Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 124

મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
    જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
    ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
    અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
    અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
તે અભિમાની માણસોએ અમને
    પાણીમાં ડૂબાડી દીધા હોત.

યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
    અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
    તેમ અમારા જીવ બચી ગયા છે;
    જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
    યહોવા જ અમારા મદદગાર છે.

દાનિયેલ 1

રાજાનો સલાહકાર દાનિયેલ

યહૂદા રાજાના યહોયાકીમના રાજ્યમાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ત્રીજા વર્ષમાં યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી તેની ફરતે ઘેરો ઘાલ્યો. અને યહોવાએ યહૂદાના રાજા યહોયાકીમને તથા મંદિરના થોડા વાસણો નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધાં. નબૂખાદનેસ્સાર બંધકોને શિનઆર પ્રાંતમાં લઇ ગયો; અને તે વાસણો પોતાના દેવના મંદિરનાં ભંડારમાં મૂકી દીધા.

પછી મુખ્ય ખોજા આસ્પનાઝને તેણે આજ્ઞા કરી કે, બંદી તરીકે પકડી લાવેલા ઇસ્રાએલી યુવાનોમાંથી રાજવંશી અને અમીર કુટુંબોના કેટલાક યુવાનોને પસંદ કર. જે યુવાનોમાં કોઇ પણ પ્રકારની ખોડખાંપણ ન હોય, પણ ઘણા રૂપાળા, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનનાં જાણકાર હોય, વળી રાજમહેલમાં રહેવાને લાયક હોય, એવા ઇસ્રાએલી યુવાનોને પસંદ કરીને તું તેઓને ખાલદીઓની ભાષા તથા લખાણ વિષે શીખવ.

રાજા, પોતે જે ભોજન લેતો હતો અને જે દ્રાક્ષારસ પીતો હતો તે જ તેમને પણ દરરોજ આપવામાં આવે એમ ઠરાવ્યું. તેમને ત્રણ વરસ સુધી શિક્ષણ આપવાનું હતું અને ત્રણ વર્ષને અંતે તેમને રાજા સમક્ષ રજૂ કરવાના હતાં. એ પસંદ કરાયેલા યુવાનોમાં યહૂદાના કુળસમૂહનાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ અને અઝાર્યા હતા. પરંતુ રાજાના મુખ્ય ખોજાએ તેમનાં નામ અનુક્રમે દાનિયેલને બેલ્ટશાસ્સાર, હનાન્યાને શાદ્રાખ, મીશાએલને મેશાખ અને અઝાર્યાને અબેદ-નગો પાડ્યાં.

દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, રાજાનું ભોજન કે, તેનો દ્રાક્ષારસ લઇને મારે મારી જાતને ષ્ટ કરવી નહિ. આથી તેણે આસ્પનાઝને વિનંતી કરી: મને ષ્ટ થવાની ફરજ ન પાડશો.

હવે જ્યારે દેવે કૃપા કરી છે અને આસ્પનાઝના હૃદયમાં દાનિયેલ પ્રત્યે માન હતું તેથી તેણે દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. અને તેને કહ્યું, 10 “મને રાજાની બીક લાગે છે. તેમણે તમારે શું ખાવું ને પીવું તે ન ક્કી કરી આપ્યું છે અને જો તેઓ જોશે કે, તમારી ઉંમરના બીજા છોકરાઓ કરતાં તમે શરીરે નબળા છો, તો તમે રાજા સમક્ષ મારું માથું ભયમાં મૂકી દેશો.”

11 ત્યારે દાનિયેલે, હનાન્યા, મીશાએલ અને અઝાર્યાની દેખરેખ માટે આસ્પનાઝે નીમેલા કારભારીને કહ્યું, 12 “તમે દશ દિવસ માટે આ પ્રમાણે અખતરો કરી જુઓ; અમને ફકત શાકાહારી ખોરાક અને પીવા માટે માત્ર પાણી આપો. 13 પછી જે યુવાનોને રાજાએ ઠરાવી આપેલો ખોરાક આપો તેમની સાથે અમારી સરખામણી કરો અને જે પ્રમાણે તમે જુઓ તે મુજબ અમારી સાથે વતોર્.”

14 આખરે ચોકીદારે તેમની અરજ સાંભળી અને દશ દિવસ તેમની કસોટી કરી. 15 દશ દિવસને અંતે જે યુવાનો રાજાએ ઠરાવી આપેલો ખોરાક લેતા હતા તે બધાં કરતાં તેઓ વધારે તંદુરસ્ત અને હૃષ્ટપૃષ્ટ થવા માંડ્યાં. 16 તેથી ચોકીદારે તેઓને સ્વાદિષ્ટ ખોરાક અને દ્રાક્ષારસને બદલે ફકત શાકભાજી અને પાણી આપવાનું ચાલુ રાખ્યું.

17 આ ચારે છોકરાઓને દેવે સાહિત્યનું અને બધી કળાઓનું જ્ઞાન આપ્યું અને તેણે દાનિયલનેએ સંદર્શનો અને સ્વપ્નોને સમજવાની શકિત આપી.

18 રાજાએ જણાવેલા હુકમ પ્રમાણે ત્રણ વરસનું શિક્ષણ પુરું થયું એટલે આસ્પાનાઝ બધા યુવાનોને પરીક્ષા માટે રાજાની પાસે લઇ ગયો. 19 રાજા નબૂખાદનેસ્સારે તેઓની સાથે વાતચીત કરી; તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાના જેવા બીજા કોઇ ન મળ્યા. તેથી રાજા વધારે પ્રભાવિત થયો અને તેઓને રાજાના સલાહકાર મંડળમાં સામેલ કર્યા. 20 જ્ઞાન અને કળાની બાબતમાં રાજાએ તેમને જે કઇં પૂછયું તે બધામાં તેઓનાં રાજ્યના બધા મંત્રવિદો અને જાદુગરો કરતાં દસગણા વધુ ચડિયાતા માલૂમ પડ્યા. 21 રાજા કોરેશના અમલના પહેલાં વર્ષ સુધી દાનિયેલ રાજદરબારમાં કાયમ રહ્યો.

લૂક 1:46-55

મરિયમ દેવની સ્તુતિ કરે છે

46 પછી મરિયમે કહ્યું,

47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
    મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
    અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
    બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
    તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
    તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
    અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
    પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
    દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International