Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
યહોવાનું અભયદાન
43 પણ હવે, હે યાકૂબ તારો સર્જનહાર અને ઇસ્રાએલના ઘડવૈયા યહોવા તને કહે છે, “ડરીશ નહિ, હું તારો ઉદ્ધાર કરીશ, મેં તને તારું નામ દઇને બોલાવ્યો છે અને તું મારો પોતાનો છે. 2 જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ. 3 કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. 4 મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.
5 “તું ડરીશ નહિ, હું તારી સાથે છું. હું તારા લોકોને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી લઇ આવી ઘરભેગા કરીશ. 6 હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો. 7 એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે સર્જ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”
તિતસ અને એપાફ્રદિતસના સમાચાર
19 પ્રભુ ઈસુમાં તિમોથીને તમારી પાસે મોકલવાની હું આશા રાખું છું. તમારા વિષે જાણતા મને ઘણો આનંદ થશે. 20 મારી પાસે તિમોથી જેવો બીજો કોઈ માણસ નથી. તે ખરેખર તમારી કાળજી રાખે છે. 21 બીજા બધાને માત્ર પોતાની જાતમાં રસ છે. તેઓને ઈસુ ખ્રિસ્તના કાર્યમાં રસ નથી. 22 તમે જાણો છો કે તિમોથી કેવા પ્રકારનો માણસ છે. જે રીતે એક પુત્ર તેના પિતાની સેવા કરે તે રીતે સુવાર્તાના (પ્રસાર) કાર્યમાં તેણે મારી સાથે સેવા કરી છે. 23 જ્યારે મને ખબર પડશે કે મારું શું થવાનું છે, ત્યારે તરત જ તેને મોક્લવાની મારી યોજના છે. 24 મને ખાતરી છે કે પ્રભુ મને મદદરૂપ થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International