Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રેરિતોનાં કૃત્યો 16:16-34

પાઉલ અને સિલાસ કારાવાસમાં

16 જ્યારે અમે પ્રાર્થના માટેની જગ્યાએ જતા હતા ત્યારે એક વખતે અમારી સાથે કંઈક બન્યું. એક જુવાન દાસી અમને મળી. તેનામાં એક અગમસૂચક આત્મા[a] હતો. આ આત્મા તેને ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવાનું સાર્મથ્ય આપતો. આમ કરવાથી તેણે ખૂબ પૈસા તેના માલિકને કમાવી આપ્યા. 17 આ છોકરી પાઉલને અને અમને અનુસરી. તેણીએ મોટે સાદે કહ્યું, “આ માણસો પરાત્પર દેવના સેવકો છે! તેઓ તમને કહે છે તમારું તારણ કેવી રીતે થશે?” 18 ઘણા દિવસો સુધી તેણે આ કરવાનું ચાલુ રાખ્યું. પાઉલ બેચેન હતો. તેથી તેણે તેના તરફ ફરીને આત્માને કહ્યું, “ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી હું તને આજ્ઞા કરું છું કે તું એનામાંથી બહાર નીકળી જા!” તરત જ તે આત્મા બહાર નીકળી ગયો.

19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા. 20 તે માણસો પાઉલ અને સિલાસને આગેવાનોની આગળ લાવ્યા અને કહ્યું, “આ માણસો યહૂદિઓ છે. તેઓ આપણા શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરે છે, 21 તેઓ લોકોને એવું કહે છે, જે આપણા માટે યોગ્ય નથી. આપણે રોમન નાગરિકો છીએ. આપણે આ વસ્તુઓ કરી શકીએ નહિ.”

22 લોકો પાઉલ અને સિલાસની વિરૂદ્ધ થયા પછી તે આગેવાનોએ પાઉલ અને સિલાસના વસ્ત્રો ફાડી નાખ્યાં અને પાઉલ અને સિલાસને ફટકા મારવાની આજ્ઞા કરી. 23 તે માણસોએ પાઉલ અને સિલાસને ઘણા ફટકા માર્યા. પછી આગેવાનોએ પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા. તે આગેવાનોએ દરોગાને કહ્યું, “સખ્ત જાપ્તા નીચે તેઓની ચોકી કરજે.” 24 દરોગાએ આ ખાસ હુકમ પાળ્યો, તેથી તેણે પાઉલ અને સિલાસને જેલમાં ખૂબ દૂર અંદરની બાજુએ પૂર્યા. તેણે તેઓના પગ બે લાકડાના મોટા ટૂકડાઓ વચ્ચે બાંધી દીધા.

25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં. 26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા. 27 સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો. 28 પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”

29 સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો. 30 પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”

31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.” 32 તેથી પાઉલ અને સિલાસે પ્રભુનું વચન દરોગા અને તેના ઘરના બધા લોકોને કહ્યું. 33 તે રાતનો મોડો સમય હતો. પરંતુ સંત્રીએ પાઉલ અને સિલાસને લઈ જઈને તેઓના ઘા ધોયા. પછી સંત્રી અને તેના બધા લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. 34 આ પછી સંત્રીએ પાઉલ અને સિલાસને ઘેર લઈ ગયો અને તેઓને માટે જમવાનું તૈયાર કરાવ્યું. તે અને તેના ઘરના બધા જ લોકોએ ખૂબ આનંદ કર્યો. કારણ કે તેઓ હવે દેવમાં વિશ્વાસ કરતા હતા.

ગીતશાસ્ત્ર 97

યહોવા શાસન કરે છે.
    હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
    સુખી થાઓ!
તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
    ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
અગ્નિ તેમની આગળ ચાલે છે
    અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
    તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
    પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
    અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.

મૂર્તિઓનું પૂજન કરનારા
    અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
    અને યહોવાની ઉપાસના કરશે.
હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
    તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
    અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
    તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
    તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
    જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
    અને તેનાં પવિત્ર નામને માન આપો!

પ્રકટીકરણ 22:12-14

12 “ધ્યાનથી સાંભળો! હું જલદીથી આવું છું! હું મારી સાથે બદલો લાવીશ. હું દરેક વ્યક્તિને તેઓના કરેલાં કાર્યોનો બદલો આપીશ. 13 હું આલ્ફા અને ઓમેગા છું. પ્રથમ અને છેલ્લો છું. હું આરંભ અને અંત છું.

14 “તે લોકો જેઓએ તેઓના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે. તેઓને જીવનના વૃક્ષમાંથી ખોરાક ખાવા માટેનો હક્ક મળશે. તેઓ દરવાજાઓમાં થઈને નગરમાં જઈ શકશે.

પ્રકટીકરણ 22:16-17

16 “મેં, ઈસુએ મારા દૂતને આ વાતો મંડળીઓને કહેવા માટે મોકલ્યો છે. હું દાઉદના પરિવારનો વંશજ છું. હું પ્રભાતનો પ્રકાશિત તારો છું.”

17 આત્મા અને કન્યા બન્ને કહે છે કે, “આવ!” પ્રત્યેક વ્યક્તિ જે આ સાંભળે છે તેણે પણ કહેવું જોઈએ, “આવ!” જો કોઈ તરસ્યો હોય, તેને આવવા દો; જો તે ઈચ્છે તો તે વ્યક્તિ વિનામૂલ્યે જીવનનું પાણી લઈ શકે.

પ્રકટીકરણ 22:20-21

20 ઈસુ કહે છે કે આ વાતો સત્ય છે. હવે તે કહે છે કે, “હા, હું જલદીથી આવું છું.”

આમીન! હે પ્રભુ ઈસુ, આવ!

21 પ્રભુ ઈસુની કૃપા સંતો પર હો! આમીન!

યોહાન 17:20-26

20 “હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે. 21 પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે. 22 મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય. 23 હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.

24 “પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે. 25 પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે. 26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International