Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 5:1-7

દેવની દ્રાક્ષવાટિકા

હવે હું મારા પ્રિયતમ અને જેને હું સ્નેહ કરું છું તેની સમક્ષ તેની દ્રાક્ષવાટિકા વિષે ગીત ગાઉં છું.

ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની
    એક દ્રાક્ષની વાડી હતી.
તેણે તેને ખેડી અને પથ્થર વીણી કાઢયા.
    અને અતિ ઉત્તમ દ્રાક્ષીના વેલા રોપ્યા,
તેણે તેની વચ્ચે ચોકી કરવાની છાપરી બાંધી
    અને દ્રાક્ષને પીલવા કુંડ ખોદી કાઢયો. એમાં
મીઠી દ્રાક્ષ થશે એવી તેને આશા હતી.
    પણ થઇ ત્યારે તેવી મીઠી દ્રાક્ષ બિલકુલ નહોતી.

દેવે કહ્યું કે, “હે યરૂશાલેમ તથા યહૂદાના લોકો તમે આ કિસ્સો સાંભળ્યો છે?
    તમે ન્યાય કરો!
આથી વિશેષ હું શું કરી શક્યો હોત?
    મારી દ્રાક્ષવાટિકાએ
મને મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ
    શા માટે આપી?

“માટે હવે સાંભળો,
    મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું:
હું એના વાડાઓ કાઢી
    અને તેનો નાશ થવા દઇશ,
હું એના વાડાઓ તોડી નાખીશ,
    તેને પગ નીચે કચડાવી દઇશ.
અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ,
    કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ,
    એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે.
હું વાદળોને આજ્ઞા કરીશ
    કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”

ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે.

તેણે ન્યાયની આશા રાખી હતી.
    પણ બદલો મળ્યો અન્યાય નો!
તેમણે આશા રાખી હતી સદાચારની પણ,
    જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી!

ગીતશાસ્ત્ર 80:1-2

નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.

હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
    તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
    અમને પ્રકાશ આપો!
એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
    અમને તારવાને આવ.

ગીતશાસ્ત્ર 80:8-19

તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
    અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
    તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
    અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
    અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
    કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
    અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
    અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
    જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
    તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.

17 તમારા જમણા હાથે જે માણસ છે,
    અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
    અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
    તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

હિબ્રૂઓ 11:29-12:2

29 વિશ્વાસથી ઈસ્રાએલી લોકો મૂસાની પાછળ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા તેમની પાછળ પડેલા ઈજીપ્તના લોકો તેમ કરવા જતાં ડૂબી (સમુદ્રમાં) ગયા.

30 લોકો વિશ્વાસથી દેવની આજ્ઞા મુજબ યરીખોના કોટની આગળ પાછળ સાત દિવસ ફર્યા અને અંતે તે કોટ તૂટી પડ્યો.

31 રાહાબ વેશ્યાએ ઇસ્ત્રાએલી જાસૂસ લોકોને આવકાર્યા અને મિત્રની માફક મદદ કરી. કારણ કે તેને વિશ્વાસ હતો એટલે તે અવજ્ઞા કરનાર લોકો સાથે મરણ પામી નહોતી.

32 આથી વિશેષ હું શું કહું? ગિદિયોન, બારાક, સામસૂન, યફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકોના વિશ્વાસની વાત કરવા બેસું તો મને એટલો સમય પણ નથી. 33 આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા. 34 આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા. 35 સ્ત્રીઓના વિશ્વાસને કારણે કેટલાક પુરુંષો મૃત્યુ પામેલા સજીવન થયા અને તેઓને પાછા મળ્યા. કેટલાક રિબાઈને માર્યા ગયા, મુક્ત થવાને બદલે તેઓએ મરવાનું પસંદ કર્યુ તેમને વિશ્વાસ હતો કે પુનરુંત્થાન દ્ધારા તેઓ વધું સારું જીવન પ્રાપ્ત કરશે. 36 કેટલાકની મશ્કરી કરવામાં આવી અને તેમને અસહ્ય માર મારવામાં આવ્યો. બીજા (કેટલાએક) ને બેડીઓ બાંધીને કારાવાસમાં પૂરવામાં આવ્યા. 37 તેઓને પત્થરોથી મારી નાખવામાં આવ્યા અને બે ટુકડા કરી નાખવામાં આવ્યા. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાકએક ઘેંટા બકરાના ચામડાં પહેરી રખડ્યા. જે ગરીબો હતા તેમને ખુબજ દુ:ખ આપવામાં આવ્યું અને તેમની સાથે અઘટિત વ્યવહાર કર્યો. 38 આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી, આ માણસો રણમાં, પર્વતો પર, ગુફાઓમાં અને જમીનના ભોયરાઓમાં ભટકતા રહ્યા.

39 આ બધાજ લોકો વિશ્વાસ રાખનાર હતા. છતાં કોઈને પણ દેવનું મહાન વચન મળ્યું નહિ. 40 કેમ કે દેવે આપણને કઈક વધારે સારું આપવા નક્કી કર્યુ છે જેથી તેઓ ફક્ત આપણી સાથે જ પરિપૂર્ણ થઈ શકે.

આપણે પણ ઈસુના નમૂનાને અનુસરવું જોઈએ

12 તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ). આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે. અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યુ અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે.

લૂક 12:49-56

ઈસુ વિષે લોકોનો અસ્વીકાર

(માથ. 10:34-36)

49 ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું! 50 મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું. 51 શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! 52 કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.

53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે:
    દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે.
    પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે.
મા અને પુત્રીમાં ભાગલા પડશે:
    પુત્રી તેની માની વિરોધી થશે.
    મા તેની પુત્રીની વિરોધી
થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે:
    વહુ તેની સાસુની વિરોધી થશે.
    સાસુ તેની વહુની વિરોધી થશે.”

સમયને પારખો

(માથ. 16:2-3)

54 પછી ઈસુએ લોકોને કહ્યું, “જ્યારે તમે પશ્ચિમમાં મોટાં વાદળા ઘેરાતાં જુઓ છો ત્યારે તમે કહો છો કે, ‘વર્ષાનું ઝાપટું આવશે;’ અને વરસાદ પડશે. અને ખરેખર વરસાદ પડે છે. 55 જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે,’ અને તમે સાચા છો. 56 ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી?

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International