Revised Common Lectionary (Semicontinuous)
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
1 યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
2 કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
3 તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
4 પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
5 જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
6 તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
7 દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
8 આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
9 હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.
14 ફરીથી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, 15 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમમાં અત્યારે જે લોકો રહે છે તે લોકો તારા વિષે અને દેશવટો ભોગવતા તારા બધા ઇસ્રાએલી જાતભાઇઓ વિષે એમ કહે છે કે, ‘એ લોકોને તો યહોવાથી દૂર કાઢવામાં આવ્યા છે; દેશ તો અમને સોંપી દેવામાં આવ્યો છે; એ અમારી મિલકત છે.’
16 “તેથી યહોવા અમારા માલિક કહે છે: ‘જો કે મેં તેઓને વિશ્વના વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા છે છતાં પણ તેઓ જે દેશમાં છે ત્યાં હું તેઓને માટે એક નાના પવિત્રસ્થાનરૂપ થઇશ. 17 તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ. 18 જ્યારે તેઓ અહીં પાછા આવે ત્યારે તેમણે અહીંથી બધી ધૃણાજનક મૂર્તિઓને અને આચારોને હઠાવી દેવાના છે. 19 હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ. પછી તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મેં જણાવેલ માર્ગે ચાલશે. 20 જ્યારે તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મારા બતાવેલા માર્ગ પર ચાલશે. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો દેવ થઇશ.’”
21 “પરંતુ જેઓ ધૃણાજનક અપવિત્ર મૂર્તિઓની પૂજાને વળગી રહેશે, હું તેમને તેમના બધાં કૃત્યો માટે જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે. 22 પછી કરૂબો ઊંચે ઊડવા લાગ્યા અને પૈડાં પણ તેમની સાથે સાથે પર ગયાં. ઇસ્રાએલના દેવનો મહિમા તેઓની પર આચ્છાદીત હતો. 23 પછી યહોવાનો મહિમા શહેર પરથી ખસીને પૂર્વ ભાગ તરફ આવેલા પર્વત પર ગયો. 24 ત્યાર બાદ સંદર્શનમાં દેવના આત્માએ મને ફરીથી ઉપાડીને બાબિલમાં દેશવટો ભોગવનારાઓ વચ્ચે લાવી મૂક્યો અને ત્યાં સંદર્શન લોપ થયું, 25 અને યહોવાએ મને જે બતાવ્યું હતું તે સર્વ મેં બંદીવાનોને કહી સંભળાવ્યું.
12 જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ.
13 જ્યારે અમે આ વાતો કહીએ છીએ ત્યારે અમે મનુષ્યે શીખવેલા શબ્દો વાપરતા નથી. અમે આત્માએ શીખવેલા શબ્દો વાપરીએ છીએ. અમે આત્મિક બાબતો સમજાવવા આત્મિક શબ્દો વાપરીએ છીએ. 14 જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે. 15 પરંતુ આધ્યાત્મિક મનુષ્ય પ્રત્યેક બાબતોની મૂલવણી કરવા માટે સક્ષમ હોય છે. બીજા લોકો તેને મૂલવી શક્તા નથી. 16 શાસ્ત્રલેખ કહે છે કે:
“પ્રભુનું મન કોણ જાણી શકે?
પ્રભુએ શું કરવું તે કોણ તેને કહી શકે?” (A)
પરંતુ આપણી પાસે ખ્રિસ્તનું મન છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International