Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પ્રેરિતોનાં કૃત્યો 5:27-32

27 સૈનિકોએ પ્રેરિતોને સભામાં લાવીને યહૂદિ આગેવાનોની આગળ તેઓને ઊભા રાખ્યા. પ્રમુખ યાજકે પ્રેરિતોને પ્રશ્ર કર્યો. 28 તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”

29 પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ. 30 તમે ઈસુને મારી નાખ્યો. તમે તેને વધસ્તંભે લટકાવ્યો. પણ દેવે, અમારા પૂર્વજોના એ જ દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો છે. 31 ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે. 32 અમે આ બધું બનતાં જોયું છે. અમે કહી શકીએ છીએ કે આ બધું સાચું છે. પવિત્ર આત્મા પણ એ બતાવે છે કે આ સાચું છે. દેવે બધા લોકો જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે સૌને પવિત્ર આત્મા આપેલો છે.”

ગીતશાસ્ત્ર 118:14-29

14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 150

યહોવાની સ્તુતિ કરો!

તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો!
    તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;
    તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો;
    સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો;
    સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.
તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ,
    ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!

શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો!

તમે સૌ યહોવાની સ્તુતિ કરો!

પ્રકટીકરણ 1:4-8

યોહાન મંડળીઓ માટે ઈસુના સંદેશાઓ લખે છે

આસિયા[a] પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન:

જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી; અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે.

ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા; ઈસુએ આપણને એક રાજ્ય તથા તેના પિતા દેવની સેવાને અર્થ યાજકો બનાવ્યા. ઈસુનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ પર્યંત હોજો! આમીન.

જુઓ, ઈસુ વાદળાંસહિત આવે છે! પ્રત્યેક વ્યક્તિ જેઓએ તેને વીધ્યો[b] છે તેઓ પણ તેને જોશે. પૃથ્વી પરની બધી જ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. હા, આ બનશે જ! આમીન.

પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગા[c] છું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”

યોહાન 20:19-31

તેના શિષ્યોને ઈસુના દર્શન

(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂ. 24:36-49)

19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.

21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”

થોમાને ઈસુના દર્શન

24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”

26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”

28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”

29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”

યોહાને આ પુસ્તક શા માટે લખ્યું

30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International