Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 23

દાઉદનું ગીત.

યહોવા મારા પાલનકર્તા છે.
    તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે
    અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
    તેમનાં નામનો મહિમા વધે તે માટે
    તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
    કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
    તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
    અને મારા માથા પર તેલ રેડો છો.
    મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
    અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

હઝકિયેલ 11

યરૂશાલેમ પર ઉતરનાર આફત

11 મને પવિત્ર આત્મા ઉપાડીને મંદિરના પૂર્વ દરવાજે લઇ ગયો. આ દરવાજે મેં નગરના 25 માણસો જોયાં; મેં તેઓની વચ્ચેં લોકોના સરદાર આઝઝુરના પુત્ર યાઅઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા.

યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ તો તે લોકો છે, જેઓ દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર છે અને આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ એ જ છે; તેઓ એમ વિચારે છે કે, ‘આપણે થોડીવારમાં યરૂશાલેમને ફરીથી બાંધીશું, આપણું નગર લોખંડની કઢાઇ સમાન છે, આપણે એમાંનું માંસ છીએ અને તે આપણને સર્વ નુકશાનમાંથી બચાવશે.’ માટે, હે મનુષ્યના પુત્ર, તું એમને મારી ચેતવણી સંભળાવ.”

ત્યાર બાદ યહોવાનો આત્મા મારામાં આવ્યો અને યહોવાએ મને કહ્યું, “તું તેઓને કહે: આ યહોવાના વચન છે; હે ઇસ્રાએલીઓ, તમે શું કહો છો અને તમે શી યોજનાઓ ઘડો છો તે હું જાણું છું. તમે ઘણા લોકોને મારી નાખ્યા છે અને તમારી શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે. તેથી હું યહોવા તમારો માલિક, તમને કહું છું કે, ‘આ નગર કઢાઇ છે એ ખરું, પણ એમાનું માંસ તમે નથી; માંસ તો તમે આ શહેરમાં જે મડદાં નાખ્યાં છે તે છે; તમને તો હું એની બહાર ફેંકી દેનાર છું. સર્વસમર્થ યહોવા કહે છે, તમે તરવારથી ડરો છો અને હું તમને તરવારને જ સોંપનાર છું.’

“અને હું તમને યરૂશાલેમમાંથી દૂર લઇ જઇને વિદેશીઓને સોંપી દઇશ. અને આ રીતે હું મારો ન્યાય કરીશ અને તમને સજા કરીશ. 10 તમે તમારા પોતાના દેશની હદમાં જ તરવારનો ભોગ બનશો. હું તમને સજા કરીશ, ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું. 11 આ શહેર કઢાઇ બની તમારું રક્ષણ નહિ કરે, હું આ ઇસ્રાએલની હદમાં જ તમને સજા કરનાર છું. 12 તમે મારી આજ્ઞાઓનું પાલન કર્યું નથી પણ તમારી આસપાસ વસતી અન્ય પ્રજાઓનું અનુકરણ કર્યું છે, એટલે તમે જાણશો કે હું યહોવા છું.”

13 હું આ ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં જ બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?”

14 ફરીથી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, 15 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમમાં અત્યારે જે લોકો રહે છે તે લોકો તારા વિષે અને દેશવટો ભોગવતા તારા બધા ઇસ્રાએલી જાતભાઇઓ વિષે એમ કહે છે કે, ‘એ લોકોને તો યહોવાથી દૂર કાઢવામાં આવ્યા છે; દેશ તો અમને સોંપી દેવામાં આવ્યો છે; એ અમારી મિલકત છે.’

16 “તેથી યહોવા અમારા માલિક કહે છે: ‘જો કે મેં તેઓને વિશ્વના વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા છે છતાં પણ તેઓ જે દેશમાં છે ત્યાં હું તેઓને માટે એક નાના પવિત્રસ્થાનરૂપ થઇશ. 17 તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ. 18 જ્યારે તેઓ અહીં પાછા આવે ત્યારે તેમણે અહીંથી બધી ધૃણાજનક મૂર્તિઓને અને આચારોને હઠાવી દેવાના છે. 19 હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ. પછી તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મેં જણાવેલ માર્ગે ચાલશે. 20 જ્યારે તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મારા બતાવેલા માર્ગ પર ચાલશે. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો દેવ થઇશ.’”

21 “પરંતુ જેઓ ધૃણાજનક અપવિત્ર મૂર્તિઓની પૂજાને વળગી રહેશે, હું તેમને તેમના બધાં કૃત્યો માટે જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે. 22 પછી કરૂબો ઊંચે ઊડવા લાગ્યા અને પૈડાં પણ તેમની સાથે સાથે પર ગયાં. ઇસ્રાએલના દેવનો મહિમા તેઓની પર આચ્છાદીત હતો. 23 પછી યહોવાનો મહિમા શહેર પરથી ખસીને પૂર્વ ભાગ તરફ આવેલા પર્વત પર ગયો. 24 ત્યાર બાદ સંદર્શનમાં દેવના આત્માએ મને ફરીથી ઉપાડીને બાબિલમાં દેશવટો ભોગવનારાઓ વચ્ચે લાવી મૂક્યો અને ત્યાં સંદર્શન લોપ થયું, 25 અને યહોવાએ મને જે બતાવ્યું હતું તે સર્વ મેં બંદીવાનોને કહી સંભળાવ્યું.

પ્રકટીકરણ 5:1-10

હલવાનની મહત્તા

પછી રાજ્યાસન પર જે બેઠા હતા તે એકના જમણા હાથમાં મે એક ઓળિયું[a] જોયું, ઓળિયાની બંને બાજુએ લખાણ હતું. ઓળિયું સાત મુદ્રાઓથી મુદ્રિત રાખવામાં આવ્યું હતું. અને મેં એક શક્તિશાળી દૂતને જોયો. તે દૂતે મોટા સાદે કહ્યું કે, “આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રાઓ તોડવાને કોણ સમર્થ છે?” પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય. હું ખૂબ ખૂબ રડ્યો કારણ કે તે ઓળિયું ઉઘાડવાને કે તેમાં જોવાને કોઈ યોગ્ય હતું નહિ. પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”

પછી રાજ્યાસનની સમક્ષ ચાર જીવતાં પ્રૅંણીઓની વચમાં મેં એક હલવાનને ઊભું રહેલું જોયું. જેની આજુબાજુ વડીલો પણ હતા. તે હલવાન મારી નંખાયેલા જેવું હલવાન લાગતું હતું. તેને સાત શિંગડા તથા સાત આંખો હતી. આ દેવના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. તે હલવાન આવ્યું અને રાજ્યાસન પર બેઠેલા એકના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું. હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે. અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:

“તું ઓળિયું લેવાને
    તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે,
કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો.
    અને તેં તારા લોહીથી દેવને માટે
    સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.
10 અમારા દેવ માટે તેં લોકોને રાજ્ય બનાવ્યા છે, અને આ લોકોને અમારા દેવને સારું યાજકો બનાવ્યા છે.
    અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International