Revised Common Lectionary (Semicontinuous)
36 યાફા શહેરમાં ટબીથા નામની ઈસુની શિષ્યા હતી. (તેનું ગ્રીક નામ, દોરકસ, અર્થાત “હરણ.”) તે હંમેશા લોકો માટે શુભ કાર્યો કરતી. જે લોકોને પૈસાની જરુંર હોય તે લોકોને તે હંમેશા પૈસા આપતી. 37 જ્યારે પિતર લોદમાં હતો. ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી. તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી. 38 યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો. (લોદ યાફા નજીક છે.) તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા. તેઓએ તેને વિનંતી કરી. મહેરબાની કરીને ઝડપથી આવ.
39 પિતર તૈયાર થઈ ગયો અને તેઓની સાથે ગયો. જ્યારે તે આવી પહોંચ્યો, તેઓ તેને મેડી પરના ઓરડામાં લઈ ગયા. બધી જ વિધવાઓ પિતરની આજુબાજુ ઊભી રહી. તેઓ રુંદન કરતાં હતાં. ટબીથા જ્યારે જીવતી હતી ત્યારે જે વસ્ત્રો બનાવ્યા હતા તે તેઓએ પિતરને દેખાડ્યા. 40 પિતરે બધાજ લોકોને ઓરડાની બહાર કાઢ્યા. તેણે ધૂંટણીએ પડીને પ્રાર્થના કરી. પછી તેણે ટબીથાના મુડદા તરફ ફરીને કહ્યું, “ટબીથા, ઊભી થા!” તેણે તેની આંખો ઉઘાડી. જ્યારે તેણે પિતરને જોયો, તે ત્યાં બેઠી થઈ. 41 પિતરે તેનો હાથ લંબાવ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને અંદર ઓરડામાં બોલાવ્યા. તેણે તેઓને ટબીથા બતાવી; તે જીવતી હતી!
42 યાફામાં દરેક સ્થળે લોકોએ આ સંદર્ભમાં સાંભળ્યું હતું. આ લોકોમાંના ઘણાએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. 43 પિતર યાફામાં ઘણા દિવસો રહ્યો. તે યાફામાં સિમોન નામના એક ચમારને ત્યાં રહ્યો.
દાઉદનું ગીત.
1 યહોવા મારા પાલનકર્તા છે.
તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે મને લીલાં બીડમાં સુવાડે છે
અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
3 તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
તેમનાં નામનો મહિમા વધે તે માટે
તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
અને મારા માથા પર તેલ રેડો છો.
મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
6 તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
9 પછી મેં જોયું, તો ત્યાં ઘણા, ઘણા લોકો હતા. ત્યાં એટલા બઘા લોકો હતા કે કોઈ વ્યક્તિ તે બધાને ગણી શકે નહિ. તેઓ પૃથ્વી પરના સર્વ દેશોમાંથી લોકોની જાતિમાંથી અને ભાષાના હતા આ લોકો રાજ્યાસન તથા હલવાનની આગળ ઊભા હતા. તે બધાએ શ્વેત ઝભ્ભા પહેર્યા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. 10 તેઓએ મોટે સાદે પોકાર કર્યો કે, “આપણો દેવ જે રાજ્યાસન પર બેસે છે, તેનો અને હલવાનનો વિજય થાઓ.”
11 ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી. 12 તેઓએ કહ્યું કે, “આમીન! અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સાર્મથ્ય સદાસર્વકાળ હો. આમીન!”
13 પછી વડીલોમાંના એકે મને પૂછયું કે, “આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
14 મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”
અને તે વડીલે કહ્યું કે, “જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે. 15 તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે. 16 તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ. 17 રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”
યહૂદિઓ ઈસુની વિરૂદ્ધમાં
22 તે શિયાળાનો સમય હતો. યરૂશાલેમમાં પ્રતિષ્ઠા પર્વ[a] નો સમય આવ્યો. 23 મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો. 24 યહૂદિઓ ઈસુની આસપાસ ભેગા થયા. તેઓએ કહ્યુ, “ક્યાં સુધી તું તારા વિષે અમને સંદેહમાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય તો પછી અમને સ્પષ્ટ કહે.”
25 ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તો તમને બધું જ કહ્યું છે, પણ તમે વિશ્વાસ કરતા નથી. હું મારા પિતાના નામે કામો કરું છું. હું કોણ છું તે મારા કામો બતાવશે. 26 પણ તમે વિશ્વાસ કરતા નથી. શા માટે? કારણ કે તમે મારાં ઘેટાં (લોકો) નથી. 27 મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે. 28 હું મારાં ઘેટાંઓને અનંતજીવન આપું છું. તેઓ કદાપિ મૃત્યુ પામશે નહિ. અને કોઈ પણ વ્યક્તિ તેઓને મારાં હાથમાંથી છીનવી શકશે નહિ. 29 મારાં પિતાએ મને મારું ઘેટું આપ્યું. તે દરેક જણ કરતા મહાન છે. કોઈ પણ વ્યક્તિ મારાં પિતાના હાથમાંથી મારાં ઘેટાંને ચોરી શકશે નહિ. 30 હું અને મારાં પિતા એક જ છીએ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International