-23

તમે માલમિલકતમાં ખેતરો અને મકાનો ખરીદીને ભેગાં કર્યા જાઓ છો, એટલી હદ સુધી કે દેશમાં તમે એકલા જ રહી જાઓ છો ને બીજા કોઇ માટે જગા જ રહેતી નથી તેમને અફસોસ. પરંતુ સૈન્યોનો દેવ યહોવાએ વચન આપ્યું છે કે, “તમે અણધારી આપત્તિઓ વેઠશો. મારા પોતાના કાનોથી મેં તેમને આમ બોલતા સાંભળ્યાં છે. ધણાં સુંદર ઘરો ઉજ્જડ પડ્યાં રહેશે, કારણ કે તેના માલિકો કાંતો માર્યા જશે અથવા ઘર છોડીને જતાં રહેશે. 10 દશ એકરની દ્રાક્ષની વાડીઓમાંથી ફકત છ ગેલન દ્રાક્ષરસ[a] ઊપજશે એક ઓમેર[b] બી વાવ્યાં પછી પણ ફકત એક એફાહ અનાજ ઊપજશે.”

11 જેઓ સવારમાં વહેલા ઊઠીને દ્રાક્ષારસ જ પીયા કરો છો. અને છાકટા થાઓ ત્યાં સુધી સાંજે મોડે સુધી જાગનારાઓ, હવે તમારું આવી બન્યું છે એમ સમજો. 12 તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.

13 પરિણામે મારા લોકો અજ્ઞાનતાને કારણે દેશનિકાલ થયા છે, અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સામાન્ય લોકો તરસથી મરશે. 14 એથી શેઓલે અત્યંત ક્ષુધાથી પોતાનું મોં પહોળું કર્યુ છે, તેમાં કુલીન લોકો અને સામાન્ય લોકોનાં ખુશીથી કોલાહલ કરતાં ટોળાં હોમાઇ જશે.

15 સૌને નીચા પાડવામાં આવશે, સૌનું ગુમાન ઉતારવામાં આવશે. સૌને નીચા નમાવવામાં આવશે. 16 પરંતુ સૈન્યોના દેવ યહોવા નિષ્ઠાપૂર્વક ન્યાય કરશે અને આમ કરીને પોતાની મહાનતા પ્રગટ કરશે. પરમ પવિત્ર દેવ ન્યાયી આચરણ કરીને બતાવશે કે તે પવિત્ર છે. 17 હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોના પાયમાલ થયેલાં સ્થાનોને પારકાઓ ખાઇ જશે.

18 જેઓ અન્યાયને અને પાપના બંધનને વળગી રહે છે, અને તેને છોડી શકતા નથી, તેઓને અફસોસ! 19 તમે કહો છો કે, “દેવે ઉતાવળ કરવી જોઇએ. તેને તેનું કામ ઝડપથી સ્થપાવા દો, જેથી અમે જોઇ શકીએ છીએ! ભલે ઇસ્રાએલના પવિત્ર દેવ જે કરવા માગે છે તે ઝડપથી કરશે, અમે તે જાણીશું!”

20 જે લોકો પાપને પુણ્ય અને પુણ્યને પાપ કહે છે. અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં ફેરવી નાખે છે, કડવાનું મીઠું અને મીઠાનું કડવું કરી નાખે છે તેઓને અફસોસ! 21 જે લોકો પોતાની ષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને પણ અફસોસ! 22 તે લોકો દ્રાક્ષારસ પીવામાં શૂરા છે અને મધોનું મિશ્રણ કરવામાં બહાદુર છે. તેઓને અફસોસ! 23 તે લોકો લાંચ લઇને ગુનેગારને નિર્દોષ ઠરાવે છે અને નિર્દોષને ગુનેગાર ઠરાવે છે.

1 યોહાન 4:1-6

યોહાન જૂઠાં પ્રબોધકોથી ચેતવે છે

મારા વહાલા મિત્રો, હમણા જગતમાં ઘણા જૂઠા પ્રબોધકો છે. તેથી પ્રત્યેક આત્માઓ પર વિશ્વાસ કરવો નહિ પરંતુ તે આત્માઓ દેવ પાસેથી છે કે નહિ તે પારખી જુઓ. એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. આત્મા કહે છે, “હું માનુ છું કે ઈસુ તે ખ્રિસ્ત છે જે પૃથ્વી પર આવ્યો અને માનવ બન્યો.” તે આત્મા દેવ તરફથી છે. બીજા આત્માએ ઈસુ વિષે આ કહેવાની ના પાડી. તે આત્મા દેવ તરફથી નથી. આ આત્મા ખ્રિસ્તિવિરોધીનો છે. તમે સાભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે તે ખ્રિસ્તવિરોધી જગતમાં છે.

મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે. અને પેલા લોકો (જૂઠા પ્રબોધકો) જગતના છે. તેથી જે વાતો તેઓ કહે છે તે જગતની છે. અને જગત તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળે છે. પણ આપણે દેવના છીએ. તેથી જે લોકો દેવને જાણે છે તેઓ આપણને ધ્યાનથી સાંભળે છે. પરંતુ જે લોકો દેવના નથી તેઓ આપણને સાંભળતા નથી. આ રીતે આપણે સત્યના આત્માઓને ભ્રાંતિના આત્માઓથી જૂદા તારવી શકીએ છીએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International