Revised Common Lectionary (Semicontinuous)
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું;
હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
5 હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો,
અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
6 સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું.
અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
7 હું સાચું જ બોલીશ,
જૂઠાને હું ધિક્કારું છું.
8 મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે,
હું તમને જૂઠ્ઠું કે ગેર માર્ગે દોરનારું નહિ બોલું.
9 સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે.
અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 રૂપાને બદલે મારી સલાહ લો
અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે.
એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.
જ્ઞાન શું કરે છે
12 “હું જ્ઞાન છું,
વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે,
અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
13 યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું,
અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ,
અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
14 મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે.
મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
15 મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે
અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે
અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું.
અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 ધન અને સન્માન મારા હાથમાં છે.
મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે.
અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
20 હું સદાચારને માર્ગે ચાલું છું,
મારો રસ્તો ન્યાયનો છે.
21 મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું
અને તેમના ભંડારો ભરપૂર કરું છું.
15 તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ જ ચોક્કસ બનો, અને નિર્બુદ્ધ લોકો જેવું જીવન ના જીવો પરંતુ તે લોકોના જેવું જીવન જીવો જે ડાક્યા છે. 16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે. 17 તેથી તમારા જીવન પ્રત્યે મૂર્ખ વ્યવહાર ન કરો. પણ તેને બદલે પ્રભુ તમારી પાસે શું કાર્ય કરાવવા ઈચ્છે છે તે શીખો. 18 મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ. 19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ. 20 હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International