Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.
1 મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
હું મારા મોઢા પર લગામ રાખીશ.”
2 સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
3 મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
અને અંતે હું મારી જીભે બોલ્યો કે,
4 હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
5 તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.
6 મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
તે જે કરે છે તે મૂલ્યહીન છે.
તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?
7 હે પ્રભુ, મારે શું આશા હોય?
તમે જ મારી આશા છો.
8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
9 હે યહોવા, હું મૂગો રહ્યો છું,
હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.
12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
મારા આંસુઓની અવગણના ન કરશો,
આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.
ગરૂડનું ષ્ટાંત-દ્રાક્ષના વેલાનું રૂપક
17 યહોવા તરફથી વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલી લોકો આગળ એક ઉખાણું રજૂ કર અને તેમને આ બોધકથા કહે: 3 તેઓને જણાવ કે હું યહોવા, તેઓને આ કહું છું:
“‘રંગબેરંગી પીંછાથી ઢંકાયેલું વિશાળ કદની પાંખોવાળું
અને લાંબા નહોરોવાળું એક મોટું ગરૂડ ઊડતું ઊડતું લબાનોનના પર્વત પર આવ્યું
અને તેની ઉપરથી એરેજવૃક્ષની ટોચની ડાળી લઇ ગયું.
4 અને વૃક્ષની તે ડાળીને ટોચે રહેલી નવી ડાળો
તેણે તોડી નાખી કનાન દેશ લઇ જઇ વેપારીઓના નગરમાં રોપી.
5 ત્યાર પછી તેણે એક બીજ તે જમીન પરથી લીધું અને નદીકાંઠાની ફળદ્રુપ ભૂમિમાં વાવ્યું,
જ્યાં પાણીનો તોટો નહોતો. અને તેણે તે બીજને પાણી પાયું.
6 વેલો વધવા લાગ્યો અને તે વધીને ઊંચો
ન થયો પણ બધી દિશામાં ફેલાઇ ગયો.
તેની શાખાઓ ઉગી ત્યાં નવા ફણગાં ફૂટયાં
અને તેનાં મૂળ ઊંડા ગયાં.
આખો વેલો ડાળીઓ
અને કૂંપળોમાં ફેલાઇ ગયો.
7 એવામાં બીજો એક મોટો ગરૂડ આવ્યો.
તેની પાંખો વિશાળ હતી.
તેને પુષ્કળ પીછાં હતાં.
પેલા દ્રાક્ષના વેલાએ પોતાનાં મૂળીયાં તેના તરફ વાળ્યાં,
ડાળીઓ તેના તરફ ફેલાવી,
એવી આશાએ કે તે એને જ્યાં ઊગેલો હતો
તે બગીચા કરતા વધારે પાણી પાશે.
8 જો કે આ દ્રાક્ષાવેલો પુષ્કળ પાણીવાળો અને ફળદ્રુપ જમીનમાં રોપેલો હતો.
તેથી પુષ્કળ પાંદડાં અને ફળો તેને લાગે તેમ હતું.
અને તે ઊંચી પ્રકારનો દ્રાક્ષાવેલો બની શકે તેમ હતું.’
9 “તું એમને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે:
આ વેલો ફૂલશેફાલશે ખરો?
પેલો ગરૂડ એને મૂળમાંથી ઉખેડી
નાખી દ્રાક્ષો ઝૂડી નહિ લે?
એ સુકાઇ નહિ જાય? એના બધાં લીલાં
ડાળપાંદડાં ચીમળાઇ નહિ જાય?
એને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વધુ
જોરની કે બળવાન પ્રજાની જરૂર નહિ પડે?
10 એને રોપ્યો છે એ ખરું, પણ એ ફૂલશેફાલશે ખરો?
જ્યારે પૂર્વના પવનો વાશે ત્યારે એ સુકાઇ નહિ જાય?
જે બગીચામાં એ ઊગ્યો છે ત્યાં ને ત્યાં એ ચીમળાઇ નહિ જાય?”
12 જે લોકો પાસે મૂસાનું નિયમશાસ્ત્ર[a] છે અને એવા લોકો કે જેઓએ નિયમશાસ્ત્ર સાંભળ્યું નથી. તેઓ બધા જ જ્યારે પાપ કરે છે ત્યારે એક સમાન કક્ષાએ આવી જાય છે. જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને જે પાપીઓ છે તેઓ નાશ પામશે. અને જે લોકો પાસે નિયમશાસ્ત્ર છે અને તેઓ પાપી છે તેઓનો ન્યાય નિયમથી થશે. 13 આ નિયમશાસ્ત્ર માત્ર સાંભળી લેવાથી દેવની નજરે ન્યાયી થવાશે નહિ. એ નિયમશાસ્ત્ર પ્રમાણે જે લોકો આજ્ઞા પાળે છે તે દેવની સાથે નિયમ મુજબ ન્યાયી ઠરશે.
14 બિનયહૂદિ લોકો પાસે નિયમશાસ્ત્ર હોતુ નથી, નિયમશાસ્ત્ર જાણ્યા વગર પણ પોતાની સ્વતંત્ર બુદ્ધિ વડે નિયમ મુજબ તેઓ વર્તે છે. જો કે તેઓને નિયમ મળ્યો નથી છતાં તેઓ તેમની જાત માટે નિયમરૂપ છે. 15 તેઓ તેમના હૃદયમાં તે બતાવે છે. નિયમની અપેક્ષા મુજબ સાચું શું છે અને ખોટું શું છે તે તેઓના કામ દેખાડી આપે છે. જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે તેમના વિચારો તેમને કહે છે કે તેઓએ ખોટું કર્યુ છે, અને તેઓ ગુનેગારની લાગણી અનુભવે છે. કેટલીક વાર તર્ક બુદ્ધિથી એમને લાગે કે એમણે જે કઈ કર્યુ છે તે યોગ્ય છે ત્યારે તેઓ અપરાધ ભાવનાથી પીડાતા નથી.
16 જે દિવસે દેવ ન્યાય ચૂકવશે ત્યારે લોકોના હૃદયમાં છુપાયેલી ગુપ્ત વાતો બહાર આવશે. હું જે સુવાર્તાનો ઉપદેશ આપું છું તે કહે છે. દેવ, ખ્રિસ્ત ઈસુ દ્વારા લોકોનો ન્યાય કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International