Revised Common Lectionary (Semicontinuous)
કનાનમાં પ્રથમ પાસ્ખાપર્વ
9 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમાંરામાંથી દોષ દૂર કર્યો છે જે તમને મિસરમાં હતો.” તેથી આજથી આ જગાને ગિલ્ગાલ કહેવાશે અને આજે પણ તે એ જ નામે ઓળખાય છે.
10 યરીખોના મેદાનો પર આવેલા ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓએ છાવણી કરી હતી ત્યારે તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે પાસ્ખા પર્વ ઊજવ્યું. 11 પાસ્ખાપર્વ ઉજાણીના બીજે દિવસે તેઓએ ખેતરોમાં ઉગેલું અનાજ ખાધું; એટલે તેજ દિવસે આથા વગરની રોટલી અને ભૂંજેલા ધાન્ય ખાધું. 12 જેવું લોકોએ પ્રદેશની ઉપજનું અનાજ ખાધુ કે બીજી સવારથી સ્વર્ગમાંથી આવતો ખાસ ખોરાક (માંન્ના) બંધ થઈ ગયું અને તે વર્ષે તેઓએ કનાના ભૂમિમાં પાકતું ધાન્ય ખાધું.
દાઉદનું ગીત. માસ્કીલ.
1 જેના દોષને માફી મળી છે,
તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
તેને ધન્ય છે અને તે જ સુખી છે.
2 જેને યહોવા દોષિત ગણતા નથી,
અને જેના આત્મામાં કંઇ કપટ નથી
તે માણસ આશીર્વાદિત છે.
3 હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
4 આખો દિવસ અને આખી રાત,
તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.
5 પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.
6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
7 જીવનનાં સર્વ સંકટોમાં
તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.
8 યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”
10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.
16 તેથી આ સમયથી જે રીતે દુનિયા લોકો વિષે વિચારે છે તે રીતે અમે કોઈ પણ એક વ્યક્તિ વિષે વિચારતા નથી. તે સાચું છે કે ભૂતકાળમાં જે રીતે દુનિયા વિચારે છે તે રીતે અમે ખ્રિસ્ત વિષે વિચાર્યુ. પરંતુ હવે અમે તે રીતે વિચારતા નથી. 17 જે વ્યક્તિ ખ્રિસ્તમય છે તે નવોદિત છે, તે એક નવું સર્જન છે. જૂની વસ્તુનો વિસય થયો છે, બધું જ નવોદિત છે! 18 આ બધુંજ દેવ તરફથી દેવ થકી છે. દેવે તેની અને અમારી વચ્ચે સુલેહ કરી છે. અને લોકોને દેવ સાથે સુલેહ કરવાનું કામ દેવે અમને સોંપ્યું છે. 19 હું સમજુ છું કે ખ્રિસ્ત ઈસુમાં દેવ હતો અને વિશ્વ અને પોતાની વચ્ચે સુલેહ શાંતિ કરતો હતો. ખ્રિસ્તમય લોકોને તેઓના પાપ માટે દેવે દોષિત ન ઠરાવ્યા. અને શાંતિનો આ સંદેશ બધા લોકો માટે તેણે અમને આપ્યો. 20 તેથી ખ્રિસ્ત વતી ઉદબોધન કરવા અમને મોકલવામાં આવ્યા છે. જાણે કે અમારા થકી દેવ લોકોને વિનંતી કરે છે. જ્યારે અમે તમને દેવ સાથે સુલેહ કરવાનું વિનવીએ છીએ ત્યારે અમે ખ્રિસ્ત વતી જ બોલીએ છીએ. 21 ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. દેવે આમ અમારાં માટે કર્યુ કે જેથી અમે ખ્રિસ્તમાં દેવ સાથે સત્યનિષ્ઠ બની શકીએ.
આકાશમાં આનંદ
(માથ. 18:12-14)
15 ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા. 2 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”
3 પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી:
ગૃહત્યાગ કરનારો દીકરો
11 પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા. 12 નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી.
13 “પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા. 14 તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી. 15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો. 16 તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. પરંતુ કોઈ પણ માણસે તેને કંઈ પણ આપ્યું નહિ.
17 “તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી. 18 હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે. 19 હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’ 20 પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો.
પુત્રનું પાછા ફરવું
“જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી. 21 પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’
22 “પણ પિતાએ નોકરોને કહ્યું, ‘જલદી કરો! સારામાં સારાં કપડાં લાવો અને તેને પહેરાવો. અને તેની આંગળીએ વીંટી પહેરાઓ અને પગમાં જોડા પહેરાવો. 23 એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું. 24 મારો દીકરો મરી ગયો હતો, પણ હવે તે ફરીથી જીવતો થયો છે! તે ખોવાઇ ગયો હતો, પણ હમણા તે જડ્યો છે!’ તેથી તેઓએ મોટી મિજબાની કરી.
મોટા દીકરાનું આગમન
25 “મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો. 26 તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછયું; ‘આ બધું શું છે?’ 27 નોકરે કહ્યું, ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’
28 “મોટો દીકરો ગુસ્સામાં હતો અને મિજબાનીમાં જવા રાજી નહોતો. તેથી તેનો પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું. 29 પુત્રએ તેના પિતાને કહ્યું, ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી. 30 પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’
31 “પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે. 32 આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International