Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”
2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
તો પછી સારા લોકો શું કરી શકે?
4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
5 યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
6 દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
14 પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે.
તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.
15 તેથી પૂર્વમાં જેઓ છે તેઓ પણ યહોવાના મહિમાની ઘોષણા કરશે.
અને દરિયાકાંઠે રહેનારા લોકો
પણ ઇસ્રાએલના યહોવા દેવની સ્તુતિ કરશે.
16 પૃથ્વીના બધા છેડેથી આપણે “ન્યાયીનો મહિમા થાઓ”
તેમ સાંભળીશું પણ અફસોસ!
“હું તો ક્ષીણ થતો જઉં છું,
મારા માટે કોઇ આશા નથી.
દગાબાજી કરનારા દગાબાજી કરે જાય છે
અને દિવસે દિવસે તેઓની દગાબાજીમાં વધારો થતો જાય છે.”
17 હે પૃથ્વીવાસીઓ, તમારા માટે ભય,
ખાડો અને ફાંસલો જ છે.
18 જે ડર લાગે તેવા સમાચારથી
જેઓ દૂર ભાગી જાય છે,
તેઓ ખાડામાં પડશે અને જે ખાડામાંથી
બહાર નીકળશે તે ફાંસલામાં સપડાશે.
આકાશમાંથી મૂસળધાર વરસાદ વરસશે,
પૃથ્વીના પાયા હચમચી જશે.
19 પૃથ્વીનો સંપૂર્ણ વિનાશ થશે,
એમાં મોટી મોટી તિરાડો પડશે, અને ભીષણતાથી ધૂજી ઊઠશે.
20 પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે,
તોફાનમાં ફસાયેલા તંબુની જેમ ઝોલા ખાશે,
પૃથ્વીના પાપનો ભાર વધી ગયો છે,
તેનું એવું પતન થશે કે પછીથી
તે ફરીથી ઊઠી શકશે નહિ.
21 તે દિવસે યહોવા આકાશમાંના સૈન્યોને,
તથા પૃથ્વી પરના અભિમાની રાજાઓને
તથા અધિકારીઓને શિક્ષા કરશે.
22 તે સર્વને કેદીઓની જેમ એકઠાં કરવામાં આવશે
અને જ્યાં સુધી તેઓનો
ન્યાય કરીને શિક્ષા કરવામાં નહિ
આવે ત્યાં સુધી બંદીખાનામાં કેદ કરી રાખવામાં આવશે.
23 સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમમાં સિયોન પર્વત પર રાજા થશે
અને લોકોના આગેવાનો સમક્ષ તેનો મહિમા ઝળહળી ઊઠશે.
એટલે ચંદ્ર શરમનો માર્યો મોં સંતાડશે,
સૂર્ય લજવાઇને ઝાંખો થઇ જશે.
વિશ્વાસપાત્ર સેવક કોણ?
(માથ. 24:45-51)
41 પિતરે કહ્યું, “પ્રભુ, તેં આ વાર્તા અમારા માટે કહી કે બધા લોકો માટે?”
42 પ્રભુએ કહ્યું, “શાણો અને વિશ્વાસપાત્ર સેવક કોણ છે? ધણી એક દાસ પર વિશ્વાસ રાખે છે જે બીજા દાસોને સમયસર તેમનું ખાવાનું આપશે. એ દાસ કોણ છે જેના પર ધણી તે કામ કરવાનો વિશ્વાસ રાખે છે? 43 જ્યારે ધણી આવે છે અને પોતે દાસને સોંપેલું કામ કરતાં જુએ છે, ત્યારે તે દાસ ઘણો સુખી થશે. 44 હું તમને સત્ય કહું છું, ધણી તે દાસને પોતાની સર્વ માલમિલકતની સંભાળ રાખવા પસંદ કરે છે.
45 “પણ જો દાસ દુષ્ટ હોય અને વિચારે કે તેનો ધણી જલદીથી પાછો આવશે નહિ, તો પછી શું બને? પેલો દાસ બીજા દાસો અને દાસીઓને મારવાનું શરૂ કરશે. તે ખાશે, પીશે અને છાકટો બનશે. 46 પછી પેલા દાસનો ધણી આવશે ત્યારે પેલો દાસ તૈયાર હશે નહિ. દાસે ધારણા નહિ કરી હોય કે ધણી આવશે તેવા સમયે તે આવશે પછી ધણી પેલા દાસને શિક્ષા કરશે. ધણી તેને બીજા લોકો જે તેની આજ્ઞા પાળતા નથી તેમની સાથે દૂર કાઢી મૂકશે.
47 “પેલા દાસે જાણ્યું, તેનો ધણી તેની પાસે શું કરાવવા માંગતો હતો પણ તે દાસે તેની જાતને તૈયાર કરી નહિ અથવા તેના ધણીની ઈચ્છા પ્રમાણે જે કરવાનું હતું તે માટે પ્રયત્ન પણ કર્યો નહિ, તેથી તે દાસને ઘણી બધી શિક્ષા થશે! 48 પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International