Revised Common Lectionary (Semicontinuous)
યહોવા ફરી પોતાના લોકોને બચાવશે
16 ભૂતકાળમાં યહોવાએ સમુદ્રમાં થઇને માર્ગ કર્યો હતો, ધસમસતા જળમાં રસ્તો કર્યો હતો; 17 “તે રથને અને ઘોડાને, અને સમગ્ર યોદ્ધાઓના સૈન્યને બહાર દોરી ગયો. બધાજ ઢળી પડ્યા, પાછા બેઠા થવા પામ્યા નહિ, તેઓ સૌ ઓલવાઇ ગયા, તેઓ વાટની જેમ ઓલવાઇ ગયા. 18 પરંતુ હવે તે સર્વ ભૂતકાળનું સ્મરણ કરવાની જરૂર નથી. પહેલાં મેં જે કર્યુ હતું તેનો વિચાર ન કરો. 19 કારણ કે હું એક નવું કામ કરવાનો છું. જુઓ, મેં તેમની શરૂઆત કરી દીધી છે! શું તમે જોઇ શકતા નથી? મારા લોકો માટે અરણ્યમાં હું માર્ગ તૈયાર કરીશ અને રાનમાં તેઓને માટે નદીઓ ઉત્પન્ન કરીશ! 20 જંગલી પ્રાણીઓ, વરુઓ અને શાહમૃગો સુદ્ધાં મને માન આપશે, કારણ, હું મરુભૂમિમાં પાણી પૂરું પાડીશ. સૂકા રણમાં નદીઓ વહેવડાવીશ, જેથી મારા પસંદ કરેલા લોકો પાણી પીવા પામે. 21 એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે.”
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
4 હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે. 5 હું આઠ દિવસનો હતો, ત્યારે મારી સુન્નત થયેલી, હું ઈસ્રાયેલી છું અને બિન્યામીનના ફુળનો છું. હું હિબ્રૂઓનો હિબ્રૂ છું અને મારા માતાપિતા હિબ્રૂ હતા, મૂસાનું નિયમશાસ્ત્ર મારે માટે ઘણું જ મહત્વનું હતું અને તેથી જ હું ફરોશી બન્યો હતો. 6 હું મારા યહૂદી ધર્મથી એટલો બધો ઉત્તેજીત હતો કે મેં મંડળીને સતાવેલી. હું જે રીતે મૂસાના નિયમ શાસ્ત્રને અનુસર્યો હતો તેમા કોઈ દોષ શોધી શકે તેમ નહોતો. 7 એક સમયે, આ બધી જ વસ્તુ મારા માટે ઘણી મહત્વની હતી. પરંતુ મેં નક્કી કર્યુ કે ખ્રિસ્ત આગળ આ બધી વસ્તુઓનું કશું જ મૂલ્ય નથી. 8 માત્ર તે જ વસ્તુઓ નહિ, પરંતુ હવે તો મને લાગે છે કે ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને પામવાની મહાનતાની સરખામણીમાં કોઈ પણ વસ્તુ મહત્વની નથી. ખ્રિસ્તને કારણે મેં એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો અને હવે હું જાણું છું કે ખ્રિસ્ત આગળ તે બધી વસ્તુઓ તુચ્છ કચરા જેવી છે. આ રીતે મને ખ્રિસ્ત મળ્યો. 9 આને કારણે હું ખ્રિસ્ત દ્વારા ન્યાયી છું. હું નિયમશાસ્ત્રને અનુસર્યો એને કારણે આ બન્યું નથી. પરંતુ ખ્રિસ્તમાં મારા વિશ્વાસને કારણે શક્ય બન્યું હતું. દેવે મારા ખ્રિસ્તમાંના વિશ્વાસનો ઉપયોગ મને તેને અનુરૂપ બનાવવામાં કર્યો. 10 હું માત્ર ખ્રિસ્તને અને મૃત્યુમાંથી સજીવન થવાના સાર્મથ્યને જાણવા માંગુ છું. હું ખ્રિસ્તની વ્યથામાં સહભાગી થવા માંગુ છું અને તેના મરણમાં તેના સમાન થવા માગું છું. 11 જો હું આમ કરી શકું તો મારી જાતે મૃત્યુમાંથી ઊઠવાની આશા હું રાખી શકું.
ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન
12 હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે. 13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું. 14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે.
બેથનિયામાં ઈસુ તેના મિત્રો સાથે
(માથ. 26:6-13; માર્ક 14:3-9)
12 પાસ્ખાપર્વના છ દિવસો અગાઉ, ઈસુ બેથનિયા ગયો. લાજરસ જ્યાં રહેતો હતો તે ગામ બેથનિયા હતું. (લાજરસ એ માણસ હતો જેને ઈસુએ મૃત્યુમાંથી ઉઠાડ્યો હતો.) 2 તેઓએ ઈસુ માટે બેથનિયામાં ભોજન રાખ્યું હતું. માર્થાએ ભોજન પીરસ્યું. તે લોકોમાં લાજરસ હતો જે ઈસુ સાથે જમતો હતો. 3 તે સમયે મરિયમે ઘણું કિંમતી જટામાંસીનું એક શેર અત્તર આણ્યું. મરિયમે તે અત્તર ઈસુના પગ પર લગાડ્યું. પછી તેણે તેના પગ તેના વાળ વડે લૂછયા. અને અત્તરની મીઠી સુગંધથી આખું ઘર ભરાઈ ગયું.
4 યહૂદા ઈશ્કરિયોત ત્યાં હતો. યહૂદા ઈસુના શિષ્યોમાંનો એક હતો. (તે એક કે જે પાછળથી ઈસુની વિરૂદ્ધ થનાર હતો.) મરિયમે જે કર્યુ તે યહૂદાને ગમ્યું નહિ. તેથી તેણે કહ્યું, 5 “તે અત્તરની કિંમત ચાંદીના 300 સિક્કા હતી. તે વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” 6 પણ યહૂદા ખરેખર ગરીબ લોકો વિષે ચિંતા કરતો ન હતો. યહૂદાએ આ કહ્યું કારણ કે તે એક ચોર હતો. યહૂદા જે શિષ્યોના સમૂહ માટે પૈસાની પેટી રાખતો હતો અને તે વારંવાર પેટીમાંથી પૈસા ચોરતો હતો.
7 ઈસુએ ઉત્તર આપ્યો, “તેને રોકશો નહિ. આજના દિવસ માટે તેણીના માટે આ અત્તર બચાવવું યોગ્ય હતું. આ દિવસ મારા માટે દફનની તૈયારીનો હતો. 8 ગરીબ લોકો હંમેશા તમારી સાથે હશે પણ હું હમેશા તમારી સાથે નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International