Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
ને દેહ તલપે છે.
2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7 તમે મને સહાય કરી છે,
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
દેવની દ્રાક્ષવાટિકા
5 હવે હું મારા પ્રિયતમ અને જેને હું સ્નેહ કરું છું તેની સમક્ષ તેની દ્રાક્ષવાટિકા વિષે ગીત ગાઉં છું.
ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની
એક દ્રાક્ષની વાડી હતી.
2 તેણે તેને ખેડી અને પથ્થર વીણી કાઢયા.
અને અતિ ઉત્તમ દ્રાક્ષીના વેલા રોપ્યા,
તેણે તેની વચ્ચે ચોકી કરવાની છાપરી બાંધી
અને દ્રાક્ષને પીલવા કુંડ ખોદી કાઢયો. એમાં
મીઠી દ્રાક્ષ થશે એવી તેને આશા હતી.
પણ થઇ ત્યારે તેવી મીઠી દ્રાક્ષ બિલકુલ નહોતી.
3 દેવે કહ્યું કે, “હે યરૂશાલેમ તથા યહૂદાના લોકો તમે આ કિસ્સો સાંભળ્યો છે?
તમે ન્યાય કરો!
4 આથી વિશેષ હું શું કરી શક્યો હોત?
મારી દ્રાક્ષવાટિકાએ
મને મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ
શા માટે આપી?
5 “માટે હવે સાંભળો,
મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું:
હું એના વાડાઓ કાઢી
અને તેનો નાશ થવા દઇશ,
હું એના વાડાઓ તોડી નાખીશ,
તેને પગ નીચે કચડાવી દઇશ.
6 અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ,
કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ,
એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે.
હું વાદળોને આજ્ઞા કરીશ
કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”
7 ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે.
તેણે ન્યાયની આશા રાખી હતી.
પણ બદલો મળ્યો અન્યાય નો!
તેમણે આશા રાખી હતી સદાચારની પણ,
જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી!
બે પ્રકારના ફળ
(માથ. 7:17-20; 12:34-35)
43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી. 44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી! 45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International