Revised Common Lectionary (Semicontinuous)
આભારસ્તુતિનું ગીત.
1 હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
તેમની સમક્ષ આવો.
3 અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
5 કારણ, યહોવા ઉત્તમ છે,
તેમની કૃપા સર્વકાળ છે;
અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
યહૂદા અને ઇસ્રાએલ ફરી એક થશે
15 પછી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, 16 “હે મનુષ્યના પુત્ર, એક લાકડી લઇને તેના પર લખ; ‘યહૂદાનું રાજ્ય’. પછી બીજી લાકડી લઇને તેના પર લખ: ‘યૂસફ (એફ્રાઇમ)નું રાજ્ય’. 17 હવે બંનેને જોડીને એક લાકડી બનાવી દે એટલે તારા હાથમાં એક જ લાકડી રહેશે.
18 “તારા દેશબંધુઓ જો તને કહે કે, આથી તમે શું સૂચવવા માંગો છો, 19 ત્યારે તારે તેઓને કહેવું કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે હું યૂસફ (એફ્રાઇમ) લાકડી લઇને હું એને યહૂદાની લાકડી સાથે જોડી દઉં છું. આ રીતે હું બે લાકડીમાંથી એક લાકડી બનાવી દઇશ અને એટલે મારા હાથમાં એક જ લાકડી થઇ જશે.’
20 “બંને લાકડીઓ તારા હાથમાં એવી રીતે પકડી રાખજે કે લોકો તેને જોઇ શકે. અને પછી તું તેમને કહેજે કે આ યહોવા મારા માલિકના વચન છે. 21 ‘ઇસ્રાએલીઓ બીજી પ્રજાઓમાં ચાલ્યા ગયા છે તેમને હું ત્યાંથી લઇ આવીશ, ઠેકઠેકાણેથી એકત્ર કરીને તેમને પોતાની ભૂમિમાં પાછા વસાવીશ. 22 હું મારી પોતાની ભૂમિમાં, ઇસ્રાએલના પર્વત પર તેમને એક જ પ્રજા બનાવીશ અને તે બધાનો એક જ રાજા હશે. તેઓ ફરી કદી બે પ્રજાઓ નહિ રહે કે બે રાજ્યોમાં વહેંચાઇ નહિ જાય. 23 તેઓ મલિન મૂર્તિઓ દ્વારા તથા અપરાધ આચરીને પોતાને અપવિત્ર કરવાનું બંધ કરશે. કારણ કે હું તેઓને સર્વ અશુદ્ધતામાંથી બચાવી લઇશ. ત્યારે તેઓ સાચે જ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.
24 “‘મારા સેવક દાઉદ જેવો એક રાજા તેમના પર રાજ્ય કરશે. તે જ બધાનો એક માત્ર પાળક હશે. તેઓ મારા નિયમો અનુસાર ચાલશે અને મારી આજ્ઞાઓને માથે ચઢાવી તેનું પાલન કરશે. 25 વળી મારા સેવક યાકૂબને મેં જે ભૂમિ આપી હતી અને જેમાં તમારા પિતૃઓ રહેતા હતા તેમાં જ તેઓ રહેશે, તેઓ અને તેમના બાળકો અને તેમના પણ બાળકો ત્યા કાયમ માટે રહેશે. અને મારા સેવક દાઉદ જેવો રાજા કાયમ તેમના પર શાસન ચલાવશે. 26 હું તેઓની સાથે શાંતિનો કરાર અનંતકાળને માટે કરીશ, હું તેઓને આશીર્વાદ આપીશ. હું તેમને ફરી સ્થાપીશ અને તેમની વંશવૃદ્ધિ કરીશ. અને તેમની વચ્ચે મારા મંદિરની કાયમ માટે સ્થાપના કરીશ. 27 હું મારું નિવાસસ્થાન તેઓની વચ્ચે રાખીશ. અને તેઓનો હું દેવ થઇશ અને તેઓ મારી પ્રજા થશે. 28 જ્યારે મારું મંદિર તેઓ મધ્યે સદાને માટે રહેશે ત્યારે બીજી પ્રજાઓ સમજી જશે કે હું, યહોવા, ઇસ્રાએલને મારી પોતાની પ્રજા ગણું છું.’”
છેલ્લા અનર્થ સાથે દૂત
15 પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)
2 મેં જોયું, જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું. બધા લોકો જેઓએ પ્રાણી પર, અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો. તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા. આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી. 3 તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:
“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ,
તારાં કાર્યો મહાન તથા અદભૂત છે.
હે યુગોના રાજા
તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.
4 હે પ્રભુ બધા લોકો તારાથી બીશે.
બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે!
કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે.
બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે,
કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International