Revised Common Lectionary (Semicontinuous)
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
હું શોક કરતો ફરૂં છું.
3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 તમે મારા અતિઆનંદ છો,
તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
અને મદદ માટે પ્રાર્થના કરીશ.
3 પ્રામાણિક માણસની વિશ્વસનીયતા તેને દોરે છે, પણ ધોખેબાજની વક્રતા તેના દુષ્ટ ઇરાદાને છુપાવે છે.
4 જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.
5 પ્રામાણિક માણસની નીતિમત્તા તેનો માર્ગ સાફ કરે છે, પણ ખરાબ વ્યકિતની દુષ્ટતા જ તેને પાયમાલ કરે છે.
6 માણસો પોતાની ભલાઈથી બચી જશે. પરંતુ કપટ કરનારા તેમની પોતાની ઇચ્છાઓની જ જાળમાં ફસાય છે.
7 દુષ્ટ માણસનું મોત આવતાં તેની અભિલાષાનો અંત આવે છે, તેણે પોતાની સંપત્તિમાં રાખેલી આશાનો પણ અંત આવે છે.
8 સદાચારી લોકો સંકટમાંથી ઊગરી જાય છે અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે.
9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.
10 ન્યાયી વ્યકિત સફળ થાય છે ત્યારે આખું નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
11 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે.
12 જે વ્યકિત પોતાના પડોશી માટે ખરાબ બોલે છે તેનામાં અક્કલ હોતી નથી. પણ સમજુ માણસ મૂંગો રહે છે.
13 કૂથલી ખોર વ્યકિત છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યકિત રહસ્ય સાચવે છે.
ઈસુએ વધુ લોકોને સાજા કર્યા
27 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા માણસો તેની પાછળ પાછળ ગયા. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા. “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.”
28 ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.”
29 પછી તેઓની આંખોને સ્પર્શ કરી ઈસુ બોલ્યો, “તમે વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે થાઓ.” 30 અને તરત જ તેઓ દેખતા થયા. ઈસુએ તેઓને કહ્યું, “તમે આ વિષે કોઈને વાત ન કરતા.” 31 પરંતુ આંધળા માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુની આ કીર્તિ તેઓએ આખા વિસ્તારમાં ફેલાવી.
32 આગળ જતાં લોકો ઈસુની પાસે બીજા એક માણસને લઈને આવ્યા, આ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તે મૂંગો હતો. 33 ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.”
34 પરંતુ ફરોશીઓએ કહ્યું, “તે (ઈસુ) અશુદ્ધ આત્માના સરદાર (શેતાન) થી જ અશુદ્ધ આત્માઓને કાઢે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International