Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 107:1-9

ભાગ પાંયમો

(ગીત 107–150)

યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
    કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
    અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
    અને તેઓને વસવા નગર ન મળ્યું.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
    અને નબળા પડી રહ્યાં હતાં.
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
    અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
    માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
    અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

ગીતશાસ્ત્ર 107:43

43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે;
    અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

હોશિયા 10

ઇસ્રાએલના વૈભવે ઇસ્રાએલથી મૂર્તિપૂજા કરાવી

10 ઇસ્રાએલ સુવિકસિત અને ફળોથી ભરપૂર
    એવો દ્રાક્ષાવેલાની જેમ ખૂબ સમૃદ્ધ છે.
હું જ્યારે તેને વધારે અને વધારે સંપતિ આપું છું
    તેઓ બીજા દેવો માટે વધારેને વધારે વેદીઓ બાંધે છે.
જ્યારે મેઁ તેમને પુષ્કળ પાક આપ્યો,
    તેઓએ તેમનાં સારામાં સારા પથ્થરોમાંથી વધારે ભજનસ્તંભો જૂઠા દેવોને માન આપવાં બનાવ્યા.
ઇસ્રાએલના લોકોએ દેવને છેતરવાનો પ્રયત્ન કર્યો,
    પણ હવે તેમને પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.
યહોવા પોતે જ તેઓની વેદીઓ તોડી નાખશે
    અને તેમના ભજનસ્તંભોનો નાશ કરશે.

ઇસ્રાએલીઓના ખોટા નિર્ણયો

હવે તેમણે કહેવું પડશે; અમારે કોઇ રાજા નથી, કારણ, અમે યહોવાથી બીતા નથી; અને રાજા પણ અમારે માટે શું કરવાનો હતો?

તેઓ વચનો આપે છે, પણ તેને પાળવાનો વિચાર કરતાં નથી. કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે, તેઓ જ્યારે ન્યાયને અમલમા મુકવાનો પ્રયત્ન કરે છે. તેઓના ચુકાદાઓ ખેડેલાં ખેતરમાં ઊગી નીકળતાં ઝેરી છોડ જેવા હોય છે.

સમરૂનના લોકો બેથ-આવેનમાં આવેલી તેમની વાછરડાની મૂર્તિ સાથે ખૂબ સંકળાયેલ છે; યાજકો અને લોકો તેના માટે શોક કરે છે. કારણ તેઓએ તેનું તેજ માણ્યું, પણ હવે તેને તેમનાથી દૂર કારાવાસમાં લેવાયું છે. જ્યારે એ વાછરડાને ત્યાંના મહાન રાજાને વસુલી તરીકે આપવા માટે તેઓની સાથે ગાડામાં આશ્શૂર લઇ જવામાં આવશે. અને તેઓને સાથે ચાકરોની જેમ લઇ જવામાં આવશે. ઇસ્રાએલની અપકીર્તિ થશે અને તેણે પોતે લીધેલા માર્ગ માટે શરમાવું પડશે. સમરૂનનો રાજા સમુદ્રના મોજાઓ ઉપર તરતાં લાકડાના પાટિયાની જેમ તણાઇ જશે.

જ્યાં ઇસ્રાએલે પાપ કર્યું છે, તે બેથેલમાં આવેલી આવેનની મૂર્તિની વેદીનો નાશ થશે. તેમની વેદીઓ ઉપર કાંટા ને ઝાંખરાઁ ઊગી નીકળશે. અને પછી લોકો પર્વતોને અને ડુંગરોને કહેશે કે, “અમારા ઉપર પડો અને અમને ઢાંકી દો.”

ઇસ્રાએલે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું

યહોવા કહે છે, “ઇસ્રાએલના લોકોએ ગિબયાહના લોકોની જેમ પાપ કર્યુ, અને તેઓએ પાપ કરવાનું ચાલું રાખ્યું. શું ગિબિયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ પર યુદ્ધ અચાનક નહોતું આવી પડ્યું? 10 તમારામાં આધીનતા નથી, તેથી હું તમારી વિરૂદ્ધ જઇશ; તમારા અસંખ્ય પાપો બદલ તમને શિક્ષા કરવા હું વિદેશી સૈન્યોને તમારી વિરૂદ્ધ ભેગા કરીશ.

11 “એફ્રાઇમ એક શિક્ષા પામેલી જુવાન ગાય જેવી છે જેને દાણા છૂટા પાડવા ગમે છે. મેં તેને અગાઉ કદી ઝૂંસરી નીચે મૂકી નથી. મેં તેની કોમળ ડોકને મુકત રાખી હતી. પરંતુ હવે હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ. તેને હળમાં બાંધવામાં આવશે. યહૂદા જમીન ખેંડશે અને યાકૂબ કઠણ જમીન તોડશે.”

12 મેં કહ્યું, “પોતાને સારુ સત્કર્મો વાવો અને સાચા પ્રેમના ફળ લણો, તમારા હૃદયની કઠણ જગ્યાઓને ખેડો. યહોવાને શોધવાનો સમય થઇ ગયો છે જ્યાં સુધી યહોવા આવે અને તમારા પર ભલમનસાઇ વરસાવે.

13 “પણ તમે દુષ્કૃત્યો વાવ્યાં છે અને તેના માઠાં ફળ લણ્યાં છે, તમારે તમારા અસત્યનાઁ ફળ ભોગવવા પડ્યાં છે. સૈન્યના સાર્મથ્યને લીધે અને મહાન સૈન્યોને લીધે દેશ સુરક્ષીત છે એવા જૂઠાણા પર ભરોસો રાખવાનો પૂરો બદલો તમને મળી ચૂક્યો છે! 14 તારા લોકો વિરૂદ્ધ યુદ્ધ થશે અને દુશ્મનો તારા કિલ્લેબંધ નગરોનો નાશ કરશે. જેમ શાલ્માને યુદ્ધમાં બેથ-આર્બેલનો વિનાશ કર્યો હતો અને માતાઓને અને તેમના બાળકોને જમીન પર પછાડીને મારી નાખ્યા હતાં તેમ થશે. 15 હે બેથેલ, તારી સાથે પણ તેમ જ થશે. કારણ કે, તેઁ ઘણું ખરાબ કર્યુ છે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇસ્રાએલના રાજાનો સંપૂર્ણ નાશ થઇ જશે.”

માર્ક 10:17-22

એક ધનવાનની ઈસુને અનુસરવાની ના

(માથ. 19:16-30; લૂ. 18:18-30)

17 ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી. પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો, તે માણસે પૂછયું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ?”

18 ઈસુએ ઉત્તર આપ્યો, “તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે. 19 પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તું આજ્ઞાઓ જાણે છે: ‘તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે ચોરી કરવી જોઈએ નહિ, તારે તારા માબાપને માન આપવું જોઈએ.’(A)

20 તે માણસે કહ્યું, “ઉપદેશક, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરું છું.”

21 ઈસુએ તે માણસ સામે જોયું. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુએ કહ્યું, “તું એક વાત સબંધી અધૂરો છે. જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પૈસા ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર.”

22 ઈસુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો ફીક્કો પડી ગયો. અને તે વિદાય થયો. તે માણસ દુ:ખી હતો કારણ કે તે ઘણો પૈસાદાર હતો અને તેના પૈસા રાખવા ઈચ્છતો હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International