Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
2 યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
આવો અને તેમનું ભજન કરો.
3 યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
4 યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
5 યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
8 યહોવાના સાદના પડઘા રણને,
અને કાદેશના રણને ધ્રુજાવે છે.
9 યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”
10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.
કરારકોશની મંદિરમાં સ્થાપના
2 ત્યારબાદ સુલેમાને, યહોવાના કરારકોશને સિયોનમાંથી લઇ આવવા માટે, ઇસ્રાએલના બધા આગેવાનોને બધા કુળસમૂહોના અને કુટુંબોના વડીલોને બોલાવ્યા. 3 ઇસ્રાએલના સર્વ પુરુષો એથાનિમ એટલે કે સાતમા મહિનામાં માંડવાપર્વને ટાણે રાજા સમક્ષ ભેગા થયા.
4 ઇસ્રાએલના સર્વ વડીલો આવી ગયા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો. 5 લેવીઓ તથા યાજકો કરારકોશને અને મુલાકાતમંડપને તેમાની બધી પવિત્ર સાધનસામગ્રી સહિત ઉપાડી મંદિરે લઇ ગયા. 6 રાજા સુલેમાને અને ભેગા થયેલા આખા ઇસ્રાએલી સમાજે કરારકોશ સમક્ષ ગણ્યાં ગણાય નહિ એટલા ઘેટાં અને બળદોની આહુતિ ચઢાવી. 7 ત્યારબાદ યાજકો યહોવાના કરારકોશને તેને સ્થાને ગર્ભગૃહમાં લઇ આવ્યાં એટલેકે પરમપવિત્રસ્થાનમાં કરૂબ દેવદૂતોની પાંખો નીચે. 8 કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી. 9 કરારકોશના દાંડા ઘણા લાંબા હતા અને પરમપવિત્રસ્થાનની બહારના ભાગમાંથી દેખાતા હતા; પરંતુ દરવાજાની બહારથી દેખાતા નહોતા. આજે પણ કરારકોશ ત્યાં જ છે. 10 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમની સાથે કરેલા કરારની પથ્થરની બે તકતીઓ મૂસાએ હોરેબ પર્વત ખાતે કરારકોશમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.
11 બધા યાજકોએ પોતાને વિશુદ્ધ કર્યા હતાં જ્યારે યાજકો પવિત્રસ્થાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેઓ સાથે ઉભા હતાં પણ હમેશ મુજબના સમૂહમાં ન હતાં. 12 તે વખતે લેવીઓ યહોવાની આરાધના કરતા હતા. ગાયકગણમાં આસાફ, હેમાન, યદૂથૂન અને તેઓના સર્વ પુત્રો અને ભાઇઓ હતા. તેઓ સફેદ શણના ઝભ્ભા પહેરીને વેદીની પૂર્વ બાજુએ ઊભા હતા. તેઓ સંગીતનાં સાધનો વગાડતા હતા. રણશિંગડા વગાડતા 120 યાજકો તેઓની સાથે હતા. 13 વાજિંત્રો વગાડનારા અને ગીત ગાનારા એક સૂરે યહોવાની આરાધના કરતા હતા. અને આભાર માનતા હતા. તેઓના ગીતો સાથે રણશિંગડા, ઝાંઝ, અને અન્ય વાજિંત્રોનો મોટો અવાજ દૂર સુધી ફેલાતો હતો. તેઓ સર્વ પણ યહોવાની સ્તુતિ કરતા હતા, અને આભાર માનતા હતા:
“દેવ ઉત્તમ છે!
તેમનો પ્રેમ સર્વકાળ ટકે છે.”
14 તે જ સમયે તેજસ્વી વાદળરૂપે યહોવાનું ગૌરવ ઉતરી આવ્યું. અને મંદિર તેનાથી ભરાઇ ગયું, તેથી યાજકો સેવા કરવા માટે મંદિરમાં ઊભા રહી શક્યાં નહિ.
પાઉલ તેના કાર્ય વિષે કહે છે
19 પાઉલે બોલવાનું ચાલુ રાખ્યું: “રાજા અગ્રીપા, જ્યારે મેં આ આકાશી દર્શન જોયું, પછી મેં તેની આજ્ઞા માની. 20 મેં લોકોને કહેવાનું શરું કર્યુ. તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને દેવ પાસે પાછા ફરવું જોઈએ. મેં તે લોકોને કહ્યું કે તેઓએ ખરેખર પસ્તાવો કર્યો છે તે દર્શાવવા તેવાં કામો કરવાં જોઈએ. મેં સર્વ પ્રથમ આ વસ્તુઓ દમસ્કના લોકોને કહી. પછી હું યરૂશાલેમના તથા યહૂદિઓના દરેક ભાગમાં ગયો અને આ વાતો ત્યાં લોકોને કહી અને બિનયહૂદિ લોકો પાસે પણ હું ગયો.
21 “આ કારણથી જ યહૂદિઓએ મને પકડીને અને મંદિરમાં મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. 22 પણ દેવે મને મદદ કરી અને હજુ આજે પણ તે કરે છે. હું અહીં ઊભો છું કારણ કે મને દેવની મદદ મળી છે અને મેં જે કંઈ જોયું છે તે બધું લોકોને હું કહું છું. પણ હું કશું પણ નવું કહેતો નથી. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે તે થશે એ જ વાત હું કહું છું. 23 તેઓએ કહ્યું છે કે ખ્રિસ્ત મૃત્યુ પામશે અને તે પ્રથમ જ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે ખ્રિસ્ત યહૂદિ લોકો અને બિનયહૂદિ લોકો માટે પ્રકાશ લાવશે.”
પાઉલનો અગ્રીપાને સમજાવવાનો પ્રયત્ન
24 જ્યારે પાઉલ તેની જાતે બચાવમાં આ વાતો કહેતો હતો ત્યારે ફેસ્તુસે પોકાર કર્યો, “પાઉલ, તું ઘેલો છે! વધુ પડતી વિધાએ તને ઘેલો બનાવ્યો છે!”
25 પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી. હું જે વાતો કહું છું તે સાચું છે. મારાં વચનો એ એક મૂર્ખ માણસનાં વચનો નથી. હું ગંભીર છું. 26 રાજા અગ્રીપા આ વસ્તુઓ વિષે જાણે છે કે હું તેની સાથે મુક્ત રીતે વાત કરી શકું છું. હું જાણું છું કે તેણે આ બધી વાતો વિષે સાંભળ્યું છે. શા માટે? કારણ કે આ વાતો જ્યાં બધા લોકો જોઈ શકે ત્યાં બને છે. 27 રાજા અગ્રીપા, પ્રબોધકોએ જ લખ્યું છે તે વાતોમાં તને વિશ્વાસ છે? હું જાણું છું કે તું વિશ્વાસ કરે છે!”
28 રાજા અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું એમ વિચારે છે કે મને આટલી સહેલાઇથી ખ્રિસ્તી થવા માટે સમજાવી શકીશ?”
29 પાઉલે કહ્યું, “એ બહુ મહત્વનું નથી કે તે સહેલું છે કે કઠિન છે, હું દેવને પ્રાર્થના કરું છું કે માત્ર તું જ નહિ પરંતુ પ્રત્યેક વ્યકિત્ જે આજે મને ધ્યાનથી સાંભળે છે તેઓ બચાવાશે-મારે જે બેડીઓ છે તે સિવાય મારા જેવા થશે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International