Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
જ્ઞાનની ફળશ્રુતિ
4 દીકરાઓ, પિતાનો ઉપદેશ ધ્યાનથી સાંભળો, અને સમજણ મેળવવા માટે ધ્યાન આપો. 2 હું તમને ઉત્તમ બોધ આપુ છું. મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
3 જ્યારે હું મારા પિતાના ઘરનો સભ્ય હતો, જ્યારે હું મારી માતાની દ્રષ્ટિએ એકનો એક યુવાન દીકરો હતો. 4 ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતુ કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે, અને મારા આજ્ઞાઓને રાખજે અને તું જીવીશ. 5 જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ. 6 જ્ઞાનનો ત્યાગ ન કરીશ, તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે, તે તારી સંભાળ રાખશે.
7 “જ્ઞાન પ્રાપ્ત કરવાનું પહેલું પગથિયું છે: જ્ઞાન મેળવો! તારા સર્વસ્વને ભોગે પણ જ્ઞાન પ્રાપ્ત કરજે. 8 તું એમનું સન્માન કરીશ તો એ તને ઊંચે ચઢાવશે; તું જો તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે. 9 તે તને હારનો શણગાર અને સુશોભિત મુગટ પહેરાવશે.”
41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.
46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”
49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.
51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International