Revised Common Lectionary (Semicontinuous)
1 આમોસના પુત્ર યશાયાએ યહૂદામાં ઉઝિઝયા, યોથામ, આહાઝ અને હિઝિક્યા રાજાઓના અમલ દરમ્યાન સંદર્શનો જોયાં. તે સંદર્શનોમાંથી તેને સંદેશા મળ્યા. આ સંદેશાઓમાં યહોવાએ યરૂશાલેમ અને યહૂદામાં આવનાર દિવસોમાં શું બનવાનું હતું તે તેને બતાવ્યું.
10 હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો. 11 યહોવા કહે છે, તમારા અસંખ્ય યજ્ઞો મારી આગળ તમે કર્યા છે છતાં તે મારે કોઇ કામના નથી. તમારા પુષ્ટ ઘેટાંની મારે જરૂર નથી. તમારાં અર્પણો, ગોધા, હલવાન તથા બકરાનું લોહી મને ભાવતું નથી. 12 તમને મારા માટે અર્પણો લાવવા કોણે કહ્યું હતું? મારા મંદિરના આંગણાને હવે જરાપણ કચડો નહિ.
13 “તમારા નકામા ખાદ્યાર્પણો લાવશો નહિ, ધૂપ તો મને તિરસ્કારરૂપ લાગે છે; ચંદ્રદર્શન, સાબ્બાથ દિવસો અને ધર્મમેળો એમાં કેવળ પાપીઓ જ ભેગા થાય છે. 14 તમારાઁ ચદ્રદર્શનને અને તમારા પર્વોને હું ધિક્કારું છું. હું તે સહન કરી શકતો નથી.
15 “પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.
16 “સ્નાન કરીને શુદ્ધ થાઓ. મારી આંખ આગળ દુષ્કૃત્યો કરવાનું બંધ કરો, ભૂંડા કામ કરવાના છોડી દો. અને ભલું કરતાં શીખો. 17 ન્યાયને માર્ગે ચાલો, જેમના પર ત્રાસ થાય છે તેમને બચાવો, અનાથનું રક્ષણ કરો, વિધવાઓ અને ગરીબોને મદદ કરો, તેમના પ્રત્યે માયાળુ બનો.”
18 યહોવા કહે છે, “આવો, આપણે એક સમજૂતી પર આવીએ. તમારાં પાપના ડાઘ ગમે તેટલા ઘેરા હશે, તો પણ હું તેને દૂર કરીશ. અને તમને તાજાં વરસેલાં હિમ જેવા; ને ઊન જેવા શ્વેત બનાવીશ.
19 “જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો. 20 પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.”
આ યહોવાના મુખનાં વચનો છે.
આસાફનું ગીત.
1 યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
2 સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
3 આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
5 જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
6 દેવ પોતે જ ન્યાયાધીશ છે.
તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.
7 “હે મારા લોકો, હું કહું તે સાંભળો,
હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ;
કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
8 મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે.
તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”
વિશ્વાસ
11 વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ. 2 પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો.
3 વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે.
8 વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો; એટલે પોતે ક્યાં જાય છે, એનાથી અજ્ઞાત હોવા છતાં તે પોતાનું વતન છોડી ચાલી નીકળ્યો. 9 દેવે જે દેશમાં જવાનું વચન આપ્યું હતું ત્યાં જઈને રહ્યો. ઇબ્રાહિમ ત્યાં એક મુસાફરની માફક રહ્યો. કારણ કે તેને વિશ્વાસ હતો. ઈસહાક અને યાકૂબને પણ તે જ વચન મળ્યું હતું. તેઓ પણ તંબુમાં રહ્યા હતા. 10 ઈબ્રાહિમ તે શહેરની રાહ જોતો હતો. જેનો પાયો દઢ હોય, એવું શહેર કે જેનો શિલ્પી અને બાંધનાર દેવ હોય.
11 ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો. અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો. 12 આ માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે મૃત અવસ્થામાં હતો. પણ એ એક જ વ્યક્તિમાંથી અનેક પ્રજા ઉત્પન્ન થઈ. તેનાં સંતાન આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય હતા.
13 આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ. 14 આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે. 15 જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત. 16 પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે.
પૈસામાં વિશ્વાસ ન રાખો
32 “ઓ નાની ટોળી, તમે ડરશો નહિ, તમારા પિતા તમને રાજ્ય આપવા ઈચ્છે છે. 33 તમારી પાસે જે વસ્તુઓ છે તે વેચી દો અને જેઓને જરૂર છે તેઓને તે પૈસા આપી દો. આ જગતની સંપત્તિ સદા રહેતી નથી. તેથી જે સંપત્તિ સતત રહે તે મેળવો. તમારી જાત માટે આકાશમાં ખજાનો પ્રાપ્ત કરો. તે ખજાનો સદા રહેશે. આકાશમાંના ખજાનાને ચોરો ચોરી શકતા નથી, અને કીડા તેનો નાશ કરી શકતા નથી. 34 જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે.
હંમેશા તૈયાર રહો
(માથ. 24:42-44)
35 “તૈયાર થાઓ, પૂર્ણ પોષાક પહેરો, તમારા દીવા સળગતા રાખો. 36 લગ્ન સમારંભમાંથી ઘેર પાછા આવતા ધણીની રાહ જોતાં સેવકો જેવા થાઓ. ધણી આવે છે અને ટકોરા મારે છે. દાસો ધણી માંટે બારણું ઉઘાડે છે. 37 એ દાસોને ધન્ય છે કારણ કે જ્યારે તેઓનો ધણી ઘરે આવે છે અને તે જુએ છે કે તેના દાસો તૈયાર છે અને તેની વાટ જુએ છે. હું તમને સત્ય કહું છું, ધણી તેની જાતે કામ માટે કપડાં પહેરશે અને દાસોને મેજ પાસે બેસવા કહેશે. પછી ધણી તેમની સેવા કરશે. 38 પેલા દાસોને મધરાત પછી મોડેથી તેઓના ધણીની આવવાની રાહ જોવી પડે. તેઓનો ધણી જ્યારે આવે છે, ત્યારે તેઓને રાહ જોતા જોઈને તે આનંદ પામે છે.
39 “આ યાદ રાખો, ઘરનો ધણી જો જાણતો હોત કે ક્યા સમયે ચોર આવશે તો પછી ધણી ચોરને તેના ઘરમાં ઘૂસવા દેત નહિ. 40 તેથી તમે પણ તૈયાર રહો! માણસનો દિકરો તમે ધાર્યુ નહિ હોય તેવા સમયે આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International