Revised Common Lectionary (Semicontinuous)
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
મોહપાશ
7 મારા દીકરા, મારા વચનો પાળજે. અને મારી આજ્ઞા યાદ રાખજે. 2 તારે જીવવું હોય તો મારી આજ્ઞાઓનું પાલન કરજે, અને મારા ઉપદેશને તારી આંખની કીકીની જેમ જાળવજે, 3 એને તારી આંગળીએ બાંધજે, એને તારા હૃદય પર લખજે. 4 જ્ઞાનને કહે કે તું મારી બહેન છે, અને બુદ્ધિને “તું મારું કુટુંબ છે.”
7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે. 8 તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે,
“તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો,
અને લોકોને દાન આપ્યાં.” (A)
9 “તે ઊંચે ચઢયો,” તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો. 10 તેથી ખ્રિસ્ત પૃથ્વી પર નીચે આવેલો, તેનું જ ઉર્ધ્વગમન થયું. ખ્રિસ્ત બધી વસ્તુઓને તેનાથી ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊચે ચઢયો. 11 અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું. 12 દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં. 13 આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ.
14 પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે. 15 ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ. 16 આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International