Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રેરિતોનાં કૃત્યો 11:1-18

પિતરનું યરૂશાલેમમાં પુનરાગમન

11 યહૂદિયાના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદિઓએ પણ દેવની વાતોનો સ્વીકાર કર્યો છે. પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી. તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”

પિતરે તેઓને આખી વાત સમજાવી. પિતરે કહ્યું, “હું યાફાના શહેરમાં હતો. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, એક દર્શન મારી સામે આવ્યું. મેં દર્શનમાં આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું, તે એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર નીચે ઉતરતી હતી. તે નીચે આવીને મારી નજીક અટકી ગઈ. મેં તેની અંદર જોયું. મેં પાળેલાં અને જંગલી બંને પ્રકરના પ્રાણીઓ જોયાં. મેં પેટે સરકતાં પ્રાણીઓ અને હવામાં ઊડતાં પક્ષીઓ જોયા. મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે, ‘ઊભો થા. પિતર, આમાંથી કોઇ પ્રાણીને મારી નાખ અને તે ખા!’

“પણ મેં કહ્યું, ‘હું કદાપિ તે નહિ કરું, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ હોય એવું કંઈ ખાધું નથી.’

“પરંતુ આકાશમાંના અવાજે ફરીથી કહ્યું, ‘દેવે આ વસ્તુઓ સ્વચ્છ બનાવી છે. તેને નાપાક કહીશ નહિ!’

10 “આ ત્રણ વખત બન્યું. પછી તે આખી વસ્તુ આકાશમાં પાછી લઈ લેવામાં આવી. 11 પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા. ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા. 12 આત્માએ મને કોઇ પણ જાતની શંકા રાખ્યા વિના તેમની સાથે જવા કહ્યું. આ છ ભાઈઓ જે અહીં હતા તેઓ મારી સાથે આવ્યા. અમે કર્નેલિયસના ઘરે ગયા. 13 કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું. જેને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે કર્નેલિયસને કહ્યું, ‘સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ. 14 તે તને જે વાતો કહેશે તેના વડે તું અને તારા ઘરનાં બંને તારણ પામશો.’

15 “મેં બોલવાનો આરંભ કર્યા બાદ તરત જ પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. જે રીતે શરૂઆતમાં તે (પવિત્ર આત્મા) અમારા પર ઉતર્યો હતો. 16 પછી મેં પ્રભુની વાણીનું સ્મરણ કર્યુ. પ્રભુએ કહ્યું, ‘યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યુ. પણ તું પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા પામશે!’ 17 દેવે આ લોકોને તે જ ભેટ આપી જે તેણે અમને કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખતા હતા, તેમને આપી હતી. તો પછી હું કોણ કે દેવના કામને અટકાવું? ના!”

18 જ્યારે યહૂદિ વિશ્વાસીઓએ આ વાતો સાંભળી, તેઓએ દલીલો કરવાનું બંધ કર્યુ. તેઓએ દેવને મહિમા આપતાં કહ્યું, “તેથી દેવ બિનયહૂદિઓને પસ્તાવો કરવાનું મન આપ્યું છે અને આપણા જેવું જીવન પામવા માટે સંપત્તિ આપે છે.”

ગીતશાસ્ત્ર 148

યહોવાની સ્તુતિ કરો!

આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

પ્રકટીકરણ 21:1-6

નવું યરૂશાલેમ

21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.

મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”

તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”

રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ.

યોહાન 13:31-35

ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે

31 જ્યારે યહૂદા બહાર ગયો, ઈસુએ કહ્યું, “હવે માણસના દીકરાએ તેનો મહિમા પ્રાપ્ત કર્યો છે અને માણસના દીકરા દ્વારા દેવ મહિમા પ્રાપ્ત કરશે. 32 જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.”

33 ઈસુએ કહ્યું, “મારા બાળકો, હવે હું ફક્ત થોડા સમય માટે તમારી સાથે હોઈશ. તમે મને શોધશો અને મેં જે યહૂદિઓને કહ્યું તે હવે હું તમને કહ્યું છું. જ્યાં હું જઈ રહ્યો છું ત્યાં તમે આવી શકશો નહિ.

34 “હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. 35 જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો બધા લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International