Revised Common Lectionary (Semicontinuous)
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
પુર્નજીવિત થતો શૂનેમી સ્ત્રીનો પુત્ર
32 એલિશા પછી ઘરમાં દાખલ થયો અને ત્યા તેની પથારીમાં મરેલો છોકરો પડેલો હતો. 33 તેણે ઓરડામાં જઈને બારણાં વાસી દીધાં. તે બે જણ અંદર રહ્યા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરી. 34 ત્યાર પછી તે પલંગ પર ચઢીને છોકરાની પર લાંબો થયો તેણે પોતાનું મોઢું છોકરાના મોઢાં પર, આંખ છોકરાની આંખ પર અને હાથ છોકરાના હાથની પર એટલે છોકરાના શરીરમાં ગરમાંવો આવ્યો.
35 પછી એલિશા ઊભો થયો અને ઓરડામાં આંટા માંરી ફરી છોકરા પર સૂઇ ગયો. પછી છોકરાને સાત વખત છીંક આવી અને પોતાની આંખો ઉઘાડી.
36 પછી પ્રબોધકે ગેહઝીનને બૂમ પાડી અને કહ્યું, “શૂનેમની સ્ત્રીને બોલાવ.”
એટલે તેણે તેણીને બોલાવી. તે આવી એટલે એલિશાએ તેને કહ્યું, “લે આ તારો પુત્ર.”
37 તે સ્રીએ અંદર જઈને જમીન પર લાંબા થઈને તેમને પ્રણામ કર્યા.અને પછી પોતાના બાળકને લઈને બહાર ચાલી ગઈ.
ઈસુ બાર પ્રેરિતોને મોકલે છે
(માથ. 10:5-15; માર્ક 6:7-13)
9 ઈસુએ તેના શિષ્યોને બોલાવીને તેઓને બધા ભૂતો પર, તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યાં. 2 તેણે તેઓને દેવના રાજ્ય વિષે કહેવા તથા માંદાઓને સાજા કરવા મોકલ્યા. 3 તેણે તેઓને કહ્યું, “જ્યારે તમે મુસાફરી કરો ત્યારે તમારી સાથે લાકડી લેશો નહિ, ઝોળી, ખોરાક કે પૈસા પણ લઈ જશો નહિ. પ્રવાસમાં ફક્ત તમે પહેરો છો તે જ કપડાં લેજો. 4 જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે તે જગ્યા છોડતા સુધી ત્યાં જ રહો. 5 જો શહેરના લોકો તમારું સ્વાગત ન કરે તો શહેરની બહાર જઈને તમારા પગ પર લાગેલી ધૂળ ખંખેરી નાખજો. આ તમને ચેતવણીરૂપ બનશે.”
6 તેથી તે શિષ્યો બહાર નીકળ્યા. તેઓ બધા ગામડાઓમાંથી પસાર થયા. તેઓ સુવાર્તા પ્રગટ કરતાં અને સર્વત્ર લોકોને સાજા કરતાં ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International