Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
3 જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઇ લેનાર છે; 2 તેમના વીરપુરુષો અને તેમના યોદ્ધાઓ, તેમના ન્યાયાધીશો અને તેમના પ્રબોધકો, તથા વડીલો; 3 સેનાનાં સેનાપતિઓ, સરકારના નેતા, સલાહકાર અને કુશળ કારીગરો તેમજ જાદુગરો એ બધાને તે લઇ લેનાર છે.
4 “તે છોકરાઓને તેમના અધિકારીઓ ઠરાવશે, અને નાના બાળકો તેમના પર શાસન કરશે. 5 પડોશીઓ એકબીજા પર જુલમ કરશે. જુવાનો વૃદ્ધોની સામે વિદ્રોહ કરશે. ઉતરતી કક્ષાના લોકો માણસોની અવગણના કરશે.”
6 એવો સમય આવશે જ્યારે માણસ પોતાના પિતાના ઘરમાં પોતાના ભાઇને પકડીને કહેશે કે, “તારી પાસે તો વસ્ત્ર પણ છે; ચાલ, તું અમારો આગેવાન થા અને આ ખંડેરના ઢગલા ઉપર રાજ્ય કર.”
7 ત્યારે તે બોલી ઊઠશે, “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં નથી ખાવાનું કે નથી પહેરવાનું; તમે મને લોકોનો આગેવાન ન બનાવશો.”
8 યરૂશાલેમ ચોક્કસ રીતે નાશ પામશે કારણ કે યહૂદાના લોકો પોતાની વાણીથી અને કરણીથી યહોવાની વિરુદ્ધ બોલ્યા છે. અને તેમને માન આપતા નથી; તેઓ તેની પવિત્ર હાજરી છતાં વિદ્રોહી બન્યા છે.
9 તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; તેઓ સદોમના લોકોની જેમ પોતાના પાપનું પ્રદર્શન કરે છે. તેઓ પાપને છુપાવતાં નથી; તેમનું ભવિષ્ય ભયંકર છે અફસોસ! તેમણે પોતે જ આફત વહોરી લીધી છે.
10 ન્યાયીને માટે સર્વ સારું થશે. માટે તેને કહે કે, “તારું ભલું થશે. તને તારા સારા સુકૃત્યોનો બદલો મળશે જ!” 11 પણ દુષ્ટ માણસને કહે; “દુષ્કૃત્યોના કરનારા દુ:ખી થશે, તેમનું અકલ્યાણ થશે, તેઓ તેમના હાથે કરેલાં કૃત્યોનું ફળ ભોગવશે.” 12 મારા લોકો પર બાળકો અન્યાય કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ્ય કરે છે.
અરે મારા લોકો, તમારા આગેવાનો તમને ખોટે માર્ગે દોરે છે, જેથી તમને ખબર પડતી નથી કે કયે રસ્તે જવું.
પોતાના લોકો માટે દેવનો નિર્ણય
13 યહોવા અદાલત ભરવાને તૈયાર થયા છે; 14 અને પ્રજાઓનો ન્યાય તોળવા ઊભા છે. સૌ પ્રથમ તે વડીલો તથા રાજાઓ પર ગુસ્સો ઠાલવશે. કારણ કે તેઓએ ગરીબો વિરુદ્ધ લાંચ લીધી છે.
“તેઓએ ગરીબ ખેડૂતોને લૂંટીને પોતાના ભંડારો ભર્યા છે. 15 મારા લોકોને કચડી નાખવાનો અને ગરીબોના ચહેરાને ધૂળમાં રગદોડવાનો તમને શો અધિકાર છે?” આ યહોવા મારા માલિક સૈન્યોના દેવનાં વચન છે.
16 વળી યહોવા કહે છે, “સિયોનની પુત્રીઓ ઘમંડી થઇ ગઇ છે! તેઓ ઊંચી ડોક કરીને, રમતિયાળ આંખોથી ચારેબાજુ જોતી અને રણકતા ઝાંઝરને ઝમકાવતી લયમાં ચાલે છે.”
17 તેથી મારા માલિક યહોવા સિયોનની પુત્રીઓના માથાને ઊંદરીવાળાઁ કરી નાખશે. તેઓના માથા બોડાં કરી દેશે, અને તેઓના પાપ ઉઘાડાં પાડશે.
તમારા આનંદ અને હિંમત ગુમાવશો નહિ
32 યાદ રાખો. ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો, પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. 33 ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા. 34 હા, જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા, ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુ:ખના ભાગીદાર બન્યા. તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે.
35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. 36 તમારે ધીરજ રાખવાની જરુંર છે. દેવની ઈચ્છા પૂરી કરવાનું કાર્ય ચાલુ રાખો. અને તેથી જ તમને જે વચનો આપ્યા છે તે પ્રાપ્ત કરશો. 37 થોડા સમયમાં,
“પ્રભુ જે ફરીથી આવનાર છે તે વિલંબ કરશે નહિ.
38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે.
જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” (A)
39 પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International