Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
20 અને હિલિક્યાને, શાફાનના પુત્ર અહીકામને, મીખાહના પુત્ર આબ્દોનને, મંત્રી શાફાનને તથા સેવક અસાયાને હુકમ કર્યો કે, 21 “તમે જાઓ, મારી ખાતર, તેમજ ઇસ્રાએલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓને ખાતર, મળી આવેલા પુસ્તકનાં વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો; કેમ કે યહોવાનો રોષ આપણા ઉપર થયો છે તે ભયંકર છે, કારણકે આ પુસ્તકમાં જે જે લખેલું છે તે પ્રમાણે આપણા પિતૃઓએ યહોવાનું વચન પાળ્યું નથી.”
22 આ માણસો હુલ્દાહ પ્રબોધિકા પાસે ગયા અને રાજાની મુશ્કેલી જણાવી. હુલ્દાહ પ્રબોધિકા શાલ્લુમની પત્ની હતી. હાસ્રાહના પુત્ર તોકહાથનો પુત્ર શાલ્લુમ રાજાના વસ્ત્રભંડારનો ઉપરી હતો. હુલ્દાહ યરૂશાલેમનાં નવા ભાગમાં રહેતી હતી. 23 પ્રબોધકોએ ઉત્તર આપ્યો, ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “જે માણસે તમને મોકલ્યો છે તેને કહો, 24 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; ‘હું આ જગ્યા પર અને એના વતનીઓ પર આફત ઉતારનાર છું, યહૂદાના રાજા સમક્ષ વાંચવામાં આવેલા પુસ્કતમાં લખેલા બધા શાપો અમલમાં આણનાર છે. 25 કારણ, એ લોકોએ મને છોડી દઇને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યા છે. અને પોતાનાં બધાં કૃત્યોથી મારો રોષ વહોરી લીધો છે. મારો રોષ આ જગ્યા સામે ભડભડી રહ્યો છે અને એ શાંત પડવાનો નથી.’
26 “આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ‘ઇસ્રાએલના યહોવા કહે છે, 27 આ જગ્યા અને એના વતનીઓ વિરૂદ્ધ મેં ઉચ્ચારેલી ચેતવણી સાંભળીને તારું હૃદય પીગળી ગયું છે, અને પશ્ચાતાપથી તેં તારા કપડાં ફાડ્યાં છે અને તું મારી સમક્ષ રડી પડીને મને પગે લાગ્યો છે, તેથી મેં પણ તારી અરજ સાંભળી છે, 28 હું આ જગ્યા અને તેના વતનીઓ ઉપર જે આફતો ઉતારનારો છું તે તારે નજરે જોવી નહિ પડે, તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઇ જશે અને શાંતિથી કબરમાં જશે.’” આ જવાબ લઇને તેઓ રાજા પાસે ગયા.
29 પછી રાજાએ યહૂદા અને યરૂશાલેમના સર્વ વડીલોને એકત્ર થવાની આજ્ઞા કરી. 30 તેણે યાજકો, લેવીઓ અને નાનામોટા સર્વ લોકોને પોતાની સાથે મંદિરમાં એકત્ર કર્યા. રાજાએ મંદિરમાંથી મળી આવેલા કરારનાં પુસ્તકમાંથી વચનો વાંચી સંભળાવ્યા. 31 ત્યારબાદ મંચ ઉપર ઊભા રહીને રાજાએ યહોવા સમક્ષ યહોવાને અનુસરવાની, અને તેની બધી આજ્ઞાઓ, સાક્ષ્યો અને વિધિઓ પૂર્ણ હૃદયથી પાલન કરવાની, અને તે રીતે પુસ્તકમાં લખેલી કરારની બધી શરતોનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી. 32 ત્યારબાદ તેણે બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓ બધા પાસે કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. એ પછી યરૂશાલેમમાં વતનીઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા સાથેનો કરાર પાળ્યો પણ ખરો. 33 યોશિયાએ યહૂદીઓ જે પ્રદેશમાં રહેતા હતા ત્યાંથી સર્વ મૂર્તિઓ દૂર કરી, અને તેમના દેવ યહોવાનું ભજન કરવા આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના દેવ યહોવાની સેવામાં ચાલુ રહ્યાં, યહોવાના માર્ગે ચાલવામાં તેઓ જરા પણ પાછા ન પડ્યાં.
શિમયોન ઈસુને જુએ છે
25 યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.
તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો. 26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ. 27 પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા. 28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.
29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે.
30 કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.
31 તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.
32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે.
તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”
33 શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે. 35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”
હાન્ના ઈસુને જુએ છે
36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી. 37 હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.
38 તેણે ત્યાં જ તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ આ બાળક વિષે કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International