Revised Common Lectionary (Semicontinuous)
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
11 જેઓ સવારમાં વહેલા ઊઠીને દ્રાક્ષારસ જ પીયા કરો છો. અને છાકટા થાઓ ત્યાં સુધી સાંજે મોડે સુધી જાગનારાઓ, હવે તમારું આવી બન્યું છે એમ સમજો. 12 તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.
13 પરિણામે મારા લોકો અજ્ઞાનતાને કારણે દેશનિકાલ થયા છે, અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સામાન્ય લોકો તરસથી મરશે. 14 એથી શેઓલે અત્યંત ક્ષુધાથી પોતાનું મોં પહોળું કર્યુ છે, તેમાં કુલીન લોકો અને સામાન્ય લોકોનાં ખુશીથી કોલાહલ કરતાં ટોળાં હોમાઇ જશે.
15 સૌને નીચા પાડવામાં આવશે, સૌનું ગુમાન ઉતારવામાં આવશે. સૌને નીચા નમાવવામાં આવશે. 16 પરંતુ સૈન્યોના દેવ યહોવા નિષ્ઠાપૂર્વક ન્યાય કરશે અને આમ કરીને પોતાની મહાનતા પ્રગટ કરશે. પરમ પવિત્ર દેવ ન્યાયી આચરણ કરીને બતાવશે કે તે પવિત્ર છે. 17 હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોના પાયમાલ થયેલાં સ્થાનોને પારકાઓ ખાઇ જશે.
લાવદિકિયાંમાંની મંડળીને ઈસુનો પત્ર
14 “લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે:
“જે આમીન[a] છે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:
15 “તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય! 16 પણ તું માત્ર હૂંફાળો છે, નથી ગરમ કે નથી ઠંડો. તેથી હું મારા મુખમાંથી તને થૂંકી નાખીશ. 17 તું કહે છે કે તું શ્રીમંત છે. તું વિચારે છે કે તું ધનવાન બન્યો છે અને તને કશાની જરુંર નથી. પણ તને ખબર નથી કે તું ખરેખર કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો, અને નગ્ન છે. 18 હું તને સલાહ આપુ છું કે તું મારી પાસેથી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું વેચાતું લે. પછી તું સાચો શ્રીમંત થઈ શકીશ. હું તને આ કહું છું. ઊજળાં વસ્ત્રો જે છે તે ખરીદ. પછી તું તારી શરમજનક નગ્નતાને ઢાંકી શકીશ. હું તને આંખોમા આંજવાનું અંજન પણ ખરીદવાનુ કહું છું. પછી તું ખરેખર જોઈ શકીશ.
19 “હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર. 20 હું અહીં છું! હું બારણાં આગળ ઉભો રહીને ખબડાવું છું. જો કોઈ વ્યક્તિ મારી વાણી સાંભળે છે અને બારણું ઉઘાડે છે તો હું અંદર આવીશ અને તે વ્યક્તિ સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
21 “જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને હુ મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. મારી સાથે પણ એમ જ હતું. મેં વિજય મેળવ્યો અને મારા બાપ સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું. 22 પ્રત્યેક વ્યક્તિ જે આ વાત સાંભળે છે. તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International