Revised Common Lectionary (Semicontinuous)
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
પવિત્ર કામ માટે ભૂમિનાં ભાગલા
45 “જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વંશો વચ્ચે જમીનની વહેંચણી કરો ત્યારે 25,000 હાથ લાંબી અને 25,000 હાથ પહોળી જમીન યહોવા માટે જુદી કાઢવી. એ બધી જ જમીન પવિત્ર ગણાશે. 2 આ જમીનમાંથી 500 હાથ લાંબો અને 500 હાથ પહોળો જમીનનો ટુકડો મંદિર માટે જુદો કરવો અને તેની આજુબાજુ 50 હાથ જમીનનો પટ્ટો ખાલી રાખવો. 3 બધી જમીનમાંથી તમારે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો ટુકડો અલગ કાઢવો. એમાં મંદિર આવશે. એ પરમ પવિત્ર હશે.
4 “આ સમગ્ર વિસ્તાર દેશનો પવિત્ર ભાગ ગણાશે. અને યહોવાની સંમુખ રહીને પવિત્ર સ્થાનમાં જેઓ સેવા કરે છે તે યાજકોના ઘરો અને મારું પવિત્રસ્થાન બાંધવા ઉપયોગમાં લેવાશે. 5 બાકીની જમીનનો ભાગ મંદિરના પરચૂરણ કામો કરતા લેવીઓ માટે રાખવો. એની માલિકી તેમની ગણાશે. એમાં તેમને વસવા માટે જગ્યાઓ હશે.
6 “પવિત્ર ભૂમિની પાસે અડીને 25,000 હાથ લાંબો અને 5,000 હાથ પહોળો જમીનનો ટુકડો સર્વ ઇસ્રાએલના લોકો માટે ખુલ્લો રહેશે. 7 રાજકુમાર માટે પણ જમીન અલગ રાખવામાં આવશે. રાજકુમારની મિલકત પવિત્ર વિસ્તારની બન્ને બાજુએ હશે. અને નગરની મિલકત પૂર્વતરફ અને પશ્ચિમ તરફ હશે. દરેક બાજુની લંબાઇ બીજાં કુળોને આપવામાં આવેલી જમીન જેટલી જ હશે. 8 ઇસ્રાએલની જમીનમાં આ ભાગ રાજકુમારની મિલકત ગણાશે, જેથી તેઓ લોકોને ત્રાસ ન આપે અને દેશનો બાકીનો ભાગ ઇસ્રાએલના વંશજો પાસે રહેવા દે.”
9 યહોવા મારા માલિક કહે છે: “હે ઇસ્રાએલના સરદારો, મારા લોકોને તેઓના પોતાના દેશમાં લૂંટવાનું અને છેતરવાનું તથા તેઓને દેશમાંથી હાંકી કાઢવાનું બંધ કરો. પણ હંમેશા, નીતિમત્તાને માર્ગે અને ન્યાયના માર્ગે ચાલો અને પ્રામાણિક બનો,” એમ યહોવા મારા માલિક કહે છે.
લોદ અને યાફામાં પિતર
32 પિતરે યરૂશાલેમની આજુબાજુના બધા ગામોમાં યાત્રા કરી. તેણે વિશ્વાસીઓની મુલાકાત લીધી. જે લોદમાં રહેતા હતા. 33 લોદમાં તેને એક એનિયાસ નામનો પક્ષઘાતી માણસ મળ્યો. છેલ્લા આઠ વર્ષથી એનિયાસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો. 34 પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી પાથર! હવે તું તારી જાત માટે આ બધું કરી શકીશ!” એનિયાસ તરત જ ઊભો થયો. 35 લોદ તથા શારોનના મેદાનોના બધા જ લોકોએ તેને જોયો. આ લોકો પ્રભુ ઈસુ તરફ વળ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International