Revised Common Lectionary (Semicontinuous)
આસાફનું ગીત.
1 યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
2 સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
3 આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4 તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
5 જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
6 દેવ પોતે જ ન્યાયાધીશ છે.
તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.
7 “હે મારા લોકો, હું કહું તે સાંભળો,
હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ;
કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
8 મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે.
તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”
દેવ ઇસ્રાએલને સજા કરશે
8 પ્રભુએ ઇસ્રાએલ વિરુદ્ધ યાકૂબના વંશજો વિરુદ્ધ પોતાનો ફેંસલો જણાવ્યો છે. 9 ઇસ્રાએલના પાટનગર સમરૂનના સૌ વતનીઓને એની જાણ થશે.
એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે, 10 “ભલે ઇંટો પડી ગઇ, હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું. ઉંબરના પાટડા તોડી નાખવામાં આવ્યા છે. પણ આપણે એની જગાએ સાગના લાવીશું.”
11 પરંતુ યહોવાએ તેમના દુશ્મનોને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા છે; 12 પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.
13 આમ છતાં એ લોકો પોતાને ઘા કરનાર સૈન્યોના દેવ પાસે પાછા આવ્યાં નથી કે તેનું શરણું તેમણે સ્વીકાર્યુ નથી. 14 આથી યહોવા એક દિવસે ઇસ્રાએલનું માથું, પૂંછડી, નાડ અને બરૂ કાપી નાખશે. 15 વડીલો અને સન્માનનીય પુરુષો તે માથું અને ખોટો ઉપદેશ કરનાર પ્રબોધકો તે પૂંછડી છે.
16 આ લોકોના આગેવાનોએ તેમને અવળે માર્ગે ચડાવ્યા છે. તેમને ભૂલા પાડ્યા છે. 17 આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે.
આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે.
દેવ અને યહૂદિ લોકો
9 હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી. 2 યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. 3 તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું. 4 કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું. 5 તેઓ આપણા પિતાઓના વંશજો છે. અને તેઓ ખ્રિસ્તના દુન્યવી કુટુંબીજનો છે. ખ્રિસ્ત સર્વોપરી દેવ છે. તેની સ્તુતિ નિત્ય કરો! આમીન.
6 હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે. 7 અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.”(A) 8 આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે. 9 ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”(B)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International