Revised Common Lectionary (Semicontinuous)
જ્ઞાનનું સ્તવન
8 જ્ઞાન બોલાવે છે
અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
2 ડુંગરની ટોચે,
રસ્તે ઘાટે, ચોરેચૌટે
3 અને શહેરમાં પ્રવેશવાના દરવાજા
આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:
4 “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું;
હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
22 “યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં,
લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.
23 લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ
મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા
ત્યારે મારો જન્મ થયો હતો.
25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં,
ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.
26 હજી યહોવાએ પૃથ્વી સર્જી નહોતી કે ખેતરો પણ સર્જ્યા નહોતાં.
અરે! ધૂળની કણી પણ સર્જી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું,
અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ;
અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.
29 જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી
અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી.
અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી;
અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી;
અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.
31 તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી.
અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતો.
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
દેવ સાથે ન્યાયી
5 આપણા વિશ્વાસને કારણે આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. તેથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ સાથે આપણો સુલેહ-શાંતિનો સંબંધ સ્થાપિત થયો છે. 2 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને ગર્વ છે. 3 આ બાબતમાં જે કઈ વિપત્તિઓ છે તેનો આપણે સ્વીકાર કરેલો જ છે. આપણે આ વિપત્તિઓને આનંદપૂર્વક શા માટે સ્વીકારીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિપત્તિઓ, જ આપણને વધારે ધીરજવાન બનાવે છે. 4 આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે. 5 આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. “પવિત્ર આત્મા” દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ “પવિત્ર આત્મા” આપણને પ્રાપ્ત થયો છે.
12 “હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે. 13 પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે. 14 સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે. 15 પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International