Revised Common Lectionary (Semicontinuous)
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
ત્રણ અતિથિ
18 પછી ફરીથી યહોવા ઇબ્રાહિમ આગળ માંમરેનાં એલોનવૃક્ષો પાસે પ્રગટ થયા. તે દિવસે બપોરે, ઇબ્રાહિમ તેના તંબુના પ્રવેશદ્વાર આગળ બેઠો હતો. 2 ઇબ્રાહિમે આંખ ઊંચી કરીને જોયું, તો પોતાની સામે ત્રણ માંણસોને ઊભેલા જોયા. તે તેમની પાસે દોડતો દોડતો ગયો અને તેઓને પ્રણામ કર્યા. 3 ઇબ્રાહિમે કહ્યું, “માંરા સ્વામી, જો માંરા પર આપની કૃપાદૃષ્ટિ હોય, તો આ સેવકની સાથે થોડીવાર ઊભા રહો. 4 હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો. 5 હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.”
ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”
6 ઇબ્રાહિમ ઉતાવળો ઉતાવળો તંબુમાં ગયો અને સારાને કહ્યું, “ઝટપટ ત્રણ માંપિયાં ઝીણો મેંદાનો લોટ લઈને ગૂંદીને રોટલી બનાવી નાખ.” 7 પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.” 8 પછી ઇબ્રાહિમ એ ત્રણેય ને ભોજન માંટે માંસ આપ્યું. અને દૂધ દહીં પણ પીરસ્યાં, જયાં સુધી એ ત્રણે જણ ખાતાં રહ્યાં ત્યાં સુધી ઇબ્રાહિમ તેમની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.
તમને બદલો મળશે
12 પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે. 13 તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ. 14 તેથી તું ધન્ય થશે, કારણ કે આ લોકો તને કશું પાછું આપી શકે તેમ નથી. તેઓની પાસે કંઈ નથી. પણ જ્યારે સારા લોકો મૃત્યુમાંથી ઊભા થશે ત્યારે તને બદલો આપવામાં આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International