Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.
1 હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.
2 નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
4 પછી મને આશ્ચર્ય થાય છે,
કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
7 એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
8 વળી આકાશનાં પક્ષીઓ,
સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
9 હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.
19 યહોવાએ પૃથ્વીને જ્ઞાનથી અને આકાશને સમજશકિતથી ભરીને સ્થાપન કર્યા છે. 20 તેના જ્ઞાનને પ્રતાપે પાતાળમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળ્યા છે, અને વાદળોમાંથી વરસાદ વરસે છે.
21 મારા દીકરા, તેઓને તારી નજર આગળથી દૂર થવા દઇશ નહિ, વ્યવહારૂ ક્ષમતા, વિવેકબુદ્ધિ, અને સાર્મથ્યને પકડી રાખજે. 22 તો તેઓ તને જીવન આપશે અને તારા ગળાનો હાર બની રહેશે. 23 પછી તું તારા માર્ગે સુરક્ષિત જઇ શકીશ અને ઠોકર ખાઇને લથડશે નહિ. 24 સૂતી વખતે તને કોઇ ડર રહેશે નહિ. અને તું મીઠી ઊંઘ લઇ શકીશ. 25 ઓચિંતા ભયથી કે દુષ્ટ માણસો પર આવતા સર્વનાશથી તું ગભરાઇશ નહિ. 26 કારણ કે યહોવા તારી જોડે રહેશે અને તારા પગને ફસાઇ જતાં બચાવશે.
શરીરની એક્યતા
4 હું પ્રભુમાં આધિન છું તેથી હું બંદી ગૃહમાં છું અને દેવે તમને તેના લોકો તરીકે પસંદ કર્યો છે. હું તમને કહું છું દેવના લોકો જેવું જીવન જીવો. 2 હમેશા વિનમ્ર અને દીન બનો. ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો. 3 આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે. 4 જે રીતે એક શરીર અને એક આત્મા છે તે જ રીતે દેવે તમને એક આશા રાખવા બોલાવ્યા છે. 5 એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે. 6 દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International