Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 6

નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
    અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
    હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
    કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
    હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
    ક્યાં સુધી વિલંબ કરશો?
હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
    કરી દયા દાખવી મને મરણથી બચાવો.
લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
    મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
    રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
    કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.

ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
    યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
    યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
    ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.

2 રાજાઓનું 5:19-27

19 એલિશાએ કહ્યું, “સારું, શાંતિથી જા,”

પછી નામાંન સ્વદેશ જવા રવાના થયો. 20 ત્યાં દેવભકત એલિશાના નોકર ગેહઝીએ મનમાં કહ્યું, “શું માંરા શેઠે આ અરામી નામાંનને તે જે ભેટ લાવ્યો તે સ્વીકાર્યા વિના જ એમને એમ જવા દીધો? યહોવાના સમ. હું દોડતો તેની પાછળ જાઉ છું અને તેની પાસેથી કંઈ લઈ આવું છું.”

21 એમ વિચારીને ગેહઝીએ નામાંનની પાછળ દોડતો નીકળી પડયો. જયારે નામાંને તેને પોતાની પાછળ દોડતો જોયો ત્યારે તે રથમાંથી તેને મળવા કૂદી પડયો અને બોલ્યો, “બધું કુશળ તો છે ને?”

22 તેણે કહ્યું, “બધું કુશળ છે. માંરા શેઠે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘એફ્રાઈમના ટેકરી પ્રદેશના પ્રબોધકોના સમૂહમાંથી બે યુવાનો હમણાં જ આવ્યા છે, તેમને લગભગ 34 કિલો ચાંદી અને બે જોડી કપડાં જોઇએ છે.’”

23 નામાંને કહ્યું, “જરૂર; ખુશીથી 68 કિલો લઈ જાઓ.” આ રીતે નામાંને તેને ખૂબ કિંમતી એવાં બે જોડ વસ્ત્રો આપ્યાં, અને બે થેલામાં લગભગ 68 કિલો ચાંદી આપી તે તેણે તેના નોકરોના માંથે ચઢાવી; અને તેઓ ગેહઝીએની આગળ ચાલવા લાગ્યા. 24 જયારે ગેહઝીએ એલિશા રહેતો હતો તે ટેકરી પર પહોંચ્યો, ત્યારે તેણે પેલા બે માંણસો પાસેથી વસ્તુઓ લઈને ઘરમાં મૂકી દઈ તેમને મોકલી દીધા, પછી તેઓ વિદાય થયા.

25 જયારે તે અંદર જઈને પોતાના શેઠની આગળ ઊભો રહ્યો ત્યારે અલિશાએ કહ્યું, “ગેહઝીએ, તું કયાં ગયો હતો?”

ગેહઝીએ કહ્યું, “કયાંય નહિ.”

26 પણ એલિશાએ કહ્યું, “જયારે રથમાંથી કૂદીને કોઇ તમને મળવા આવ્યું, ત્યારે માંરો આત્માં તમાંરી સાથે નહોતો? આ કંઈ ભેટ લેવાનો પ્રસંગ છે? આ કંઈ પૈસા, કપડાં, જેતૂનની વાડીઓ, અને દ્રાક્ષની વાડીઓ ઘેટાં અને બળદો તથા દાસ અને દાસીઓ લેવાનો પ્રસંગ છે? 27 એથી નામાંનનો કોઢ તને અને તારા વંશજોને કાયમનો વળગશે.”

તે ક્ષણે જ ગેહઝીને તરત જ કોઢ ફૂટી નીકળ્યો, અને તેની ચામડી હિમ જેવી સફેદ થઈ ગઈ અને તે એલિશાથી દૂર ચાલ્યો ગયો.

પ્રેરિતોનાં કૃત્યો 19:28-41

28 જ્યારે આ માણસોએ આ બાબતો સાંભળી. તેઓ ઘણા ગુસ્સે થયા. તેઓએ પોકાર કર્યો. “આર્તિમિસ, એફેસીઓની દેવી, મહાન છે!” 29 શહેરના બધા લોકો બેચેન બન્યા, લોકોએ ગાયસ તથા અરિસ્તાર્ખસને જકડી લીધા. (તે બે માણસો મકદોનિયાના હતા અને પાઉલની સાથે મુસાફરી કરતા હતા) પછી બધાજ લોકો અખાડામાં દોડી ગયા. 30 પાઉલની ઈચ્છા અંદર જઈને લોકોની સાથે વાતો કરવાની હતી. પરંતુ ઈસુના શિષ્યોએ તેને જવા દીધો નહિ. 31 દેશના કેટલાક મુખ્ય આગેવાનો પણ પાઉલના મિત્રો હતા. આ આગેવાનોએ તેને એક સંદેશો મોકલ્યો. તેઓએ પાઉલને અખાડામાં ન જવા માટે વિનંતી કરી.

32 કેટલાક લોકો કંઈ બૂમ પાડતા હતા તો બીજા લોકો કંઈ બૂમ પાડતા હતા. તે સભામાં મુંઝવણ હતી. મોટા ભાગના લોકો તો જાણતા જ નહોતા કે તેઓ શા માટે ત્યાં આવ્યા છે. 33 તે યહૂદિઓએ આલેકસાંદર નામના માણસને લોકો સમક્ષ ઊભો કર્યો. લોકોએ તેને શું કરવું તે કહ્યું. આલેકસાંદરે હાથ હલાવ્યો. કારણ કે તે લોકોને પ્રત્યુત્તર આપવા ઇચ્છતો હતો. 34 પરંતુ જ્યારે લોકોએ જોયું કે આલેકસાંદર એક યહૂદિ હતો. તેઓ બધાએ બે કલાક સુધી આ જ બૂમો પાડવાનું ચાલું રાખ્યું. તે લોકોએ કહ્યું, “એફેસીઓના આર્તિમિસની જે! એફેસીઓના આર્તિમિસની જે! આર્તિમિસની જે…!”

35 પછી શહેરના નગરશેઠે લોકોને શાંત કર્યા અને કહ્યું, “એફેસસના માણસો, બધા લોકો જાણે છે કે એફેસસ એવું શહેર છે જ્યાં મહાન દેવી આર્તિમિસનું મંદિર છે. બધા લોકો જાણે છે કે અમે પણ તેણીનો પવિત્ર પથ્થર રાખીએ છીએ. 36 કોઇ વ્યક્તિ કહી શકશે નહિ કે આ સાચું નથી. તેથી તમારે શાંત થવું જોઈએ. તમારે બંધ કરવું જોઈએ અને તમે કંઈ કરો તે પહેલા વિચારવું જોઈએ.

37 “તમે આ માણસોને લાવ્યા છો, પણ તેઓએ આપણી દેવીની વિરૂદ્ધ કશુંજ ખરાબ કર્યુ નથી. તેઓએ દેવીના મંદિરમાંથી કશુંય ચોર્યુ પણ નથી. 38 આપણી પાસે ન્યાયના ન્યાયાલયો છે અને ત્યાં ન્યાયાધીશો હોય છે. માટે જો દેમેત્રિયસને તથા તેની સાથેના હસ્તકલાના કારીગરોને કોઇને ઉપર કંઈ ફરીયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે. તે એ છે જ્યાં તેઓ એકબીજા સામે આક્ષેપો મૂકી શકે છે.

39 “શું એવું બીજું કશું છે જેના વિષે તારી વાત કરવાની ઈચ્છા હોય? તો પછી લોકોની નિયમિત ભરાતી શહેરની સભામાં આવો. ત્યાં તેનો નિર્ણય થશે. 40 હું આ કહું છું કારણ કે કેટલીએક વ્યક્તિઓ આજે આ બનાવ જોઈ શકે છે અને કહેશે અમે હુલ્લડ કરીએ છીએ. અમે ધાંધલ ધમાલને સમજાવી શકતા નથી. કારણ કે આ સભા ભરવા માટે કોઇ સાચું કારણ નથી.” 41 શહેરના નગરશેઠે આ વાતો કહ્યા પછી, તેણે લોકોને ઘરે જવા કહ્યું અને બધા લોકોએ વિદાય લીધી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International