Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 93

યહોવા રાજ કરે છે,
    ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
    કે તે અચળ રહેશે.
હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
    તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
    વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
    અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
    અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
    ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
    હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

1 કાળવૃત્તાંતનું 12:16-22

દાઉદ સાથે ભળતા અન્ય સૈનિકો

16 બિન્યામીન અને યહૂદાના કુલસમૂહના કેટલાંક માણસો ગઢમાં દાઉદ પાસે આવ્યા. 17 દાઉદ તેમની સામે ગયો અને બોલ્યો, “જો તમે મિત્ર તરીકે મને મદદ કરવા આવતા હો તો હું તમારું સ્વાગત કરું છું. મારી સાથે જોડાઇ જાઓ. પણ મેં કઇં નુકશાન કર્યુ ન હોવા છતાં તમે દગો કરીને મને મારા દુશ્મનોના હાથમાં સોંપી દેવાની ઇરછાથી આવ્યા હો, તો આપણા પિતૃઓના દેવ એ ધ્યાનમાં લો અને તમને સજા કરો.”

18 તે જ વખતે દેવના આત્માએ “ત્રીસ વીરો” ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:

“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ,
    હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ,
તારો જય હો! તારા
    સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”

દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.

19 દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.” 20 જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા. 21 એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા.

22 રોજ રોજ માણસો દાઉદ પાસે આવતા જ રહ્યા અને એ રીતે તેનું લશ્કર ઘણું મોટું થઇ ગયું.

પ્રકટીકરણ 21:5-14

તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”

રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

સાત દૂતોમાંથી એકે આવીને મને કહ્યું, “આ તે દૂતો હતા જેઓની પાસે છેલ્લાં સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતા.” તે દૂતે કહ્યું કે, “મારી સાથે આવ. હું તને તે કન્યા, હલવાનની વહુ બતાવીશ.” 10 તે દૂતે મને આત્મા દ્ધારા ઘણા મોટા અને ઊંચા પહાડ પાસે લઈ ગયો. તે દૂતે મને પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું તે શહેર દેવ પાસેથી આકાશમાંથી બહાર નીચે આવી રહ્યું હતું.

11 તે શહેર દેવના મહિમા સાથે પ્રકાશતું હતું. તે અતિ મૂલ્યવાન કિંમતી પથ્થર યાસપિસ જેવું ચમકતું તેજ હતું. તે સ્ફટિકના જેવું નિર્મળ હતું. 12 તે શહેરને એક મોટી અને ઊંચી બાર દરવાજા વાળી દિવાલ હતી. દરેક દરવાજા પાસે બાર દૂતો હતા. દરેક દરવાજા પર ઈસ્ત્રાએલ પુત્રોના બાર કુળોનાં નામ લખેલા હતા. 13 ત્યાં પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા, અને પશ્વિમમાં ત્રણ દરવાજા હતા. 14 શહેરની દિવાલો બાર પાયાના પથ્થરો પર બંધાયેલી હતી. અને તે પથ્થરો પર હલવાનના બાર પ્રેરિતોનાં નામ હતાં.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International