Revised Common Lectionary (Semicontinuous)
ઇસ્રાએલ યહોવાને ભૂલી ગયું
11 યહોવા કહે છે, “ઇસ્રાએલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો.
મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો હતો.
2 પરંતુ જેમ જેમ મેં તેને બોલાવ્યો,
અને વધારે પ્રેમ આપ્યો તેમ તેમ તેણે વધારે બંડ કરીને,
બઆલને બલિદાનો આપ્યાં
અને મૂર્તિઓની સન્મુખ વધારે ધૂપ કરતો રહ્યો.
3 “જો કે, મેં જ તેને બાળપણમાં શિક્ષા આપી ચાલતાં શીખવ્યું હતું.
મેં જ તેને મારી બાથમાં લીધો હતો.
પણ તે જાણતો ન હતો,
તેને સાજોસમો રાખનાર હું હતો.
4 મેં તેઓને પ્રેમની લગામથી બાંધ્યા
અને તેમને દોર્યા મે તેઓને ઊંચા કર્યા
અને તેઓને બાળકની જેમ તેડ્યા,
અને હું પોતે વાકો વળ્યો અને તેમને જમાડ્યા.
5 “મારા લોકો મિસર તરફ પાછા ફરશે નહિ. આશ્શૂર તેમના પર રાજ કરશે. આવું બનશે કારણ કે, તેઓએ મારી તરફ ફરવાનો નકાર કર્યો છે. 6 તેના શહેરો પર તરવાર લટકશે. તે તેઓના બધા પુરુષોનો તેમની દુષ્ટ યોજનાઓ માટે નાશ કરશે.
7 “મારા લોકોનું વલણ મારાથી વિમુખ થવાનું છે, એમને મારા તરફ ઊંચે આવવા માટે કહેવામાં આવે છે, પણ તેઓ માન આપતા નથી.”
યહોવા ઇસ્રાએલનો વિનાશ નથી ઇચ્છતાં
8 “હે ઇસ્રાએલ, હું તારો ત્યાગ શી રીતે કરું?
હું તને શી રીતે શત્રુઓના હાથમાં જવા દઉં?
હું તારા હાલ અદમા જેવા શી રીતે થવા દઉં?
અથવા સબોઇમની સાથે વત્ર્યો તેમ તારી સાથે શી રીતે વર્તું?
મારું મન પાછું પડે છે;
ને દયાથી ઓગળી જાય છે;
9 હું મારા ક્રોધના આવેશ
મુજબ વર્તીશ નહિ,
હું ફરી તારો નાશ કરીશ નહિ,
કારણકે હું દેવ છું, માણસ નથી;
હું તારી વચ્ચે વસતો પરમપવિત્ર દેવ છું.
હું આવીને તારો નાશ નહિ કરું.
10 મારા લોકો અનુસરસે યહોવા
સિંહની જેમ ગર્જના કરશે.
હાં તે ગર્જશે અને તેના બાળકો
પશ્ચિમમાંથી ધ્રુજતા આવશે.
11 તેઓ મિસરમાંથી પંખીઓનાં ટોળાની
જેમ વેગથી આવી પહોંચશે.
કબૂતરની જેમ તેઓ આશ્શૂરમાંથી આવશે.
અને હું તેઓને ફરીથી તેઓનાં ઘરમાં વસાવીશ.”
યહોવાએ આ વચન આપ્યું છે.
ભાગ પાંયમો
(ગીત 107–150)
1 યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
2 જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
3 પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.
4 કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
અને તેઓને વસવા નગર ન મળ્યું.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
અને નબળા પડી રહ્યાં હતાં.
6 પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
7 યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
8 દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.
43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.
ખ્રિસ્તમાં તમારું નવું જીવન
3 ખ્રિસ્ત સાથે તમને મૂએલામાંથી ઉઠાડવામાં આવેલા. તેથી તે વસ્તુઓ, જે આકાશમાં છે તે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરો. મારો મતલબ છે કે એ વસ્તુઓ કે જ્યાં ખ્રિસ્ત દેવના જમણા હાથે બેઠેલો છે. 2 ફક્ત આકાશની વસ્તુઓ વિષે જ વિચાર કરો, પૃથ્વી પરની વસ્તુઓ વિષે નહિ. 3 તમારી જૂની પાપી જાત મૃત્યુ પામી છે, અને ખ્રિસ્ત સાથે દેવમાં તમારું નવું જીવન ગુપ્ત રાખેલ છે. 4 ખ્રિસ્ત જ તમારું જીવન છે. જ્યારે તેનું પુનરાગમન થશે, ત્યારે તમે તેના મહિમાના સહભાગી બનશો.
5 એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. 6 એ કામો દેવને ક્રોધિત કરે છે.[a] 7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે.
8 પરંતુ હવે તમારા જીવનમાં આ વસ્તુઓને જાકારો આપો: જેવી કે રીસ, બીજા લોકોની લાગણી દુભાવે તેવી વસ્તુઓ બોલવી કે કરવી, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો. 9 એકબીજા સાથે જૂઠ્ઠું ન બોલો. શા માટે? કારણ કે તમે તમારું પાપી જીવન તથા તેવાં કાર્યો જે તમે અગાઉ કરેલાં તે તો ક્યારના ય છોડી દીધાં છે. 10 તમે નવું જીવન શરૂ કર્યુ છે. તમારા નવા જીવનમાં તમે નવા બનાવાયા છો. જેણે તમારું સર્જન કર્યુ છે તેના જેવા તમે બની રહ્યાં છો. આ નવું જીવન તમને દેવનું સત્ય જ્ઞાન આપે છે. 11 નવા જીવનમાં ગ્રીક અને યહૂદિ લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. જે લોકોની સુન્નત કરવામાં આવી છે, અને જેની સુન્નત કરવામાં નથી આવતી તેવા લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. અથવા તો તે લોકો કે જે વિદેશીઓ અથવા સિથિયનો છે તેમની વચ્ચે કોઈ ભિન્નતા નથી. સ્વતંત્ર લોકો અને દાસો વચ્ચે પણ કોઈ જ ભિન્નતા નથી. પરંતુ ખ્રિસ્ત તો બધા જ વિશ્વાસીઓમાં વસે છે. અને ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.
ઈસુની સ્વાર્થપણા સામે ચેતવણી
13 ટોળામાંના એક માણસે ઈસુને કહ્યું, “ગુરુંજી, હમણા જ અમારા પિતાનું મૃત્યુ થયું છે. મારા ભાઈને કહે કે અમારા પિતાની માલિકીની વસ્તુઓનો ભાગ મને આપે.”
14 પણ ઈસુએ તેઓને કહ્યું, “કોણે કહ્યું કે હું તમારો ન્યાયાધીશ થઈશ કે તમારા પિતાની વસ્તુઓ તમારા બંને વચ્ચે વહેંચવાનો નિર્ણય કરીશ?” 15 પછી ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો અને બધાજ પ્રકારના સ્વાર્થીપણા સામે જાગ્રત રહો. વ્યક્તિ તેની માલિકીની ઘણી વસ્તુઓમાંથી જીવન પ્રાપ્ત કરી શકતો નથી.”
16 પછી ઈસુએ આ વાર્તાનો ઉપયોગ કર્યો: “એક ધનવાન માણસ હતો જેની પાસે કેટલીક જમીન હતી. તેની જમીનમાં ઘણી સારી ઉપજ થઈ. 17 તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’
18 “પછી પૈસાદાર માણસે કહ્યું, ‘હું જાણું છું કે હું શું કરીશ.’ હું મારી વખારોને પાડી નાંખીને વધારે મોટી વખારો બાંધીશ! હું ત્યાં મારા બધાજ ઘઉં અને સારી વસ્તુઓ એક સાથે નવી વખારમાં મૂકીશ. 19 પછી હું મારી જાતને કહીશ, ‘મારી પાસે ઘણી સારી વસ્તુઓનો સંગ્રહ છે, મેં ઘણાં વરસ માટે પૂરતું બચાવ્યું છે આરામ લે, ખા, પી અને જીવનમાં આનંદ કર!’
20 “પરંતુ દેવે તે માણસને કહ્યું, ‘અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?’
21 “જે વ્યક્તિ તેની જાત માટે જ ફક્ત વસ્તુઓ બચાવે છે તેનું આમ જ થશે. દેવ સમક્ષ તે વ્યક્તિ ધનવાન નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International