Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
યોથામની વાર્તા
7 જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો:
“ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે!
8 “એક દિવસ બદા વૃક્ષો રાજા પસંદ કરવા ગયાં. તેમણે જૈતૂનના વૃક્ષને કહ્યું, ‘તું અમાંરો રાજા થા.’
9 “પણ જૈતૂનના વૃક્ષે કહ્યું, ‘શું હું માંરું તેલ, જે દેવો અને માંનવોને સન્માંનવા માંટે વપરાય છે, તે છોડીને વૃક્ષો પર રાજ્ય કરવા આવું?’
10 “પછી વૃક્ષોએ અંજીરના વૃક્ષને કહ્યું, ‘તું અમાંરા ઉપર રાજ્ય કર.’
11 “પરંતુ અંજીરના વૃક્ષે કહ્યું, ‘શું હું માંરાં ફળ અને એની બધી મીઠાશ છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું?’
12 “પછી વૃક્ષોએ દ્રાક્ષના વેલાને કહ્યું, ‘તો તું આવ અને અમાંરો રાજા થા.’
13 “પણ તેમણે જવાબ આપ્યો, ‘વૃક્ષોનો રાજા બનવા માંટે થઈને દેવ અને માંણસોને આનંદિત કરનાર દ્રાક્ષારસ ઉપજાવવાનું હું શા માંટે છોડી દઉં?’
14 “ત્યારે બધાં વૃક્ષોએ કાંટાના છોડને કહ્યું, ‘તો તું આવ અને અમાંરા પર રાજ કર.’
15 “એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’
ખ્રિસ્તવિરોધીઓને અનુસરો નહિ
18 મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે. 19 ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.
20 તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો. 21 મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.
22 તેથી જુઠો કોણ છે? તે એ વ્યક્તિ છે જે કહે છે કે ઈસુ, ખ્રિસ્ત નથી. તે ખ્રિસ્તવિરોધી છે. તે વ્યક્તિ પિતામાં વિશ્વાસ કરતો નથી. અથવા તેના પુત્રમાં વિશ્વાસ કરતો નથી, તો તેને બાપ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પુત્રને સ્વીકારે છે તો તેને બાપ પણ છે.
23-24 તમે આરંભથી જે સાંભળ્યું છે તે તમારામાં રહો, આરંભથી જે તમે સાંભળ્યું છે તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામા રહેશો. તેની ખાતરી રાખજો. 25 પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.
26 જે લોકો તમને ખોટા રસ્તે દોરવાનો પ્રયત્ન કરે છે તે લોકો વિષે હું આ પત્ર લખું છું 27 ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.
28 હા, મારાં બાળકો, તેનામાં જીવો. જો આપણે આ કરીશુ, તો આપણે ખ્રિસ્ત ઈસુ જ્યારે પાછો આવવાનો છે તે દિવસે નિર્ભય બનીશું જ્યારે તે આવે ત્યારે આપણે છુપાઈ જવાની કે શરમાઈ જવાની જરુંર નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International