Revised Common Lectionary (Semicontinuous)
મંદિર તરફ ચઢવા માટેનું ગીત.
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
મને સહાય ક્યાંથી મળે?
2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
યહોવા પાસેથી મને સહાય મળે છે.
3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
અને નિદ્રાવશ થતો નથી.
5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
યહોવા તમારા રક્ષક છે.
6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
યશાયાને સેવાની સોંપણી
6 રાજા ઉઝિઝયા જ્યારે મૃત્યુ પામ્યા તે વર્ષે મેં મારા માલિકને ઊંચા અને ઉન્નત આસન પર બેઠેલા જોયા. તેમના ઝભ્ભાની કિનારોથી મંદિર ભરાઇ ગયું હતું. 2 સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં. 3 તેઓ સામસામે એકબીજાને પોકારીને કહેતા, “સૈન્યોનો દેવ યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે! આખી પૃથ્વીમાં તેમનું ગૌરવ વ્યાપી ગયું છે!” 4 તેમના પોકારોથી બારસાખ પાયા સુધી હચમચી ઊઠી અને મંદિર ધુમાડાથી ભરાઇ ગયું.
5 ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.”
6 પછી એક સરાફ દેવદૂત, વેદીમાંથી બળતો અંગારો લઇને સાણસીમાં પકડીને, મારી પાસે ઊડતો ઊડતો આવ્યો. 7 અને મારા મોંને અંગારો અડાડીને બોલ્યો; “જો, આ તારા હોઠને અડ્યો છે; તારો દોષ દૂર કરાયો છે, અને તારા પાપો દૂર કરવામાં આવ્યા છે.”
8 પછી મેં યહોવાને એવું બોલતા સાંભળ્યાં કે, “હું કોને મોકલું? કોણ મારા સંદેશા લઇ જશે?”
એટલે મેં કહ્યું, “આ હું હાજર છું, મને મોકલો.”
પિતર, યાકૂબ, યોહાન ઈસુને અનુસરે છે
(માથ. 4:18-22; માર્ક 1:16-20)
5 ગન્નેસરેત ગાલીલ સરોવરને કાંઠે ઈસુ ઊભો હતો તે દેવના વચનનો ઉપદેશ કરતો હતો. તેઓ તેનો ઉપદેશ સાંભળતા હતા. 2 ત્યારે તેણે સરોવરને કિનારે બે હોડી લાંગરેલી જોઈ. માછીમારો તેઓની જાળ પાણીમાં ધોઇ રહ્યાં હતા. 3 તેમાની એક હોડી સિમોનની હતી. ઈસુ તે હોડીમાં બેસવા ચઢી ગયો. ઈસુએ તેને કાંઠાથી થોડે દૂર હોડી હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો.
4 ઈસુએ ઉપદેશ આપી રહ્યાં પછી સિમોનને કહ્યું, “હોડીને દૂર ઊંડા પાણીમાં લઈ જાઓ. અને માછલાં પકડવા જાળો નાખો. તમને કેટલાંક માછલાંઓ મળશે.”
5 સિમોને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત ખૂબ મહેનત કરી છે, પરંતુ અમને કશું જ પ્રાપ્ત થયું નથી. પરંતુ તું કહે છે તે કારણથી હું જાળો નાખીશ.” 6 માછીમારોએ પાણીમાં જાળો નાખી અને જાળોમાં એટલી બધી માછલીઓ ભરાઇ કે તેના ભારથી જાળો તૂટવા માંડી. 7 તેથી તેઓએ બીજી હોડીમાં બેઠેલા એમના મિત્રોને ઇશારો કર્યો. તેઓ આવ્યા અને બંને હોડીઓમાં એટલી બધી માછલીઓ ભરી કે હોડીઓ ડૂબવા માંડી.
8-9 જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું. તું મારાથી દૂર રહે.” તેણે આ એટલા માટે કહ્યું કારણ કે આટલી બધી માછલીઓ પકડાઇ તેથી તે અને તેના સાથીદારો ભારે આશ્ચર્ય પામ્યા. 10 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન તથા પિતરના ભાગીદારો જે સિમોનના મિત્રો હતા તેઓને પણ આ જોઈને ભારે આશ્ચર્ય થયું હતું.
તેથી ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઇશ નહિ, હવે પછી તું માછલીઓ નહિ, પરતું માણસોને ભેગા કરીશ!”
11 પછી તે લોકો તેઓની હોડીઓ કિનારે લાવ્યા અને સર્વસ્વનો ત્યાગ કરીને ઈસુને અનુસર્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International