Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.
1 હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો;
અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
2 દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો;
અને ખૂની માણસોથી તમે મને બચાવો.
3 ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે!
હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે,
કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
4 જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે.
હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
5 હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ;
આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો;
તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.
6 તેઓ સંધ્યાકાળે પાછા આવે છે,
અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
નગરની આસપાસ ફેરા ખાય છે.
7 તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે.
તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે.
તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.
8 હે યહોવા, તમે તેઓને હસી કાઢો;
અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
9 હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ;
તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.
10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે.
તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.
11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો,
કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.
12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે,
તેઓના જ હોઠે અસત્ય બોલે છે,
પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો;
જેથી સંપૂર્ણ વિનાશ થાય;
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે,
અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.
14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે,
અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.
15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે,
તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ,
સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ,
કારણ તમે મારા મજબૂત ગઢ છો;
અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું;
કારણ તમે મારા મજબૂત ગઢ છો,
દેવ, તમે મને પ્રેમ કરનારા છો.
યેહૂનો રાજયાભિષેક
9 આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા. 2 તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે. 3 પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”
4 તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો. 5 તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા.
તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.”
યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”
6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું. 7 તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે. 8 હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ. 9 નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ. 10 યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.’”
પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.
યેહૂને રાજા ઘોષિત કરતા નોકરો
11 યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?”
યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”
12 અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, “તેના કેહવાનો સાર આ હતો: ‘તેણે કહ્યું, આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’”
13 વાત સાંભળીને તે લોકોએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”
ખ્રિસ્તમાં દેવનું સાર્મથ્ય અને જ્ઞાન
18 જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે. 19 શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:
“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ.
હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” (A)
20 જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે. 21 તેમના આ જ જ્ઞાન વડે દેવ આવું ઈચ્છતો હતો: દુનિયા પોતાના જ્ઞાનથી દેવને ન ઓળખી શકી ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવે ઈચ્છયું.
22 યહૂદિઓ પ્રમાણ તરીકે ચમત્કારોની માગણી કરે છે. ગ્રીકો શાણપણ માગે છે. 23 પણ અમે આવો ઉપદેશ આપીએ છીએ: ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. આ યહૂદિઓ માટે અસ્વીકાર્ય છે. અને બિનયહૂદિઓને આ મૂર્ખામી ભરેલું લાગે છે. 24 દેવે જેને બોલાવ્યો તેવા યહૂદિ (પસંદ કરેલા) અને ગ્રીક લોકો માટે ખ્રિસ્ત તો દેવનું સાર્મથ્ય તથા જ્ઞાન છે. 25 દેવની મૂર્ખતા પણ માણસો કરતાં વધુ જ્ઞાનવાળી હોય છે. દેવની નિર્બળતા પણ માણસો કરતાં વધુ શક્તિશાળી હોય છે.
26 ભાઈઓ અને બહેનો, દેવે તમને પસંદ કર્યા. તેના વિષે વિચાર કરો! અને દુનિયા જે રીતે જ્ઞાનને મુલવે છે, તે રીતે તમારામાંના ઘણા જ્ઞાની ન હતા. તમારામાના ઘણાનો વિશિષ્ટ પ્રભાવ ન હતો. કે તમારામાંના ઘણા વિશિષ્ટ ખાનદાનમાંથી પણ આવતા ન હતા. 27 જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી. 28 જગત જેને બિનમહત્વનું ગણે છે, અને જેને દુનિયા ધિક્કારે છે જે કશું જ નથી. દેવ તેને પસંદ કરે છે. જેને જગતે મહત્વનું ગણ્યું તેનો વિનાશ કરવા માટે દેવે પસંદ કર્યુ. 29 કોઈ પણ માણસ દેવ સામે બડાશ મારી શકે નહિ તેથી દેવે આમ કર્યુ. 30 દેવ એક જ છે જે આપણને ખ્રિસ્ત ઈસુના અંશરૂપ બનાવે છે. દેવ તરફથી ખ્રિસ્ત આપણું શાણપણ બન્યો છે. ખ્રિસ્તના કારણે આપણે દેવે પ્રત્યે ન્યાયી છીએ. ખ્રિસ્તના કારણે પાપમાંથી મુક્તિ મળી છે. ખ્રિસ્તના કારણે જ આપણે પવિત્ર છીએ. 31 તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”(B)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International