Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.
1 હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો;
અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
2 દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો;
અને ખૂની માણસોથી તમે મને બચાવો.
3 ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે!
હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે,
કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
4 જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે.
હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
5 હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ;
આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો;
તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.
6 તેઓ સંધ્યાકાળે પાછા આવે છે,
અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
નગરની આસપાસ ફેરા ખાય છે.
7 તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે.
તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે.
તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.
8 હે યહોવા, તમે તેઓને હસી કાઢો;
અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
9 હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ;
તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.
10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે.
તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.
11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો,
કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.
12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે,
તેઓના જ હોઠે અસત્ય બોલે છે,
પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો;
જેથી સંપૂર્ણ વિનાશ થાય;
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે,
અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.
14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે,
અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.
15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે,
તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ,
સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ,
કારણ તમે મારા મજબૂત ગઢ છો;
અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું;
કારણ તમે મારા મજબૂત ગઢ છો,
દેવ, તમે મને પ્રેમ કરનારા છો.
યિઝએલ જતો યેહૂ
14 આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ-ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.
15 પણ ઘાયલ થયા પછી યોરામ સાજો થવા માટે યિઝએલ પાછો ફર્યો હતો, જે માણસો ત્યાં યેહૂની સાથે હતા તેઓને યેહૂએ કહ્યું, “જો તમે મને રાજા બનાવવા ઇચ્છતા હો તો આપણે અહીં જે વાત કરી છે તેની તમારામાંથી કોઇપણ યિઝએલમાં જઇને આ વાત કહેશે નહિ.”
16 પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.
17 યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમાં એક ટૂકડી આવતી દેખાય છે.”
ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”
18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?’”
યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?”
આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”
19 રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?”
યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો”
20 ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.”
21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”
અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.
22 યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?”
યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”
23 આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!”
24 પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.
25 યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “એને ઉપાડીને નાબોથના ખેતરમાં નાખી દે. યાદ છે, તું અને હું એના બાપ આહાબની પાછળ પાછળ ઘોડે બેસીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરૂદ્ધ એવી દેવવાણી ઉચ્ચારી હતી ને યાદ કર. યહોવા કહે છે; 26 ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમાં ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”
ખ્રિસ્તમાં એક
11 તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.) 12 યાદ રાખજો કે ભૂતકાળમાં તમે ખ્રિસ્ત વિહીન હતા. તમે ઈસ્રાએલના[a] નાગરિક નહોતા. અને દેવે લોકોને જે વચન આપ્યું હતું, તેની સાથે તમે કરારબદ્ધ નહોતા. તમે દેવને ઓળખતા નહોતા અને તમારી પાસે કોઈ આશા નહોતી. 13 હા, કોઈ એક સમયે તમે દેવથી ઘણા દૂર હતા પરંતુ હવે ખ્રિસ્ત ઈસુ થકી તમે દેવની નજીક આવ્યા છો. ખ્રિસ્તના રક્તથી તમે દેવની સાનિધ્યમાં આવ્યા.
14 ખ્રિસ્તને કારણે હવે આપણને શાંતિ પ્રદાન થઈ છે. યહૂદી અને બિનયહૂદીઓ અત્યાર સુધી એકબીજાથી વિમુખ હતા જાણે કે તેઓની વચ્ચે એક દીવાલ ઊભી ના હોય! પરંતુ ખ્રિસ્તે આ બને લોકોને (યહૂદી અને બિનયહૂદી) એકતાનો અનુભવ કરાવ્યો. ખ્રિસ્તે પોતાના શરીરનું બલિહાન આપી આ બને પ્રજા વચ્ચેની ધિક્કારની દીવાલનો નાશ કર્યો. 15 યહૂદી નિયમમાં ઘણી આજ્ઞાઓ અને નિયંત્રણો હતાં. પરંતુ ખ્રિસ્તે આ નિયમનો જ અંત આણ્યો, ખ્રિસ્તનો હેતુ બે ભિન્ન પ્રકારના જનસમૂહને (યહૂદી અને બિનયહૂદી) એક નૂતન જનસમૂહના રૂપે તેનામાં પ્રસ્થાપિત કરવાનો હતો. અને આમ કરીને ખ્રિસ્તે શાંતિ સ્થાપી. 16 વધસ્તંભના બલિદાનથી ખ્રિસ્તે બે સમૂહ વચ્ચેના ધિક્કારનો અંત આણ્યો. અને બે સમૂહને એક અંગભૂત બનાવ્યા, તેથી તે તેઓને દેવ સમક્ષ લાવી શકે. અને વધસ્તંભ ઉપરના પોતાના મૃત્યુથી ખ્રિસ્તે આમ કર્યુ. 17 તમે લોકો જે દેવથી ઘણા જ વિમુખ હતા, તેઓને ખ્રિસ્તે શાંતિની સુવાર્તા આપી, અને જે લોકો દેવની નજીક હતા તેઓને પણ શાંતિની સુવાર્તા આપી. 18 હા, ખ્રિસ્ત થકી જ આપણને બન્નેને એક આત્મા વડે બાપના સાનિધ્યમાં આવવાનો અધિકાર છે.
19 તો હવે તમે બિનયહૂદીઓ, દેવના પવિત્રો માટે મહેમાન કે અજાણ્યા નથી. હવે તમે દેવના પવિત્રો સાથે નાગરિક છો. દેવના કુટુંબના સભ્ય છો. 20 તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે. 21 આ આખો આવાસ ખ્રિસ્તમાં એકબીજાની સાથે સંયોજિત છે. અને ખ્રિસ્તના પ્રયત્નોથી તેનો વિકાસ થાય છે અને પ્રભૂમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. 22 અને ખ્રિસ્તમાં તમે લોકો અન્ય બીજા સાથે જોડાઈ ગયા છો. તમને તે જગ્યાએ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યાં આત્મા દ્વારા દેવનો વાસ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International